ગુજરાતમાં ફરી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી, કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હવામાન સમાચાર, હવામાન, વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ આઠથી 12 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ વલસાડ અને પારડી, તથા કચ્છમાં માંડવી અને અબડાસામાં સામાન્ય વરસાદ પડ્યો છે.

ગુરુવારે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

મહુવાના રાજાવદર, સાલોલી, ભગુડા સહિતના આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તેની ગુજરાત પર અસર થશે? શું છે આગાહી?

હાલમાં ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર એક લૉ પ્રેશર એરિયા સર્જાયો છે, જે દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનની નજીક છે. સંલગ્ન સાયક્લૉનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલ છે.

સાઉથ ઓડિશા પર એક અપર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે, જે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાથી 4.5 કિમીની ઊંચાઈએ આવેલ છે. તેની અસર હેઠળ બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે, જેનાથી આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે.

હાલમાં સમુદ્રના સ્તરે એક મોનસૂન ટ્રફની રચના થઈ છે જે શ્રી ગંગાનગર, બરેલી, બારાબંકી, દેહરી, પુરુલિયા, દીઘાથી પસાર થઈને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે.

હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન ચોમાસું વેધર અપડેટ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત લો પ્રેશર એરિયા સર્ક્યુલેશન

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

એ બાદ 15 સપ્ટેમ્બર, સોમવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

16 સપ્ટેમ્બર, મંગળવારે પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવું આગાહીમાં જણાવાયું છે. આગામી મંગળવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 108 ટકા વરસાદ પડી ગયો છે. તેમાંથી કચ્છમાં 136 ટકા વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકા, સૌરાષ્ટ્રમાં 93 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકા વરસાદ પડી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં 15 મોટાં જળાશયોમાંથી અત્યાર સુધીમાં ત્રણ ડૅમ છલકાઈ ગયા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી નવ ડૅમ છલકાયા છે.

સાઉથ ગુજરાતમાં 13માંથી નવ ડૅમ અને કચ્છમાં 20માંથી 13 ડૅમ છલકાયા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 141માંથી 73 ડૅમ છલકાયા છે. રાજ્યમાં કુલ 206માંથી 107 ડૅમ છલકાયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન