ધર્મેન્દ્રના પરિજનો સ્મશાનગૃહ પહોંચ્યા, આધિકારિક નિવેદન જારી નહીં - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે બોલીવૂડ ઍક્ટર ધર્મેન્દ્રના પરિજનો સોમવારે મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચ્યા હતા.

ફિલ્મ ફેર અનુસાર, હેમા માલિનિ તથા તેમની પુત્રી ઇશા દેઓલ સ્મશાન ઘાટ પહોંચ્યાં હતાં. અભિનેતા અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન પણ મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચ્યા હતા.

આ ઉપરાંત અભિનેતા આમિર ખાન પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, આ મામલે કોઈ અધિકારિક નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ધર્મેન્દ્ર ઘણા દિવસોથી બીમાર ચાલી રહ્યા છે.

વિમૅન્સ ટી20 વર્લ્ડકપ ક્રિકેટ ફૉર બ્લાઇન્ડ 2025 જીતવા પર ભારતીય ટીમ વિશે પીએમ મોદીએ શું કહ્યું?

બ્લાઇન્ડ વિમૅન્સ ટી20 વર્લ્ડકપનું પહેલું સંસ્કરણ જીતવા પર ભારતીય ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યા છે.

ભારતીય ટીમે રવિવારે નેપાળની ટીમને હરાવીને વિમૅન્સ ટી20 વર્લ્ડકપ ફૉર બ્લાઇન્ડ 2025 જીતી લીધો હતો.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આ એટલે પણ વખાણવા યોગ્ય છે કે ટીમ આખી સિરીઝમાં અપરાજિત રહી. આ સાચે જ એક ઐતિહાસિક ખેલ ઉપલબ્ધિ છે. જે મહેનત, ટીમવર્ક અને દૃઢ સંકલ્પનું શાનદાર ઉદાહરણ છે."

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના ચૅરમૅન જય શાહે પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે ઍક્સ પર લખ્યું, "પહેલી વખત આયોજિત બ્લાઇન્ડ વિમૅન્સ ટી20 વર્લ્ડકપ જીતવા પર ટીમને અભિનંદન. આ ઉપલબ્ધિ ક્ષમતાની સીમાઓને નવેસરથી પરિભાષિત કરે છે. ભારત અને દુનિયાભરના વિકલાંગ ખેલાડિઓને પ્રેરિત કરે છે."

પાકિસ્તાન : પેશાવરના ફ્રન્ટિયર કોર મુખ્યાલય પર હુમલો, ત્રણ લોકોનાં મોત

પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોર (એફસી) મુખ્યાલય પર સોમવારે સવારે હુમલો થયો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.

પોલીસે પુષ્ટિ કરી છે કે ખૈબર પખ્તૂન્ખ્વાહ પ્રાંતના પેશાવરમાં ફ્રન્ટિયર કાન્સ્ટેબુલરી મુખ્યાલય પર ચરમપંથીઓએ હુમલો કર્યો છે.

હુમલા બાદ ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નક્વીએ ઘટનામાં ત્રણ એફસી કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે.

પેશાવરના પોલીસ અધિકારી મિયાં સઈદના જણાવ્યા પ્રમાણે, હુમલા મામલે વધુ જાણકારી નથી.

ત્યાં લેડી રીડિંગ હૉસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધી પાંચ ઘાયલોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાં તમામને મામૂલી ઈજા થઈ છે.

પેશાવરના સદરસ્થિત એફસી મુખ્યાલય લોકોની વસ્તી વચ્ચે આવેલું છે.

સ્મૃતિ મંધાના અને પલાશનાં લગ્ન છેલ્લી ઘડીએ કેમ મોકૂફ રાખવા પડ્યાં?

ભારતીય મહિલા ક્રિકેટના સ્ટાર ગણાતાં સ્મૃતિ મંધાનાનાં લગ્ન છેલ્લી ઘડીએ મોકૂફ રાખવા પડ્યાં છે. સ્મૃતિના પિતાને હૃદયની તકલીફ થવાથી લગ્ન હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યાં છે. સ્મૃતિ અને સંગીતકાર પલાશ મુછલનાં રવિવારે લગ્ન થવાનાં હતાં.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે મંધાનાના મૅનેજર તુહીન મિશ્રાએ જણાવ્યું હતું કે વર્લ્ડકપ વિજેતા ક્રિકેટરના પિતાને રવિવારે સવારે હેલ્થને લઈને તકલીફ શરૂ થઈ હતી. મંધાના પોતાના પિતા સાથે ભાવનાત્મક રીતે ગાઢ રીતે જોડાયેલાં છે અને ક્રિકેટમાં તેમની કારકિર્દીમાં તેમના પિતાનો હંમેશા સહયોગ મળ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં સર્વહિત હૉસ્પિટલના ડાયરેક્ટર ડૉ. નમન શાહે કહ્યું કે "સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને છાતીમાં ડાબા ભાગે દુ:ખાવો ઉપડ્યા પછી હાર્ટઍટેકના લક્ષણો જોવાં મળ્યાં હતાં."

યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે લેબનોન પર કર્યો હુમલો, હિઝબુલ્લાહના સિનિયર કમાન્ડરનું મોત

ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુતના દક્ષિણ ભાગમાં એક હવાઈ હુમલો કર્યો હતો જેમાં હિઝબુલ્લાહના એક સિનિયર કમાન્ડરનું મોત થયું છે. યુદ્ધવિરામ લાગુ હોવા છતાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલે હૈથમ અલી અલ-તબ્તબાઈને હિઝબુલ્લાહના ચીફ ઑફ સ્ટાફ ગણાવ્યા છે. ઇઝરાયલે કહ્યું કે તેઓ સંગઠનના એક જૂના સભ્ય હતા જેમણે કેટલાય મહત્ત્વના હોદ્દા પર કામ કર્યું હતું.

લેબનોનના આરોગ્ય મંત્રીના કહેવા મુજબ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે અને 28ને ઈજા થઈ છે.

આ હુમલો ગીચ વસતી ધરાવતા દહિદ વિસ્તારની એક રહેણાંક ઇમારત પર થયો હતો. હિઝબુલ્લાહે તબ્તતાઈના મોતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઇઝરાયલે આ હુમલો કરીને 'રેડ લાઇન' પાર કરી છે.

બ્લાઇન્ડ વિમૅન્સ ક્રિકેટ ટી20 વર્લ્ડકપમાં ભારતનો વિજય

દૃષ્ટિહીન મહિલાઓના ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે ફાઇનલમાં નેપાળને હરાવીને જીત હાંસલ કરી છે. કોલંબોના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મૅચમાં ભારતે નેપાળને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ વર્લ્ડકપમાં છ ટીમો સામેલ હતી જેમાં ભારતનો હાથ સતત ઉપર રહ્યો હતો.

નેપાળ સામે ભારતની મહિલાઓએ પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી અને નેપાળે 114 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 12.1 ઓવરમાં ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 117 રન બનાવી લીધા હતા. તેમાં ફુલા સારેને 27 બૉલમાં 44 રન ફટકાર્યા હતા.

આ ટુર્નામેન્ટમાં ભારતે શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, નેપાળ, અમેરિકા અને પાકિસ્તાન જેવી બાકીની ટીમોને પણ પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં ભારતે ઑસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન