નરેન્દ્ર મોદીની દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલ શખ્સ સાથેની તસવીર ઉપર વિવાદ કેમ? ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા શખ્સની અલગ-અલગ તસવીરો પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યા હતા. જેની ઉપર ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીય અને ભારદ્વાજ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર ઘર્ષણ થયું છે.

સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર બે તસવીરો પોસ્ટ કરી. ભારદ્વાજના કહેવા પ્રમાણે પહેલી તસવીર 11મી નવેમ્બરની છે. જેમાં દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાને એક ઘાયલ વ્યક્તિ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે.

ભારદ્વાજના કહેવા પ્રમાણે, બીજી તસવીર 12મી નવેમ્બરની છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ઘાયલ દર્દીને મળી રહ્યા છે. જ્યારે મોદી તેમની સાથે મુલાકાત કરી ત્યારે તેના ડાબા હાથ ઉપર પ્લાસ્ટર લાગેલું હતું, જે એક દિવસ પહેલાંની તસવીરમાં ન હતું.

ભારદ્વાજે લખ્યું,"નવાં કપડાં, હાથમાં નવું પ્લાસ્ટર"

એ પછી માલવીયે વધુ એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "તમે ચૂંટણી હારી ગયા છો અને હવે બેરોજગાર છો, તમારી નિરાશા સમજી શકાય એમ છે."

માલવીયના કહેવા પ્રમાણે, તા. 11મી નવેમ્બરે (વિસ્ફોટના બીજા દિવસે) રેખા ગુપ્તાએ એલએનજેપી (લોકનાયક જયપ્રકાશ નારાયણ) હૉસ્પિટલમાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. એ પછી પીડિતની વિસ્તૃત તપાસ થઈ હતી, જેમાં ઍક્સ-રે પણ કાઢવામાં આવ્યો હતો.

માલવીયના કહેવા પ્રમાણે, વડા પ્રધાને પીડિત સાથે મુલાકાત કરીએ પહેલાં ચાંદની ચોકની બેઠક પરથી ભાજપના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે બપોરે સવા બાર વાગ્યે દર્દીની મુલાકાત કરી હતી.

માલવીયના કહેવા પ્રમાણે, ખંડેલવાલ હૉસ્પિટલે પહોંચ્યા, એ પહેલાં તબીબોએ દર્દીઓને તપાસી લીધા હતા. માલવીયે જે તસવીર પોસ્ટ કરી, તેમાં પેશન્ટના ડાબા હાથ ઉપર પ્લાસ્ટર જોઈ શકાય છે.

અમેરિકાએ ભારત સહિત આ દેશોના 32 સંગઠન અને નાગરિકો ઉપર પ્રતિબંધ લાદ્યો, આ કારણ જણાવ્યું

અમેરિકાએ ભારત, ઈરાન, ચીન, હૉંગકૉંગ, સંયુક્ત આરબ અમિરાત (યુએઈ), તુર્કી તથા અન્ય ક્ષેત્રોની 32 સંસ્થાઓ તથા વ્યક્તિઓ ઉપર પ્રતિબંધ લાદ્યો છે.

અમેરિકાનું કહેવું છે કે આ તમામે ઈરાનને બૅલેસ્ટિક મિસાઇલ તથા ડ્રોન (યુએવી) સંબંધિત સપ્લાય નેટવર્ક ચલાવતા હતા. એમાંથી અમુક 'ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)' માટે કામ કરે છે.

આઈઆરજીસી ઈરાનને માટે ધાર્મિક, રાજકીય અને આર્થિક મોરચે લડનારી સેના છે. જે ઘરેલુ સંકટ સાથે વિદેશી જોખમની સ્થિતિમાં ઇસ્લામિક રાષ્ટ્રના હિતોનું સંરક્ષણ કરે છે.

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ તથા પ્રતિબંધો સંબંધિત માહિતી આપવામાં આવી છે.

આના મુજબ, આ કાર્યવાહી 27મી સપ્ટેમ્બરના સંયુક્ત રાષ્ટ્ર (યુએન) તરફથી ઈરાન દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાને માટે કરવામાં આવી છે.

પરમાણુ કાર્યક્રમ પર આંતરરાષ્ટ્રીય કરાર પછી ઈરાન ઉપર લાદેલા પ્રતિબંધ હઠાવવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યુએને 10 વર્ષના ગાળા બાદ ફરી એક વખત ઈરાનની ઉપર વ્યાપક સ્તરે આર્થિક તથા સૈન્ય પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.

દિલ્હી 'આતંકવાદી હુમલા'માં સંડોવણીના અહેવાલોને તુર્કીએ નકાર્યા

તાજેતરમાં કેટલાક ભારતીય મીડિયામાં રિપોર્ટ્સ વહેતા થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીમાં થયેલા 'આતંકવાદી હુમલા'નો સંબંધ તુર્કીની સાથે છે. જોકે, તુર્કીએ આ અહેવાલોને નકાર્યા છે.

તુર્કીના 'ડાયરેક્ટ્રેટ ઑફ કૉમ્યુનિકેશન્સ સેન્ટર ફૉર કાઉન્ટરિંગ ડિસઇન્ફૉર્મેશન' દ્વારા જણાવવામાં આવ્યું છે, "કેટલીક ભારતીય મીડિયા સંસ્થાઓના રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે 'ભારતમાં થયેલી આતંકવાદી ઘટનાઓનો તુર્કી સાથે સંબંધ છે અને તે આતંકવાદી જૂથોને લૉજિસ્ટિક, કૂટનીતિક તથા આર્થિક મદદ આપે છે.'"

"આ ઇરાદાપૂર્વક ચલાવવામાં આવી રહેલા ભ્રામક પ્રચારઅભિયાનના ભાગરૂપ છે, જેનો હેતુ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડવાનો છે."

તુર્કીનું કહેવું છે કે તે કોઈપણ પ્રકારના 'આતંકવાદ', ચાહે તે ક્યાંથી પણ અને કોઈની પણ ઉપર કરવામાં આવ્યો હોય, તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સહયોગથી 'આતંકવાદ' સામેની લડાઈમાં અગ્રેસર છે.

તુર્કીનું કહેવું છે કે આ પ્રકારના દાવા 'સંપૂર્ણપણે ખોટા અને કોઈપણ જાતના તથ્ય વગર' કરવામાં આવ્યા છે.

બીજી બાજુ, મુસ્લિમ લીગ વર્લ્ડે દિલ્હીમાં થયેલા 'આતંકવાદી હુમલા'ની ટીકા કરી છે. સેક્રેટરી જનરલ તથા ચૅરમૅન દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં તેને 'જઘન્ય આતંકવાદી કૃત્ય' જણાવવામાં આવ્યું છે.

એમડબલ્યૂએલના સેક્રેટરી જનરલે આ હુમલામાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છેકે સોમવારે દિલ્હીમાં કાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયા છે. ભારત સરકાર તેને 'જઘન્ય આતંકવાદી હુમલો' જણાવી રહી છે.

અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉનનો અંત, ટ્રમ્પે બિલ પર સહી કરી

અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબો સમય ચાલેલા શટડાઉનનો અંત આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન સમાપ્ત કરવાના બિલ પર સહી કરી છે.

ટ્રમ્પે સહી કર્યા પછી 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં પસાર થયેલું આ બિલ એક કાયદો બની ગયું છે. આ સાથે જ અમેરિકામાં શટડાઉન સમાપ્ત થયું છે.

બુધવારે 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ'થી આ બિલ 222-209 મતથી પસાર થયું હતું. તેનાથી બે દિવસ અગાઉ આ બિલ સૅનેટમાં બહુ ઓછા માર્જિનથી પસાર થયું હતું.

ઓવલ ઑફિસમાં વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હવે સરકાર સામાન્ય કામકાજ ફરીથી શરૂ કરશે. તેમણે કહ્યું કે લોકો 43 દિવસ ચાલેલા આ શટડાઉનથી બહુ ખરાબ રીતે અસર પામ્યા છે.

અમેરિકામાં ઘણી સરકારી સેવાઓ ઑક્ટોબર મહિલાથી બંધ હતી અને 14 લાખ ફેડરલ કર્મચારી રજા પર હતા અથવા વગર પગારે કામ કરતા હતા. ખાદ્ય સહાયતા કાર્યક્રમ ઠપ હતા અને આખા દેશમાં હવાઈ પ્રવાસને અસર થઈ હતી.

પેરુમાં પ્રવાસી બસ ઊંડી ખીણમાં પડતા ઓછામાં ઓછા 37 લોકોનાં મોત

સાઉથ અમેરિકાના દેશ પેરુમાં એક પ્રવાસી બસ ઊંડી ખીણમાં પડવાથી ઓછામાં ઓછા 37 લોકોનાં મોત નીપજ્યાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. બસમાં લગભગ 60 પ્રવાસી સવાર હતા.

બુધવારે પેન-અમેરિકન હાઈવે પર આ દુર્ઘટના થઈ હતી. આ રસ્તો પેરુને ચિલી સાથે જોડે છે.

સ્થાનિક મીડિયા મુજબ એક વળાંકમાં બસ અને પિકઅપ ટ્રક ટકરાવાથી બસ લપસીને ઓકોના નદીની ખીણમાં પડી હતી. રિપોર્ટ પ્રમાણે બંને ડ્રાઇવર આ દુર્ઘટનામાં બચી ગયા છે.

અકસ્માતની કેટલીક તસવીરો બહાર આવી છે જેમાં બસને ભારે નુકસાન થયું હોવાનું જોઈ શકાય છે.

ઓકોના જિલ્લાના મેયર વાલ્ડોર લેરેનાએ રેડિયો સ્ટેશન પર જણાવ્યું કે દુર્ઘટના આસપાસની જગ્યા બહુ ઊબડખાબડ છે. આ વિસ્તારમાં અગાઉ પણ જીવલેણ દુર્ઘટનાઓ બની છે.

પેરુમાં બસ દુર્ઘટનાઓ બહુ સામાન્ય ગણાય છે. ખાસ કરીને રાતના સમયે અને પહાડી વિસ્તારોમાં વારંવાર અકસ્માતો થતા રહે છે.

અમેરિકામાં શટડાઉનનો અંત આવશે, નીચલા ગૃહમાં ખરડો પસાર

અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવે દેશમાં શટડાઉનને સમાપ્ત કરવાનો ખરડો પસાર કરી દીધો છે. આ ખરડો 222-209 મતથી પસાર થયો છે.

હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ એ અમેરિકન સંસદ (કૉંગ્રેસ)નું નીચલું ગૃહ છે, જ્યારે સૅનેટ એ ઉપલું ગૃહ છે.

વોટિંગ દરમિયાન છ ડેમૉક્રેટ સભ્યોએ આ રિપબ્લિકન બિલને ટેકો આપ્યો હતો. હવે આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે જશે.

ટ્રમ્પે કહ્યું કે તેઓ ગુરુવારે આ બિલ પર સહી કરવાની યોજના ધરાવે છે.

રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબા ચાલેલા શટડાઉનનો અંત આવશે.

બિલ પસાર થયા પછી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર માઇકલ જૉન્સને કહ્યું કે "અમે આજે બહુ રાહત અનુભવીએ છીએ. ડેમૉક્રેટ શટડાઉન આજે આખરે સમાપ્ત થયું છે."

જૉન્સને શટડાઉન માટે વિપક્ષ ડેમૉક્રેટના સાંસદોને જવાબદાર ગણાવ્યા હતા.

શટડાઉન પછી ઘણા સરકારી કામકાજ બંધ થઈ ગયા છે. મોટી સંખ્યામાં ફેડરલ સરકારના કર્મચારીઓ રજા પર છે અથવા વગર પગારે કામ કરી રહ્યા છે.

દિલ્હી વિસ્ફોટ અંગે કૅબિનેટે પસાર કરેલી દરખાસ્તમાં શું જણાવાયું?

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું કે કેન્દ્રીય કૅબિનેટે દિલ્હી વિસ્ફોટની ટીકા કરીને એક પ્રસ્તાવ પસાર કર્યો છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે "મંત્રીમંડળે 10 નવેમ્બર 2025ની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને લગતી આતંકવાદી ઘટનામાં જાનમાલનું નુકસાન થયું તેના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે."

તેમણે કહ્યું કે "10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દેશમાં રાષ્ટ્રવિરોધી શક્તિઓએ અંજામ આપેલી એક જઘન્ય આતંકવાદી ઘટના જોઈ છે."

મંત્રીમંડળ નિર્દેશ આપે છે કે "આ ઘટનાની તપાસ ઝડપથી અને પ્રોફેશનલ રીતે થવી જોઈએ જેથી ગુનેગારો, તેમનો સાથ આપનારા અને સ્પૉન્સર્સની ઓળખ કરી શકાય. સાથે સાથે કોઈ પણ જાતના વિલંબ વગર તેમને પકડીને કેસ ચલાવી શકાય."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન