You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પાંચ દિવસ કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે શું કહ્યું?
દિવસો સુધી રાહ જોવડાવ્યા પછી ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને સાતમ આઠમના તહેવારો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે.
14 ઑગસ્ટના બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે.
હાલમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમમાં તથા આંધ્ર પ્રદેશ અને સાઉથ ઓડિશા ઉપર એક લૉ પ્રેશર એરિયા સર્જાયો છે. અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ આવેલું છે જે ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે એવું લાગે છે.
ગુજરાતની વાત કરીએ તો ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના કચ્છના વિસ્તારની ઉપર 1.5 કિમીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી એક અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરુવારે રાંધણછઠના દિવસે ગુજરાતના સુરત, વડોદરા, અરવલ્લી, પંચમહાલ દાહોદ મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, વરસાડ અને નવસારી; તથા કેન્દ્રશાસિત દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની ભારે શક્યતા છે.
આ સિવાય અમદાવાદ,ગાંધીનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અરવલ્લી આણંદ, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન ખાતા દ્વારા જો વરસાદ પડવાની સંભાવના 25થી 50 ટકા જેટલી હોય તો તેને 'શક્યતા' અને 50થી 75 ટકા જેટલી સંભાવના હોય તો 'પ્રબળ શક્યતા'નો શબ્દપ્રયોગ કરવામાં આવે છે.
શુક્રવારે સ્વતંત્રતા દિવસ છે તથા આ દિવસે સાતમ પણ છે. આ દિવસે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા મહેસાણા, પાટણ, ખેડા, આણંદનાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
આ દિવસે ઉપરોક્ત સ્થળો ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અમુક સ્થળોએ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તથા ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
જ્યારે 24 કલાક દરમિયાન 2.5થી 15.5 મિમી વરસાદ પડે તો તેને 'હળવો' અને 15.6 મિમીથી 64.4 મિમી વરસાદ પડે તો તેને 'મધ્યમ' વરસાદ કહેવામાં આવે છે.
રાજ્ય સરકારના ડેટા ઉપર નજર કરીએ તો ગુરુવાર સવારની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 571. 39 મિમી વરસાદ પડ્યો છે, જે રાજ્યની કુલ જરૂરિયાતના 64.79 ટકા જેટલો છે.
ગત વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 72.44 % (639.59 મિમી) વરસાદ પડ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન