ગુજરાતમાં આજથી કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, નવરાત્રિના અંતિમ દિવસોમાં કયા જિલ્લામાં જળબંબાકારની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં નવરાત્રિનો પર્વ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે.
સાતમા નોરતે પણ નવરાત્રિના આ અગાઉના દિવસોની માફક વરસાદની આગાહી કરાઈ છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં નવરાત્રિના અત્યાર સુધીના તમામે તમામ દિવસો દરમિયાન વરસાદની આગાહી હતી.
જોકે, છૂટાંછવાયાં સ્થળોએ પડેલા આ વરસાદે ગરબારસિકોના રંગમાં ઝાઝો ભંગ પાડ્યો નહોતો.
ગત 24 કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું.
ગુજરાત પર વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય ?
હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુર પરથી દક્ષિણપશ્ચિમ વરસાદની વિદાયરેખા પસાર થવાનું ચાલુ રહ્યું હતું.
આગામી સાત દિવસોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિ સાનુકૂળ નથી.
અંતરિયાળ દક્ષિણ ઓડિશા પરનું ડિપ્રેશન પાછલા છ કલાકમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યુ હતું અને 27 સપ્ટેમ્બરના રોજ 11.30 કલાકે અંતરિયાળ દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના રાયગઢથી 10 કિમી ઉત્તરે, ઓડિશાના જ ભવાનીપટથી 70 કિમી દક્ષિણથી દક્ષિણપૂર્વ, ઓડિશાના નબારંગપુરથી 90 કિમી પૂર્વે અને છત્તીસગઢના જગદલપુરથી 150 કિમી પૂર્વે કેન્દ્રિત રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય આ ડિપ્રેશન દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢથી પૂર્વ દિશા તરફ આગળ વધવાની આગામી 24 કલાકમાં વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયા તરીકે નબળું પડવાની પ્રબળ શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી શું છે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરનાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રગનર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ઘણાં સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત કચ્છમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રવિવારે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે અને કેટલાંક સ્થળોએ અતિશય ભારે વરસાદ પડવાની આગાહી છે.
ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સોમવારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને અતિશય ભારે વરસાદની આગાહી છે.
સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર ખાતે છૂટાંછવાયાં સ્થળો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળો ભારે વરસાદ પડવાની પ્રબળ આગાહી છે.
આગાહી અનુસાર મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ આગાહી છે.
આ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે.
જ્યારે કચ્છ જિલ્લામાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















