You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં ફરી સર્જાશે સિસ્ટમ શું ગુજરાતમાં વરસાદ આવશે?
ગુજરાતમાં હાલ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે, હાલ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ભારત પર હાલ ભારેથી અતિભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર સુધી તેની અસર થવાની શક્યતા છે.
હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે બંગાળની ખાડીમાં સર્જાનારી આ સિસ્ટમ વાવાઝોડું બનશે. જો સિસ્ટમ ખરેખર વાવાઝોડામાં પરિવર્તિત થાય તો તે ચોમાસા બાદનું બીજું વાવાઝોડું હશે.
જોકે, હવામાન વિભાગે હજી કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં. પરંતુ તે ડિપ્રેશન બનશે અને દક્ષિણ ભારતના વિસ્તારોને વધારે અસર કરે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના મૉડલ પ્રમાણે આ સિસ્ટમ દક્ષિણ ભારત પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં આવે તેવી શક્યતા છે. હવામાનનાં બીજાં મૉડલો પણ દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ લૉ-પ્રેશર એરિયાના રૂપે અરબી સમુદ્રમાં આવશે.
જોકે, તે બાદ કેટલાંક મૉડલો પ્રમાણે તે ગુજરાતને અસર નહીં કરે પરંતુ હવામાન વિભાગના મૉડલ પ્રમાણે તે ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે.
જોકે, હાલ આ મામલે આગાહી કરવી વહેલી ગણાશે કે ગુજરાતને તે અસર કરશે અને આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં. એક વખત સિસ્ટમ સર્જાઈ જાય અને તેનો ટ્રેક નક્કી થઈ જાય તે બાદ જ કહી શકાશે કે ગુજરાતમાં વરસાદ થશે કે નહીં.
30 નવેમ્બરની આસપાસ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધે તો રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન