ઇસરોએ નવા વર્ષની શરૂઆત એક સફળ મિશન સાથે કરી, જાણો શું છે આ મિશન?

ઇસરો

ઇમેજ સ્રોત, ISRO

    • લેેખક, જાનવી મૂળે
    • પદ, બીબીસી મરાઠી
  • પ્રકાશિત

ચંદ્ર અને સૂર્ય મિશન પછી ભારત હવે બ્લૅક હોલ્સ અને સુપરનોવાના અભ્યાસ માટેનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.

ઇસરોએ તેના માટે 2024ની શરૂઆતમાં ઍક્સપોસેટ નામનો ઉપગ્રહ છોડ્યો જે એક વેધશાળા (ઑબ્ઝર્વેટરી)ની જેમ કામ કરશે.

પહેલા ઍક્સપોસેટને ડિસેમ્બરના અંતમાં લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ હવે તેને પહેલી જાન્યુઆરીની સવારે નવ વાગ્યેને દસ મિનિટે છોડવામાં આવ્યો છે.

આવો જાણીએ કે ઍક્સપોસેટ મિશન શું છે અને તે શા માટે મહત્ત્વનું છે.

ઍક્સપોસેટ શું છે ?

ઇસરો

ઇમેજ સ્રોત, ISRO

ઍક્સપોસેટ એ ઍક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટનું ટૂંકાવેલું નામ છે.

ભારતનું પીએસએલવી રૉકેટ આ ઉપગ્રહને જમીનથી 650 કિલોમીટર ઉપર પૃથ્વીની નિચલી કક્ષામાં સ્થાપિત કરશે.

ઉપગ્રહને પાંચ વર્ષ સુધી કામ કરી શકે તે રીતે બનાવવામાં આવ્યો છે.

તે ઍક્સ-રેનો મહત્ત્વપૂર્ણ ડેટા એકઠો કરશે જેનાથી આપણને બ્રહ્માંડ વિશે વધારે સારી રીતે સમજવામાં મદદ મળશે.

આ વેધશાળારૂપે કામ કરનારો વિશ્વનો બીજો ઉપગ્રહ બનશે.

આ પહેલાં 2021માં નાસા અને ઇટાલીની અંતરિક્ષ એજન્સીએ સાથે મળીને આઈઍક્સપીઈ નામનો ઉપગ્રહ છોડ્યો હતો, જે વેધશાળાની જેમ કામ કરે છે.

ઍક્સ-રેનો અભ્યાસ શા માટે?

ઇસરો

ઇમેજ સ્રોત, ISRO

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય ઓપ્ટિકલ ટેલિસ્કોપ આપણને બતાવે છે કે કોઈપણ ખગોળીય વસ્તુ કેવી દેખાય છે. જોકે તેનાથી આપણને એ ખબર નથી પડતી કે તે કેવી રીતે બની છે અને તેનો વ્યવહાર કેવો છે.

વૈજ્ઞાનિકો તે જાણવા માટે આ વસ્તુઓમાંથી આવતી તરંગોનાં અન્યરૂપ જેવાં કે ઍક્સ-રે, ગામા-રે, બ્રહ્માંડ કે રેડિયો તરંગો વડે ડેટા એકઠો કરે છે.

ઍકસ-રે તે જગ્યાએથી આવે છે જ્યાં પદાર્થ ચરમ સ્થિતિમાં હોય છે. આ જગ્યા જબરદસ્ત ટકરાવ, મોટા ધડાકાઓ, ઝડપી પરિભ્રમણ અને મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે.

આમાં બ્લૅક હોલ્સ પણ હોય છે. જે ખતમ થઈ રહેલા તારાઓનાં પોતાનાં વજનનાં દબાણનાં કારણે અંદરની તરફ પડવાને લીધે બને છે.

બ્લૅક હોલમાં ગુરુત્વાકર્ષણ બળ એટલું જબરદસ્ત હોય છે કે તેમાંથી પ્રકાશ પણ નથી નીકળી શકતો, જેથી આપણે તેને જોઈ શકતા નથી. તે દેખાતા નથી અને એટલા માટે જ તેમના અભ્યાસ માટે ખાસ વસ્તુઓની જરૂર પડે છે.

ઍક્સ-રે ટેલિસ્કોપ બ્લૅક હોલ્સની સાથે-સાથે કુઆસાર્સ, સુપરનોવા અને ન્યુટ્રોન તારાઓ જેવી ઍક્સ-રે છોડતી વસ્તુઓના અભ્યાસમાં મદદ કરે છે.

બ્રહ્માંડ અને તેનાં કામકાજનાં રહસ્યોને સમજવા માટે આ વસ્તુઓનો અભ્યાસ અત્યંત જરૂરી છે.

અંતરિક્ષ વેધશાળાની જરૂર શું છે?

ઇસરો

ઇમેજ સ્રોત, ISRO

ધરતીનું વાતાવરણ અંતરિક્ષથી આવતા મોટાભાગનાં વિકિરણોને રોકી રાખે છે અને ધરતી ઉપર રહેતાં પ્રાણીઓને તેના હાનિકારક પ્રભાવથી બચાવે છે.

જોકે એનો મતલબ એમ છે કે આપણે અડચણો વગર આ કિરણોને જોઈ નથી શકતા. તેથી આવાં મિશન અંતરિક્ષનાં અવલોકન માટે મોકલવામાં આવે છે.

ચંદ્ર ઍક્સ-રે મિશન એવું જ એક મિશન હતું જે નાસાએ મોકલ્યું હતું. આ મિશનનું નામ પ્રસિદ્ધ ભારતીયમૂળનાં અમેરિકી વૈજ્ઞાનિક સુબ્રમણ્યમ ચંદ્રશેખર ઉપર રાખવામાં આવ્યું હતું.

ભારતે ઓપ્ટિકલ, અલ્ટ્રાવાયોલેટ, ઓછી અને વધારે ઊર્જાવાળા ઍક્સ-રેમાં બ્રહ્માંડનું નિરિક્ષણ કરવા માટે 2015માં મિશન ઍસ્ટ્રોસેટ મોકલ્યું હતું.

જોકે ઍસ્ટ્રોસેટ ઍક્સ-રે સ્રોતોનું અવલોકન કરવાની સાથે-સાથે તેમનાં લાંબાગાળાનાં વર્તનને સમજવા માટે ઍકસ-રેના ધ્રુવીકરણના અવલોકન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

ધ્રુવીકરણ અને પોલેરિમીટર શું છે?

તમે નોંધ્યું હશે કે જ્યારે પ્રકાશ ધ્રુવીકૃત ચશ્મામાંથી પસાર થાય છે ત્યારે તે સૂર્યપ્રકાશથી અલગ દેખાય છે. આવું કેમ થાય છે?

કારણ કે પ્રકાશનાં કિરણો એક દોરડાની જેમ કામ કરે છે. તેઓ પોતાના પ્રવાસની દિશામાં ચારે તરફ ફરે છે.

જોકે જ્યારે તેઓ વિશિષ્ટ ફિલ્ટરમાંથી પસાર થાય છે અથવા વાતાવરણમાં વાયુઓ તરફ વિખેરાય છે ત્યારે તેઓનું ધ્રુવીકરણ થાય છે. પરિણામે તેમનું દોલન એક પંક્તિમાં આવી જાય છે.

ઍક્સ-રે પણ આ રીતે વ્યવ્હાર કરે છે અને તે ધ્રુવીકરણની દિશામાં જ ફરે છે.

પોલેરિમીટર આ દિશાની તપાસ કરવામાં મદદ કરે છે અને ઍક્સ-રેનું ઉત્સર્જન કરતી વસ્તુઓની સ્થિતિ વિશે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી આપે છે.

ઍક્સપોસેટમાં એક આવું પોલેરિમીટર જોડાયેલ છે.

ઍક્સપોસેટ ઉપર પેલોડ્સ

ઇસરો

ઇમેજ સ્રોત, ISRO

ઍક્સપોસેટ અવકાશયાન બે વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ છે.

પોલિક્સ: રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલું આ પ્રાથમિક પેલોડ છે. તેને યૂ આર રાવ સેન્ટરની મદદથી બનાવવામાં આવ્યું છે.

પોલિક્સ ખગોળીય સ્રોતોથી ઉદ્ભવતા ધ્રુવીકરણની ડિગ્રી અને કોણ માપશે.

ઍક્સએસપેક્ટ: ઇસરો અનુસાર ઍક્સએસપેક્ટ પેલોડ સ્પેક્ટ્રોસ્કોપિક માહિતી આપશે. આ પેલોડ ઉપગ્રહને એકસાથે ઍક્સ-રે સ્રોતની અસ્થાયી, સ્પેક્ટ્રલ અને ધ્રુવીકરણને લગતી વિશેષતાઓનાં અવલોકન માટે સક્ષમ બનાવે છે.