ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, કયાં પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારી છે. હવામાન ખાતાની આગાહી મૂજબ આવનારા 48 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે.
ત્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર, અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસે એ પહેલા જ અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે
અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેમાં વીજપડી પંથકમાં ભારે વરસાદથી ખડસલી નજીકનો ચેકડેમ ઓવરફ્લો થયો છે.
સતત ધોધમાર વરસાદથી ખડસલીની જામવાલી નદીમાં પૂર આવ્યું અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે .જેમાં ખાંભાના ચકરાવા, બોરાળા, ભાણીયા, બાબરપરા સહિત ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
સાવરકુંડલા પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, થોરડી, મિતિયાળા અને કૃષ્ણગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેનાથી જિલ્લામાં સૌથી વધુ હેકટરમાં આગોતરું વાવતેર કરનાર સાવરકુંડલા પંથકના ખેડૂતોમાં આ વરસાદથી હરખ જોવા મળ્યો હતો.
બગસરાના ખારી ગામે પણ સતત વરસાદથી નદીઓ જાણે ગાંડીતૂર બનીને વહેવા લાગી છે. ફુલઝર નદી પરનો ચેકડેમ છલકાઈ ગયો છે. શરૂઆતના વરસાદમાં જ ચેકડેમ છલકાઈ જતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ વરસાદ વરસ્યો. બે દિવસ સતત બફારા વચ્ચે મોડી સાંજે વરસાદનું આગમન થયું હતું અને રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. રાજકોટ જિલ્લામાં જેતપુર,ગોંડલ અને ધોરાજીમાં પણ વરસાદ પડ્યો છે.
ઉપરવાસમાં વરસાદને કારણે દાહોદ જિલ્લામાં દહિંકોટ ગામની પાનમ નદીમાં પણ નીર આવી ગયા હતા અને તે પાણીથી છલકાઈ ગઈ હતી.

અત્યારે ક્યાં પહોંચ્યું ચોમાસું?

ઇમેજ સ્રોત, IMD
ગુજરાત માટે ચોમાસા વિશેના સારા સમાચાર છે. હવામાન ખાતાની હાલની માહિતી મુજબ ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મધ્ય અને ઉત્તરના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે.
તેમાં મહારાષ્ટ્રના બાકી બચેલા ભાગો જેમાં મુંબઈનો સમાવેશ થાય છે, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના અમુક ભાગો, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના બાકીના ભાગો અને હિમાચલ પ્રદેશના મોટાભાગો તથા જમ્મુ-કાશ્મીરના અમુક ભાગો અને લદ્દાખમાં 25 જૂને ચોમાસું આગળ વધ્યું છે.
હવામાન વિભાગના મતે મુંબઈમાં ચોમાસું પહોંચે ત્યાર બાદ એક કે બે દિવસના ગાળામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં પહોંચી જતું હોય છે.
હવામાન વિભાગની જાહેરાત અનુસાર આવનારા 48 કલાકમાં ગુજરાતના વધારે ભાગોમાં ચોમાસું પહોંચે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાયેલી જોવા મળે છે.
સૌથી પહેલાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે.
ત્યારબાદ બેથી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી જતું હોય છે.

ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 25 તારીખથી વરસાદ વધવાની શરૂઆત થઈ જશે.
સૌથી પહેલા દક્ષિણ અને પૂર્વ ગુજરાત વલસાડ, નવસારી, અરવલ્લી, મહિસાગર, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વધતો જશે.
રાજ્યમાં 27થી 30 જૂન વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ અને પૂર્વ ગુજરાતરના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ જ સમયગાળા દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો 27 જૂનની આસપાસ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટના તાલુકાઓમાં પણ વરસાદ વધશે.
કચ્છમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતા વરસાદની શરૂઆત મોડી થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામશે ત્યાર બાદ કચ્છમાં પણ છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ જશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ

ઇમેજ સ્રોત, Getty Images
હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે આગળ વધી રહી છે. આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ મધ્યપ્રદેશથી થઈ ગુજરાત અને રાજસ્થાન તરફ આ સિસ્ટમ આવશે.
જ્યારે આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે ત્યારે આપણે ત્યાં ભારે વરસાદ થશે.
























