દિયા મિર્ઝાએ કહ્યું - ‘આબોહવા પરિવર્તનનો સૌથી મોટો મુદ્દો પુરુષોનો અહંકાર છે’

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, DIA MIRZA

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝા
    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ એડિટર, એશિયા
  • પ્રકાશિત

તમે હિન્દી ફિલ્મોની વિખ્યાત અભિનેત્રી હો ત્યારે તમે જે કાંઈ કરો તેના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય જ. દિયા મિર્ઝા આ ધ્યાનાકર્ષણનો ઉપયોગ કેટલીક વાર પોતાના ફાયદા માટે કરે છે. જેમ કે આબોહવામાં પરિવર્તન વિશેની ઝુંબેશ. આ બાબતે દિયા ખૂબ ભાવુક છે, પરંતુ ક્યારેક તે મુશ્કેલી સર્જી શકે છે.

બીબીસી 100 વીમેન માટેના અમારા ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓ આબોહવામાં પરિવર્તનનાં કારણોની ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે હોટલના રૂમના દરવાજાની ઘંટડી રણકી હતી.

ઇન્ટરવ્યૂ માટે આ રૂમની વ્યવસ્થા જેમણે કરી હતી તે કર્મચારીએ દિયા મિર્ઝાના ફોટોગ્રાફનો કોલાજ બનાવ્યો હતો. એ કોલાજ ભેટ આપવા તેઓ આવ્યા હતા.

દિયાએ તે ભેટનો નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો હતો અને તેઓ રવાના થયા કે તરત આબોહવા પરિવર્તન વિશે ફરીથી વાત શરૂ કરી હતી.

દિયાએ, તેઓ જેને પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો માને છે તેની વાત માંડી.

દિયા કહે છે, “આબોહવાનો સૌથી મોટો મુદ્દો અહંકારી સત્તાધીશોનો સમૂહ છે, જે બદલાવા ઇચ્છતો નથી.”

“પ્રદૂષણકર્તાઓ જાણે છે કે તેમનાં કૃત્યોને કારણે આપણો ગ્રહ અને આપણા લોકો ખતમ થઈ રહ્યા છે. તેથી તેમના માટે ન બદલાવાનું ખરેખર કોઈ બહાનું નથી.”

ક્લાઇમેટ ચેન્જ અને જાતીય સમાનતા પર દિયાના વિચારો

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, Dia Mirza

બીબીસી 100 વીમેન યાદીમાં દર વર્ષે સમગ્ર વિશ્વની 100 પ્રેરણાદાયી અને પ્રભાવશાળી મહિલાઓનાં નામ જાહેર કરાય છે. 2023ની આ યાદીમાં દિયા મિર્ઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષની યાદીમાં આબોહવા પરિવર્તનની સમસ્યા સામે ઝઝૂમી રહેલી મહિલાઓને સામેલ કરાયાં છે.

અમારી મોટા ભાગની વાતચીત ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં જાતીય સમાનતા પર કેન્દ્રિત હતી. એ ઉપરાંત એક ફિલ્મ સ્ટાર તરીકેના દિયાના અનુભવની વાતો પણ અમે કરી હતી.

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, dia mirza

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝા

દિયા મિર્ઝાએ 2000માં મિસ એશિયા પેસિફિક બ્યૂટી પેજન્ટનો ખિતાબ જીત્યો ત્યારે તેમની વય માત્ર 17 વર્ષ હતી.

તેમણે ટૂંક સમયમાં મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે તમે બહુ જ સુંદર છો, પરંતુ મોડેલ બનવા માટે તમારી ઉંચાઈ બહુ ઓછી છે.

દિયા કહે છે, “તેમણે જે કહ્યું તેનાથી હું એટલી પ્રભાવિત થઈ ન હતી જેટલી હું એ હકીકતથી પ્રભાવિત થઈ હતી કે જે વ્યક્તિ મારા વિશે કશું જ જાણતી નથી તે મને એક ચોકઠામાં મૂકી રહી છે અને મારે શું કરવું જોઈએ તથા શું નહીં એનો નિર્ણય કરી રહી છે.”

જાતીગત ભેદભાવનો સામનો કર્યો

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, DIA MIRZA

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિયાના જણાવ્યા મુજબ તેમણે સમગ્ર કારકિર્દી દરમિયાન સેક્સિઝમનો (જાતિગત ભેદભાવનો) સામનો કરવો પડ્યો છે.

દિયા કહે છે, “મારા સાથી પુરુષ કલાકારોને સેટ પર મોડા આવવા અને અનપ્રૉફેશનલ વર્તન બદલ છૂટછાટ મળતી હતી. એ સમયે ફિલ્મ સેટ પરનો પદાનુક્રમ સંપૂર્ણપણે પિતૃસત્તાક હતો અને મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સેટ પર બહુ ઓછી મહિલાઓ હતી. કોઈ હીરોઇન સેટ પર મોડી આવે તો તેને તરત જ અનપ્રૉફેશનલ કહેવામાં આવતી હતી. તેને વૅનિટી વાન પણ નાની મળતી હતી. લોકેશન પર શૂટિંગ થતું હોય ત્યારે મહિલા કલાકારો માટે શૌચાલય પણ અગાઉ ન હતાં. પ્રાઇવસીનો અધિકાર જાણે કે ગાયબ હતો.”

ભારતીય સિનેમાનાં 100થી વધુ વર્ષના ઇતિહાસમાં વહીદા રહેમાન જેવાં જૂજ મહિલાઓને જ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર શા માટે મળ્યો છે, એવો સવાલ મેં કર્યો ત્યારે દિયાએ કહ્યું હતું કે વહીદાજી એક આઇકન છે અને એમને બહુ મોડેથી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આપણે વાસ્તવિકતાને સમજવી પડશે કે આજે પણ ફિલ્મોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ બહુ ઓછું છે, ભલે દિગ્દર્શન હોય, નિર્માણ હોય કે લેખન હોય. મહિલાઓની સંખ્યા અને પ્રતિનિધિત્વમાં સુધારો નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ બદલાવાની નથી.

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, DIA MIRZA

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝા

શરૂઆતના અનુભવો છતાં દિયા મિર્ઝા ભવિષ્ય બાબતે હકારાત્મક છે અને કહે છે કે સંજોગો સુધરી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે.

તેઓ કહે છે, “ભારતીય સિનેમામાં એક એવો તબક્કો હતો, જ્યારે એક નિશ્ચિત વયથી વધુ ઉંમરની મહિલાને પુરુષોની માફક મુખ્ય ભૂમિકા આપવામાં આવતી ન હતી.”

“અમે હમણાં જ ધક ધક નામની એક ફિલ્મ પ્રદર્શિત કરી છે, જે ચાર અલગ-અલગ વયજૂથની, મોટરસાઇકલ પર સવારી કરતી ચાર સ્ત્રીઓ વિશેની સુંદર કહાણી છે.”

“આ પ્રકારની કથા દર્શાવવામાં ભારતીય ફિલ્મોદ્યોગને 110 વર્ષ થયાં અને મેં આ પ્રકારની ભૂમિકા ભજવવા માટે 23 વર્ષ રાહ જોઈ છે.”

પરંપરાઓને તોડી દાખલો બેસાડે છે દિયા

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, Tejinder Singh Khamkha

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝાના લગ્ન સમયે પૂજા વિધિ સંપન્ન કરાવતા મહિલા પુરોહિત

સૌંદર્ય સ્પર્ધાનાં ભૂતપૂર્વ વિજેતા હોવાથી દિયાનો યુવતીઓ માટે એ સંદેશ છે કે “તમારે તમને ઑબ્જેક્ટિફાય કરવાની છૂટ કોઈને ન આપવી જોઈએ. મિસ એશિયા પૅસિફિક સ્પર્ધા દરમિયાન મેં ટૂ પીસ સ્વિમ સૂટ પહેરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે મને તે પસંદ ન હતું.”

દિયા મિર્ઝા ફિલ્મોદ્યોગની બહારનાં ક્ષેત્રોમાં પણ જાતીય સમાનતાની હિમાયત કરવા ઇચ્છુક છે.

તેમણે 2021માં પરંપરાગત ભારતીય સમારંભમાં ‘જરા હટકે’ લગ્ન કર્યાં હતાં. મોટા ભાગનાં લગ્નોથી વિપરીત તેમની લગ્નવિધિ એક મહિલા પુરોહિતે કરાવી હતી.

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, Tejinder Singh Khamkha

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝા

દિયા કહે છે, “એ મહિલા પુરોહિતે મારા દોસ્તનાં લગ્ન જે રીતે કરાવ્યાં હતાં તેનાથી હું બહુ પ્રભાવિત થઈ હતી અને હું એવું જ કરવા ઇચ્છતી હતી. મહિલા પુરોહિત રાખવા મુદ્દે ભારતમાં મોટી ઓનલાઇન ચર્ચા શરૂ થઈ હતી કે મહિલાઓને પુરોહિત સહિતનાં બીજાં કેટલાંક શુભ કાર્યો કરવાની છૂટ કેમ નથી?”

દિયાએ તોડી હોય એવી આ એકમાત્ર પરંપરા નથી. તેમણે તેમનાં લગ્નમાં કન્યાદાનની પરંપરાને અનુસરવાનો પણ ઇનકાર કર્યો હતો. આ વિધિમાં કન્યાના પિતા કન્યાનું દાન તેના પતિને કરતા હોય છે.

દિયા કહે છે, “મારા નાનાજી કહેતા કે મારી દીકરીઓ કોઈ વસ્તુ નથી કે હું તેને લગ્નમાં કોઈને આપી દઉં. આ બહુ શક્તિશાળી વિચાર છે. તેથી મારી મમ્મીએ પણ કહ્યું હતું કે મારાં લગ્ન દરમિયાન કન્યાદાનની વિધિ કરવામાં આવશે નહીં.”

માતા તરીકે ભાવિ પેઢીને આકાર આપવાની તક

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, DIA MIRZA

ઇમેજ કૅપ્શન, દિયા મિર્ઝા તેમના પુત્ર સાથે

દિયાની કારકિર્દી પર એક બોલીવૂડ રિપોર્ટર તરીકે મેં કાયમ નજર રાખી છે. લોકોનું ધ્યાન કાયમ ગ્લેમર અને ઝગમગાટ પર હોય છે પરંતુ આબોહવા પરિવર્તનના પ્રચારક તરીકેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

પ્રકૃતિથી ઘેરાયેલા દક્ષિણ ભારતમાં જન્મેલાં અને ઊછર્યા હોવાને કારણે દિયાએ તેમની મૉડેલિંગ તથા ફિલ્મ કારકિર્દી 20 વર્ષ પહેલાં શરૂ થઈ હોવા છતાં ક્લાઇમેટ ઍક્ટિવિઝમ અપનાવ્યું એ આશ્ચર્યની વાત નથી.

તેઓ 2017માં સંયુક્ત રાષ્ટ્રસંઘના ગુડવીલ ઍમ્બૅસૅડર બન્યાં હતાં અને પર્યાવરણ કાર્યક્રમો માટે રજૂઆત કરી હતી.

ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓ તેમના બાળપણના દિવસો વારંવાર યાદ કરે છે. એ સમયે એક પેઢીનાં વસ્ત્રો બીજી પેઢીને હવાલે કરવામાં આવતાં હતાં અને એ વસ્તુઓનો વર્ષોવર્ષ ઉપયોગ કરવામાં કોઈ છોછ ન હતો.

તેઓ કહે છે, એ પ્રથાને તેમણે તેમના ઘરમાં પણ પુનર્જીવિત કરી છે. દાખલા તરીકે તેમના દીકરાના તાજેતરના જન્મદિવસની ઉજવણી ઝીરો પ્લાસ્ટિક, ઝીરો વેસ્ટ પાર્ટીના સ્વરૂપમાં કરી હતી અને સુશોભનની તમામ સામગ્રી ભવિષ્યના કાર્યક્રમોમાં ઉપયોગ માટે સાચવી રાખી છે.

દિયા મિર્ઝા

ઇમેજ સ્રોત, Ajay Chaurasia

ઇમેજ કૅપ્શન, તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરતાં દિયા મિર્ઝા

તેમણે એકથી વધુ વખત કહ્યું હતું, “કહેવું એ જ કરવું અને દાખલો બેસાડીને નેતૃત્વ કરવું જરૂરી છે.” દિયાએ હોટલ દ્વારા આપવામાં આવેલી પાણીની પ્લાસ્ટિકની બૉટલના ઉપયોગનો ઇનકાર કર્યો હતો. તેને બદલે પોતાની ધાતુની બૉટલનો ઉપયોગ કર્યો હતો.

તેઓ સવાલ કરે છે, “હું પોતે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીનું પાલન ન કરતી હોઉં તો તેની હિમાયત કેવી રીતે કરી શકું?”

“આદતો બદલવી જરૂરી છે, એવું યુવાઓને કહેવાનો મને શું અધિકાર છે?”

પર્યાવરણને થયેલા નુકસાનની વાત કરીએ ત્યારે આપણા મનમાં અસહાયતાની ભાવના હોય છે.

દિયા કહે છે, “અત્યારે વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી હું થોડી ખિન્નતા અનુભવું છું, પરંતુ યુવા લોકોના નાવિન્ય, તેમના ઉકેલો, તેમની હિમાયત અને સૌથી વધુ તેમની અનુકંપા અને પ્રેમમાંથી પ્રેરણા મેળવું છું. આશાન્વિત છું.”

દિયાનો પુત્ર નીચે રાહ જોઈ રહ્યો છે અને તેને મળી શકાય એટલા માટે દિયા ઇન્ટરવ્યુ પૂર્ણ થવાની રાહ જુએ છે ત્યારે હું તેમને છેલ્લો સવાલ પૂછું છું.

એક અભિનેત્રી, પર્યાવરણ પ્રચારક અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ઍમ્બૅસૅડર સહિતની બહુવિધ ભૂમિકાઓમાંથી તેમને સૌથી વધુ શું ગમે છે?

દિયા તરત કહે છે, “માતા હોવું. મારી પાસે વિશ્વની ભાવિ પેઢીને આકાર આપવાની તક છે.”

(પૂરક માહિતીઃ એમેલિયા બટરલી)

બીબીસી
બીબીસી