ઇલેક્શન અપડેટ: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કેમ કરવામાં આવી?

પરશોત્તમ રૂપાલા બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @PRUPALA

પ્રકાશિત

પરશોત્તમ રૂપાલાએ એક ભાષણમાં કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય-રાજપૂત સમાજે તેમનો ભારે વિરોધ કરતા તેમને બે વખત જાહેરમાં માફી માંગવી પડી હતી.

તેમ છતાં પણ તેમની સામેનો વિરોધ અટકવાનું નામ લઈ રહ્યો નથી. રાજકોટમાં રેલનગર વિસ્તારમાં તેમના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.

બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર, આ સંદર્ભે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે રાયોટીંગ , કાવતરા સહિતની ભારે કલમો દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના વિરોધમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા.

પોલીસ સ્ટેશને આવેલા આશાબા સિસોદિયાએ કહ્યું હતું કે, “સરકાર એક રૂપાલાને બચાવવા માટે ક્ષત્રિય સમાજની સામે કેમ પડે છે? અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે.”

કચ્છથી આવેલા હેતલબા ઝાલાએ કહ્યું હતું કે, “અમે અમારી માંગ પૂરી કરવા માટે લડી રહ્યા છીએ તેમ છતાં અમારા માણસોને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે? અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે.”

પોલીસે આપેલી માહિતી અનુસાર તકેદારીના ભાગ રૂપે પરશોત્તમ રૂપાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઇલેક્શન અપડેટ: ભાજપના મોટા નેતાએ પૂછ્યું, “લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી?”

ગુજરાત ભાજપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભા ચૂંટણી ટાણે ભાજપમાં સાબરકાંઠાથી લઈને વડોદરા સુધી વિરોધ થયા બાદ પરશોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ હજુ શમવાનું નામ લઈ રહ્યો નથી.

એટલામાં જ અમરેલી ભાજપના ‘મોટા નેતા’ ગણાતા ડૉ. ભરત કાનાબારના નિવેદને ચર્ચા જગાવી છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો - “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગઈ છે.”

ગુજરાત રાજકારણ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KanabarDr/X

તેમણે કહ્યું હતું કે, “સૌથી વધુ ભયજનક તો જ્ઞાતિવાદનો બૉમ્બ છે જે મેરિટ અને ગુણવત્તાના ફુરચાં ઉડાવી દે છે. ફલાણી સીટ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની, ફલાણી આહીર સમાજની અને ફલાણી ક્ષત્રિય સમાજની...”

ડૉ. કાનાબારે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, ‘આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી?

અહીં ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર અમરેલીમાં ભાજપના ઉમેદવાર સામે પોસ્ટરો લાગ્યા હતા.

અમરેલીથી ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી છે જ્યારે કૉંગ્રેસે જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. ગત લોકસભામાં પણ અમરેલી બેઠક ભાજપ જીત્યું હતું.

દિલ્હી: રામલીલા મેદાનમાં વિપક્ષી એકતાનું આજે પ્રદર્શન, રેલી પહેલાં મોટા નેતાઓએ શું કહ્યું?

ઈન્ડિયા ગઠબંધન ભારતનું રાજકારણ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ ની આજે રેલી છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ વિપક્ષોએ આ રેલીનું એલાન કર્યું હતું.

સમાચાર ઍજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ આ રેલીમાં સામેલ થશે.

તેમના જણાવ્યા અનુસાર, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, ફારૂખ અબ્દુલ્લાહ, ભગવંત માન, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી જેવા નેતાઓ આ રેલીમાં સામેલ થવાના છે.

રેલીમાં ભાગ લેતા પહેલાં શિવસેના(યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ‘ભ્રષ્ટ જનતા પાર્ટી’ ગણાવતાં કહ્યું હતું કે, “તેઓ પરિવારનો મતલબ સમજતા નથી, તેમની પાસે હવે કોઈ એજન્ડા બચ્યો નથી. જ્યારથી ઇલેક્ટોરલ બૉન્ડ્સનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે ત્યારથી ભાજપનો અસલી ચહેરો સામે આવી ગયો છે. દરેક ભ્રષ્ટાચારીઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.”

ઈન્ડિયા ગઠબંધન ભારતનું રાજકારણ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિવંગત શીલા દિક્ષિતના પુત્ર અને કૉંગ્રેસ નેતા સંદીપ દિક્ષિતે કહ્યું હતું કે, “આ ગઠબંધન જે સિદ્ધાંતોને કારણે બન્યું એ હવે વધુ મજબૂત કારણો બની ચૂક્યા છે અને લોકોની સામે તેના કારણો છે. લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીઓ વડા પ્રધાનની પર્સનલ ઍજન્સીઓ બની જાય તો તેની સામે અવાજ ઉઠાવવો જ પડે.”

આપના નેતા દિલીપ પાંડેએ કહ્યું હતું કે, “લોકો એવું સ્પષ્ટપણે માને છે કે જો ભાજપ કેન્દ્રની સત્તામાં રહેશે તો બંધારણ બચાવી શકાશે નહીં. ઈડી અને સીબીઆઈને વિપક્ષી દળોની પાછળ છોડી મૂકવામાં આવ્યા છે. આ ભાજપની તાનાશાહીનું સૌથી મોટું ઉદાહરણ છે. લોકો આજે અહીં એટલા માટે એકઠા થઈ રહ્યા છે કારણ કે તેઓ ભાજપને સંદેશ આપવા માંગે છે કે તેમની ઇચ્છા અને મરજી પ્રમાણે આ દેશ નહીં ચાલે.”

સીપીઆઈ ડી. રાજાએ કહ્યું હતું કે, “આજની રેલી અતિશય મહત્ત્વની છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તુરંત આ રેલીનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાં ઝારખંડના મુખ્ય મંત્રીને પણ રાજીનામું આપવું પડ્યું હતું અને હવે પદ પર રહેલા મુખ્ય મંત્રીની ધરપકડ કરવામાં આવી રહી છે. આ રેલીથી દેશભરમાં સંદેશ જશે કે બંધારણ બચાવવા માટે અને લોકશાહીના રક્ષણ માટે હાલની ભાજપ સરકારને સત્તામાંથી ઉખેડી ફેંકવી પડશે.”