ભારત સરકારે એલપીજી ગૅસ સપ્લાય અને ક્રૂડ ઑઇલની આયાત વિશે શું કહ્યું- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે કહ્યું કે ભારતમાં '70 ટકા ક્રૂડ ઑઇલની આયાત હોર્મુઝ સામુદ્રધુનિના બહારના રસ્તે' થાય છે.

મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ માહિતી એક પ્રેસ બ્રીફિંગમાં આપી હતી. બ્રીફિંગમાં પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગૅસ મંત્રાલય, શિપિંગ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયના અધિકારી સામેલ હતા.

સુજાતા શર્માએ કહ્યું કે, "અમે લગભગ 40 દેશોમાંથી ક્રૂડ ઑઇલ આયાત કરીએ છીએ. ઑઇલ કંપનીઓએ વિભિન્ન સ્રોતોથી ક્રૂડ મંગાવ્યું છું. આ વિવિધતાને કારણે અમારું લગભગ 70 ટકા ક્રૂડ ઇમ્પોર્ટ હોર્મુઝ સ્ટ્રેટની બહારના રસ્તેથી આવી રહ્યું છે, જે પહેલાં 55 ટકા હતું."

તેમણે કહ્યું કે, "આજે બે કાર્ગો ભારત તરફ રવાના થયા છે. કેટલાક દિવસોમાં તે અહીં પહોંચી જશે અને દેશમાં ક્રૂડ સપ્યાલની સ્થિતિને મજબૂત બનાવશે."

મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં ઘરેલુ એલપીજી ઉત્પાદન વધ્યું છે, જે સંપૂર્ણ રીતે ઘરેલુ ઉપભોક્તાઓને આપવામાં આવશે.

સુજાતા શર્માએ કહ્યું કે, "હાલના સમયમાં અમે પોતાની એલપીજીની જરૂરિયાતોનો 60 ટકા ભાગ આયાત કરીએ છીએ. આમાંથી 90 ટકા ભાગ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તેથી આવે છે."

"આ પરિસ્થિતિનું સમાધાન લાવવા સરકારે કેટલાંક પગલાં લીધાં છે. જેમ કે ભારત સરકારે આઠ માર્ચના આદેશ આપીને બધી રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સેઝને એલપીજીનું વધુમાં વધુ ઉત્પાદન કરવા કહ્યું છે."

તેમણે કહ્યું કે, "આ પ્રયત્નોને કારણે જ અમારું ઘરેલુ એલપીજી ઉત્પાદન 25 ટકા વધ્યું છે અને સંપૂર્ણ ઘરેલુ એલપીજીને ઘરેલુ ઉપભોક્તાઓને મોકલવામાં આવશે. બિન-ઘરેલુ એલપીજી માટે હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાનો જેવા જરૂરી સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવશે."

જ્યારે શિપિંગ મંત્રાલયના અધિકારી રાજેશકુમાર સિન્હાએ કહ્યું કે, "પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં ભારતના ઝંડાવાળાં 28 જહાજોનું સંચાલન થઈ રહ્યું છે. આ 28 જહાજોમાંથી 24 હોર્મુઝ સામુદ્રધુનિના પશ્ચિમમાં છે. આ જહાજો પર કુલ 677 નાવિકો સવાર છે."

તેમણે કહ્યું કે, "હોર્મુઝ સામુદ્રધુનિના પૂર્વમાં ચાર જહાજમાં છે, જેના પર 101 ભારતીય નાવિકો સવાર છે."

દુબઈ ઍરપૉર્ટ પર બે ડ્રોન પડ્યાં, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટની નજીક બે ડ્રોન પડવાથી ચાર લોકો ઘાયલ થયા છે. દુબઈ મીડિયા ઑફિસે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

ઑફિસે કહ્યું કે આ ઘટનામાં એક ભારતીય નાગરિકને "થોડી ઈજા" થઈ છે. આ ઉપરાંત બે નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકને પણ "હળવી ઈજાઓ" થઈ છે.

અધિકારીઓ અનુસાર, હવાઈ પરિવહન સામાન્ય રૂપથી ચાલી રહ્યું છે.

દુબઈમાં હાજર બીબીસી સંવાદદાતા નિક બીકે જણાવ્યું કે ઍરપૉર્ટ પર એક યાત્રીએ જણાવ્યું કે યાત્રીઓને કાચની બારીઓથી દૂર રહેવા અને વધારે સુરક્ષિત જગ્યાએ રહેવાનું કહેવામાં આવ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા થાઈલૅન્ડના કાર્ગો જહાજ પર હુમલો, રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ

થાઈલૅન્ડના નૌકાદળનું કહેવું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં પસાર થઈ રહેલા થાઈ ધ્વજવાળા એક કાર્ગો જહાજ પર હુમલો થયો છે અને જહાજના ક્રૂ સભ્યોને બચાવવા માટે ઑપરેશન ચાલુ છે.

રોયલ થાઈ નેવીએ એક નિવેદનમાં જણાવ્યું કે જહાજમાં 23 થાઈ ક્રૂ સભ્યો સવાર હતા. થાઈ અધિકારીઓ મુજબ, ઓમાનના નૌકાદળે 20 ક્રૂ સભ્યોને બચાવી લીધા છે, જ્યારે બાકીના ત્રણ સભ્યોને બચાવવાની પ્રક્રિયા ચાલુ છે.

થાઈ નેવીનું કહેવું છે કે અધિકારીઓને આ ઘટના વિશે પ્રાથમિક માહિતી લગભગ 11:00 વાગ્યે મળી હતી, જોકે નિવેદનમાં સમય ઝોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નિવેદનમાં એ પણ જણાવાયું છે કે યુએઈના અબુ ધાબીના ખલીફા પૉર્ટ પરથી જહાજ નીકળ્યાના થોડા કલાકોમાં જ આ હુમલો થયો હતો.

નિવેદન મુજબ, હુમલાનાં કારણોની તપાસ ચાલુ છે. હાલ સુધી એ માહિતી બહાર આવી નથી કે થાઈ કાર્ગો જહાજ પર હુમલો કોણે કર્યો.

થાઇલૅન્ડના ઍરપૉર્ટ પર લૅન્ડિંગ વખતે ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ વિમાનનું નોઝ વ્હીલ તૂટ્યું

થાઇલૅન્ડના ફુકેટ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર બુધવારના લૅન્ડિંગ વખતે ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસના એક વિમાનનું નોઝ વ્હીલ અલગ થઈ ગયું.

સમાચાર સંસ્થા રૉઇટર્સ અને પીટીઆઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

પીટીઆઈએ ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા કહ્યું કે વિમાનને લૅન્ડિંગ વખતે મુશ્કેલી પડી અને તેનાં 'બંને નોઝ વ્હીલ અલગ થઈ ગયાં'.

ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસનું આ 'બોઇંગ 737 મૅક્સ' વિમાન હૈદરાબાદથી ફુકેટ જઈ રહ્યું હતું.

અધિકારી અનુસાર, આ ઘટનામાં ઈજા નથી થઈ અને યાત્રિકોને વિમાનમાંથી ઉતારીને ટર્મિનલની ઇમારતમાં લઈ જવાયા છે.

રૉઇટર્સે જણાવ્યું કે ફુકેટ ઍરપૉર્ટના રનવેને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે જેનાથી ઇન્ડિયા ઍક્સપ્રેસના ખરાબ વિમાનને હટાવી શકાય.

વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમની દેશ વાપસી પર આઇસીસીએ શું કહ્યું?

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ટી20 વર્લ્ડકપ 2026 પછી ઘણી ટીમોને ઘરે પરત જવામાં થઈ રહેલા વિલંબ વિશે એક નિવેદન કર્યું છે.

આઇસીસીએ બુધવારે જણાવ્યું કે, "અમે સમજીએ છીએ કે ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારજનો ઘરે પરત જવા અંગે ચિંતિત છે. તેઓ હજુ સુધી પરત ન જઈ શક્યા તે નિરાશાની વાત છે અને આઇસીસી પણ આ નિરાશાને સમજે છે."

આઇસીસી મુજબ મધ્યપૂર્વમાં ચાલતા સંકટના કારણે ઍર સ્પેસ બંધ હોવી, મિસાઇલ હુમલાની ચેતવણી, ફ્લાઇટના રૂટમાં ફેરફાર અને ટૂંકા ગાળામાં અનેક કૉમર્શિયલ અને ચાર્ટર્ડ ફ્લાઇટ બંધ થવાના કારણે આવી સ્થિતિ પેદા થઈ છે.

બોર્ડે જણાવ્યું કે પરિસ્થિતિ તેમના નિયંત્રણની બહાર છે અને તેના કારણે ખેલાડીઓના પ્રવાસ માટે વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આઇસીસીએ જણાવ્યું કે તેઓ સતત ઍરલાઇન્સ, ચાર્ટર્ડ ઑપરેટર્સ, ઍરપૉર્ટ ઑથૉરિટી, ગ્રાઉન્ડ હેન્ડલર્સ અને અલગ-અલગ દેશોની સરકાર સાથે સંપર્કમાં છે, જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે ઘેર મોકલી શકાય.

અમેરિકાનો દાવો, ઈરાનનાં બારુદી સુરંગો પાથરતાં 16 જહાજ નષ્ટ કર્યાં

અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝની સામુદ્રધુની નજીક બારુદી સુરંગો પાથરતાં 16 જહાજોને નષ્ટ કરી દીધાં છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ પણ એક વીડિયો જારી કર્યો છે, જેમાં આ જહાજ પર હુમલો થતો જોવા મળે છે.

આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન દળોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઊભેલાં 10 જહાજો પર હુમલો કર્યો છે.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સમુદ્રી રસ્તા પર જહાજોની આવ-જાને મોટી અસર પડી છે.

આ સમુદ્રી રસ્તો દુનિયામાં ઑઇલના પરિવહન માટે સૌથી મહત્ત્વના રસ્તા પૈકી એક છે.

કતારથી 1000 ભારતીયો સ્વદેશ પરત આવ્યા

મધ્યપૂર્વમાં સંઘર્ષનું વાતાવરણ છે ત્યારે ઘણા ભારતીયો જોખમથી બચવા માટે સ્વદેશ પરત આવી રહ્યા છે.

કતારસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે લગભગ 1000થી વધારે ભારતીયો કતારથી દિલ્હી, મુંબઈ અને કોચી પરત આવ્યા છે. સાઉદી અરેબિયામાં સાલવા બૉર્ડર પર ભારતીયોને 96 કલાકના ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસે 24/7 કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે 10મી માર્ચે કતાર ઍરવેઝની ફ્લાઇટોથી લગભગ 1000 ભારતીયોએ નવી દિલ્હી, મુંબઈ અને કોચીની ઉડાન ભરી હતી. તાજેતરમાં ભારતની બાસ્કેટ બૉલ ટીમ પણ કતારમાં ફસાઈ ગઈ હતી, જેને ફ્લાઇટથી સાઉદી અરેબિયા લઈ જવાઈ હતી અને ત્યાંથી ભારત પહોંચી ગઈ છે.

ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની વરણી પછી ભારતે પહેલી વખત ઈરાન સાથે વાત કરી

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે મંગળવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન પર વાતચીત કરી છે. મધ્યપૂર્વમાં શરૂ થયેલા સંઘર્ષ પછી બંને નેતા વચ્ચે આ ત્રીજી વાતચીત છે.

મોજતબા ખામેનેઈને ઈરાને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીમાં ઑઇલનો પુરવઠો લગભગ અટકી ગયો છે અને અનેક દેશોનો ચિંતા વધી ગઈ છે.

ઈરાન ઉપરાંત એસ જયશંકરે જર્મનીના વિદેશમંત્રી યોગન વાદેફૂએ અને દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી યોગ યન સાથે પણ વાતચીત કરી હતી અને મધ્યપૂર્વમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

ઈરાનમાં મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર જાહેર કરાયા પછી બંને દેશોના વિદેશમંત્રી વચ્ચે આ પહેલી વાતચીત હતી. યુદ્ધની શરૂઆતમાં જ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં તેમના પિતા આયતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન