સારાહ સન્ની: સાંભળી નહીં શકતાં વકીલ, જે હવે કોર્ટમાં દલીલો કરી શકશે

સારાહ સન્ની

ઇમેજ સ્રોત, SARAH SUNNY

ઇમેજ કૅપ્શન, સારાહ સન્ની
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત

27 વર્ષીય બધિર અધિવક્તા સારાહ સન્ની પરિવર્તનનો ચહેરો બન્યાં છે. તેઓ સાંભળી કે બોલી નહીં શકતા લોકોને ભારતની કાયદા વ્યવસ્થાની વધારે નજીક લાવશે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે ગત અઠવાડિયે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમ્યાન ઇન્ડિયન સાઇન લૅંગ્વેજ એટલે કે આઈએસએલ ઇન્ટરપ્રેટર (દુભાષિયા)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સારાહ સન્ની જેવાં યુવા વકીલને તેમની આગામી સુનાવણીમાં તર્ક રજૂ કરવાની તક મળશે, તેમજ આનાથી કાર્યસ્થળ પર સમાન અને સમાવેશની દિશામાં એક મોટું ડગલું માનવામાં આવે છે.

છેલ્લાં બે વર્ષ દરમ્યાન સારાહ સન્નીને બૅંગલુરુની નીચલી કોર્ટમાં કેસની સુનાવણી સમયે સંકેતોની ભાષા સમજનારા દુભાષિયાની મદદ લેવાની પરવાનગી નહોતી મળી, કારણ કે ન્યાયાધીશનું માનવું હતું કે કાયદાકીય ભાષા સમજવા માટે દુભાષિયા પણ કાયદાની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા જોઈએ.

સારાહ સન્નીએ કોર્ટમાં લેખિતમાં તેમના તર્ક રજૂ કરવા પડતા હતા.

હવે ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના નિર્ણયે દેશની અદાલતોને એ સંદેશ આપ્યો છે કે સુનાવણી દરમ્યાન આઈએલએસ દુભાષિયાનો ઉપયોગ કરવાની અનુમતિ આપવી જોઈએ.

આનાથી આઈએલએસ વ્યવસાય માટે વધારે તકો પણ ઉપલબ્ધ થશે.

સારાહનાં માતા-પિતા સાથેની તસવીર

ઇમેજ સ્રોત, SARAH SUNNY

ઇમેજ કૅપ્શન, સારાહ તેમનાં માતા-પિતા સાથે

સારાહ સન્ની અદાલતમાં ઍડવોકેટ ઑન રેકૉર્ડ સંચિતા આઇન તરફથી રજૂ થયાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંચિતા કહે છે, “સારાહ સુપ્રીમ કોર્ટમાં દુભાષિયાની મદદથી રજૂ થયાં અને એકધારી ચાલી આવતી પ્રથાને તેમણે તોડી. આની અસર લાંબા સમય સુધી જોવા મળશે. આનાથી મોટી સંખ્યામાં બધિર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે કે તેઓ કાયદા શાખાનો અભ્યાસ કરે અને કાયદાકીય માળખાનો ભાગ બને. કાયદાના પુસ્તકમાં ભારતીયો ઇન્ડિયન સાઇન લૅંગ્વેજને વિકસિત કરવા માગીએ છીએ. જેનાથી ભવિષ્યમાં બધિરોને આ વિશે મદદ મળી રહે.”

આઈએસએલ સૌરવરાય ચૌધરીએ બીબીસીને કહ્યું, “90થી 95 ટકા સુધી મૂક-બધિર બાળકો એ લોકોને ત્યાં જન્મે છે જેઓ બોલી છે, સાંભળી શકે છે. 2011ની જનગણના મુજબ ભારતમાં જે સાંભળી નથી શકતા અથવા તો બોલી નથી શકતા એવા લોકોની સંખ્યા 1 કરોડ 80 લાખ હતી.”

“છેલ્લાં 12 વર્ષમાં આ સંખ્યા વધારે વધી ગઈ હશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બધિરોને એ લાગણી આપશે કે કાયદાની દૃષ્ટિમાં તેઓ એકસમાન છે.”

સુપ્રીમ કોર્ટે દુભાષિયા રાય ચૌધરીની વ્યાખ્યાની ભારતના ઍડવોકેટ જનરલ તુષાર મહેતાએ પણ પ્રશંસા કરી હતી અને મુખ્ય ન્યાયાધીશ પણ તેમની સાથે તરત જ સંમત થઈ ગયા.

રંજિની રામાનુજન નાનપણથી જ બધિર છે અને હાલ ઇમ્ફોસિસમાં કામ કરે છે. તેમને 1999માં અર્જુન ઍવૉર્ડ (બૅડમિન્ટન) મળ્યો હતો.

રંજિની કહે છે, “સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બધિર લોકો માટે એક વરદાન જેવો છે. તેણે બધિરોને અવાજ આપ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી સુપ્રીમ કોર્ટે અન્ય કાર્યાલયોને પણ પોતાના પદચિહ્ન પર ચાલવાનો સંદેશ આપ્યો છે. આ અવરોધોને તોડનારો નિર્ણય છે.”

કોણ છે સારાહ સન્ની?

તસવીર

ઇમેજ સ્રોત, SARAH SUNNY

ઇમેજ કૅપ્શન, બહેન અને ભાઈ સાથે સારાહની નાનપણની તસવીર

સારાહ સન્ની માટે આ નિર્ણય એક સપનું સાચું થવા જેવો છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, “હું હંમેશાં એમ વિચારતી હતી કે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અદાલતમાં રજૂ થવું કેવું હશે. જ્યારે હું એ દિવસે મુખ્ય ન્યાયાધીશ સામે ઊભી હતી ત્યારે મારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો હતો. જે લોકો સાંભળી નથી શકતા તેમને હું એ બતાવવા માગતી હતી કે જો હું આ કરી શકું તો તેઓ પણ કંઈ પણ કરી શકે છે.”

સારાહ સન્ની તેમનાં જોડિયાં બહેન મારિયા સન્ની સાથે બધિર જન્મ્યાં હતાં. તેમના મોટા ભાઈ કુરુવિલા પણ બધિર છે.

પણ તેમના પિતા સન્ની કુરુવિલા અને માતાએ નક્કી કર્યું કે તેઓ તેમનાં બાળકોને અભ્યાસ કરવા મૂક-બધિરની વિશેષ શાળામાં નહીં મોકલે.

સન્ની કુરુવિલા કહે છે, “પ્રતીકે સેઇન્ટ જોસેફ બૉયઝ સ્કૂલમાં દસમું ધોરણ કર્યું. જ્યારે આઠ વર્ષ પછી અમારે બે બધિર જોડિયાં બાળકી જન્મી. અમે 25થી 30 જેટલી સામાન્ય શાળાઓમાં તેમને પ્રવેશ મળે એ માટે પ્રયાસ કર્યો. અંતે અમને ક્લૂની કૉન્વેન્ટમાં પ્રવેશ મેળવવામાં સફળતા મળી.”

કૉલેજમાં પ્રવેશ લેવામાં તકલીફ પડી

સારાહ તેમનાં બહેન સાથે

ઇમેજ સ્રોત, SARAH SUNNY

ઇમેજ કૅપ્શન, સારાહની તેમનાં જોડિયાં બહેન સાથેની એક તસવીર

કૉલેજમાં પ્રવેશ મેળવવામાં પણ શાળા જેવી જ તકલીફો પડી. પણ જ્યોતિનિવાસ કૉલેજે બંને બહેનોને પ્રવેશ આપ્યો. એ સમય સુધી પ્રતીક વધુ અભ્યાસ માટે વિદેશ જતા રહ્યો હતો.

તેઓ એક સૉફ્ટવૅર એન્જિનીયર બની ગયો હતો. હાલ તો તેઓ સમય કાઢી બધિર બાળકોને ભણાવે પણ છે. મારિયા સન્ની એક ચાર્ટડ એકાઉન્ટન્ટ છે.

સારાહ સન્નીએ સેઇન્ટ જોસેફ કૉલેજ ઑફ લૉમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો અને કોવિડ મહામારીના સમયમાં 2021માં પ્રેક્ટિસ શરૂ કરી.

તેઓ કહે છે, “આ આત્મવિશ્વાસ અમારાં માતા-પિતાએ અમને આપ્યો. જેમણે અમને અભ્યાસ માટે સામાન્ય શાળામાં મોકલ્યા, કારણ કે તેઓ સમાનતામાં માનતા હતા. હું ક્લાસમાં લીપ રીડિંગથી ભણતી. મારી મિત્ર મને નોટમાં નોંધ ટપકાવવામાં મદદ કરતી હતી. કેટલાક એવા લોકો પણ હતા જેઓ મજાક ઉડાવતા પરંતુ મેં હંમેશાં તેમને જવાબ આપ્યો હતો.”

તેમનાં માતા તેમને ઘરે અભ્યાસમાં મદદ કરતાં હતાં પણ જ્યારે તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેઓ મદદ કરી શક્યાં નહીં.

તેમની એક મિત્રે તેમને વિષયો સમજવામાં મદદ કરી. તેમનાં બહેન મારિયા હંમેશાં શાળા અને કૉલેજમાં તેમની સાથે રહેતાં. તેઓ કહે છે, "મારા ભાઈએ પણ ઘણી મદદ કરી છે."

જ્યારે અમે સારાહને પૂછ્યું કે શું તે તેમની બહેનને યાદ કરે છે, ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં. મારિયાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે.

તેઓ કહે છે, “જ્યારે મેં સાંભળ્યું કે તે લગ્ન કરી રહી છે, ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ. મને લાગ્યું કે હવે આખો ઓરડો મારો હશે. હું આખી પથારીમાં એકલી સૂઈ જઈશ. બધું મારું એકલાનું રહેશે અને મારે વહેંચવું પડશે નહીં. પણ એકાદ-બે મહિના પછી હું ખૂબ જ એકલી પડી ગઈ. હું તેની ગેરહાજરી ખૂબ અનુભવું છું. હું રોજ બપોરના ભોજન સમયે તેને વીડિયો કૉલ કરું છું.”

દિલ્હી હાઈકોર્ટનું મહત્ત્વપૂર્ણ પગલું

ભારતીય ન્યાયાલય

ઇમેજ સ્રોત, ANI

સારાહ સન્ની સર્વોચ્ચ અદાલતમાં હાજર થનાર પ્રથમ બધિર વકીલ છે. પરંતુ અન્ય એક વકીલ છે જેમણે દિલ્હી હાઈકોર્ટમાં બધિર વકીલોનો પાયો મજબૂત કર્યો.

એસએલઆઈ રાય ચૌધરીની મદદથી સૌદામિની પેઠેએ ચાલીસ વર્ષની ઉંમરે રોહતકમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. રાય ચૌધરી કહે છે, "હું સવારથી સાંજ સુધી ત્યાં રહેતો અને સૌદામિનીનાં પ્રવચનોનો અનુવાદ કરતો."

સૌદામિની કેન્દ્રીય વિદ્યાલયોમાં બધિર શિક્ષકોની નિમણૂક ન કરવા સંબંધિત કેસ મામલે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રતિભાસિંહની કોર્ટમાં હાજર થયાં હતાં.

સંચિતા આઈન કહે છે કે તે 17 એપ્રિલે કોર્ટમાં હાજર થયાં હતાં અને ખૂબ જ ખુશ હતાં કે તેમના માટે એક આઈએલએસ દુભાષિયો ઉપલબ્ધ હતો. પરંતુ પછી અચાનક 22 એપ્રિલે તેનું અવસાન થયું.

સંચિતા કહે છે કે સૌથી સારી વાત એ હતી કે દુભાષિયાની નિમણૂક અદાલતે જ કરી હતી.

પેઠેના મૃત્યુના લગભગ પાંચ મહિના પછી અંધ ઍડવોકેટ રાહુલ બજાજે કોર્ટમાં બે આઈએલએસ દુભાષિયાની નિમણૂકની માગ કરી હતી. એક તો વકીલે જે કહ્યું તેનું ભાષાંતર કરવા અને અન્ય એક ન્યાયાધીશે જે કહ્યું તેનું ભાષાંતર કરવા માટે. ન્યાયાધીશ પ્રતિભાસિંહે આઈએલએસ દુભાષિયાની નિમણૂક કરી હતી.

આ અરજીમાં એવી માગ કરાઈ હતી કે બધિર અને અંધ લોકો ફિલ્મને સમજી શકે તે માટે સબટાઈટલ અને ઑડિયો ડિસ્ક્રિપ્શનની વ્યવસ્થા કરવી જોઈએ. વકીલોની દલીલ છે કે બધિર અને અંધ લોકો ફિલ્મ સમજી શકતા નથી.

સારાહ તેમનાં ભાઈ અને બહેન સાથે

ઇમેજ સ્રોત, SARAH SUNNY

રાય ચૌધરી અને શિવાય શર્મા 26 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણી દરમિયાન આઈએલએસ દુભાષિયા હતા.

સંચિતા કહે છે, “અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ પણ દિલ્હી હાઈકોર્ટની જેમ બધિર વકીલો અને અરજી કરનારાઓની મદદ માટે આઈએલએસ દુભાષિયા નિયુક્ત કરશે.”

ઍસોસિયેશન ઑફ સાઇન લૅંગ્વેજ ઇન્ટરપ્રેટર ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રેણુકા રમેશને બીબીસીને જણાવ્યું, “આઈએલએસ દુભાષિયા સાથે દિલ્હી હાઈકોર્ટે સંપર્ક કર્યો હતો અને અમે આઈએલએસ દુભાષિયા માટે પ્રોટોકૉલ નક્કી કર્યા છે. આ પ્રોટોકૉલ અદાલત અને પક્ષો માટે કેટલીક વસ્તુઓને સરળ કરવા માટે બનાવાયા છે.”

આઈએલએસ બનવા માટે વિશેષ અભ્યાસ કરવો પડે છે.

ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિયરિંગ હેન્ડિકેપ્ડમાં એ, બી અને સી સ્તરના કોર્સ હોય છે. હવે ઇન્ડિયન સાઇન લૅંગ્વેજ ઇન્ટરપ્રેટિંગ અને ડિપ્લોમા ઇન ટીચિંગ એસએલ (ડીટીઆઈએસએલ) હોય છે.

આ કોર્સ દિલ્હી, કોલકાતા અને અન્ય જગ્યાઓ પર ઉપલબ્ધ છે. બૅંગલુરુની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ ઍન્ડ હિયરિંગ જેવી સંસ્થાઓ પણ છે જે આ પ્રકારના કોર્સ કરાવે છે.

રાય ચૌધરી કહે છે, “આઈએલએસના 100થી વધુ સભ્યો છે. દેશમાં 400-500 પ્રમાણિત દુભાષિયાઓ છે, પણ હકીકતમાં 40-50 એવા હશે જે કુશળ હોય અને યોગ્ય રીતે કામ કરી રહ્યા હોય. આ દુભાષિયાઓમાં એવા લોકો છે જેઓ બધિર લોકોનાં બાળકો છે કે તેમના સંબંધી છે. આ નિર્ણયે આ ક્ષેત્રમાં નિષ્ણાતોની જરૂરિયાતની તક ઊભી કરી છે. સાઇન લૅંગ્વેજનું ચર્ચામાં આવવું સારું છે. આનાથી બધિરો માટે પહોંચ નિશ્ચિત થશે.”

રમેશન કહે છે, “સાઇન લૅંગ્વેજ સતત વિકસિત થનારી ભાષા છે, તે ઘણી ગતિશીલ છે. ભાષાની ગુણવત્તા એલએલઆઈની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પર નિર્ભર છે. હાલ તો મોટા ભાગના એસએલઆઈ ફ્રીલાન્સર છે. હાલ અમારી પાસે લાઇસન્સની કોઈ સિસ્ટમ નથી પણ સ્થિતિ બદલાઈ રહી છે.

સારાહનું માત્ર એક નિવેદન છે, “મને મૂંગી ન કહો, હું માત્ર બહેરી છું.”