ગુજરાતમાં સાતમ-આઠમ પર વરસાદ આવશે? કઈ નવી સિસ્ટમ બની?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

હવે બંગાળની ખાડી સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે.

બંગાળની ખાડી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્રથમ વરસાદી સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સાક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે આ સિસ્ટમ આવનારા દિવસોમાં મજબૂત બનશે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદ નથી અને કેટલાક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો હતો તે પણ નહિવત્ જેટલો જ વરસાદ હતો. હવે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

ઑગસ્ટ મહિનો વરસાદની રીતે આ વર્ષનો સૌથી ખરાબ મહિનો રહ્યો છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી હતી. જુલાઈમાં પડેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું.

હવે બંગાળની ખાડી સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે.

બીબીસી ગુજરાતી

બંગાળની ખાડીની સિસ્ટમ કઈ તરફ આગળ વધશે?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, https://internal.imd.gov.in

હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત બન્યા બાદ મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધશે અને તેના કારણે ઘણાં રાજ્યોમાં ફરીથી વરસાદ શરૂ થશે.

ઓડિશા, છત્તીસગઢ અને તે બાદ આ સિસ્ટમ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તરફ આવે તેવી શક્યતા છે. જેના કારણે આ તમામ રાજ્યોમાં વરસાદ વધશે.

જોકે, આ સિસ્ટમ મધ્ય ભારત પર આવ્યા બાદ વળાંક લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. વળાંક લીધા બાદ તે ઉત્તર પ્રદેશ તરફ જાય તેવી શક્યતા છે.

હજી સિસ્ટમ આગળ વધશે તે બાદ જ ખબર પડશે કે તે ગુજરાતની કેટલી નજીક આવશે અને અને ત્યારબાદ વળાંક લેશે કે નહીં. જો વળાંક લેશે તો ગુજરાત પર તેની વધારે અસર જોવા નહીં મળે.

ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન મોટા ભાગનો વરસાદ બંગાળની ખાડી પર આધારિત છે. એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સર્જાય છે તે ગુજરાત તરફ આવે ત્યારે તેના કારણે વરસાદ થાય છે.

બીજી તરફ ચોમાસાની શરૂઆત અને અંતમાં અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંના કારણે પણ ગુજરાતમાં વરસાદ થાય છે.

જેમ કે આ વર્ષે બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાણીલાયક વરસાદ થયો હતો.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ક્યારથી અને કયા જિલ્લામાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, Gujarat Rain: બંગાળની ખાડીની સિસ્ટમ ક્યાં પહોંચી, ગુજરાતમાં ક્યારથી પડશે વરસાદ?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 7 સપ્ટેમ્બરની આસપાસથી આ સિસ્ટમની અસર થાય તેવી શક્યતા છે અને 6-7 સપ્ટેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં વરસાદો સૌથી વધારે આધારે તેના પર છે કે આ સિસ્ટમ ગુજરાતની કેટલી નજીક આવે છે, જે સિસ્ટમ આગળ વધ્યા બાદ ખબર પડશે.

હાલની સ્થિતિ પ્રમાણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ વડોદરા, ભરૂચના વિસ્તારોમાં સૌ પ્રથમ આ સિસ્ટમની અસર થવાની શક્યતા છે.

જે બાદ સિસ્ટમ વધારે નજીક આવશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી

સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે?

ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં સારા વરસાદ બાદ ઑગસ્ટ મહિનાએ વરસાદને લઈને નિરાશ કર્યા છે અને આ વર્ષનો તે સૌથી ખરાબ મહિનો રહ્યો છે.

ચાર મહિનાના ચોમાસામાં હવે માત્ર છેલ્લો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો રહ્યો છે અને તેમાં આશા છે કે રાજ્યમાં થોડો સારો વરસાદ થાય.

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાનું પૂર્વાનુમાન જારી કર્યું હતું અને તેમાં કહ્યું હતું કે લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્ય વરસાદ રહશે.

જોકે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દેશના પશ્ચિમ તરફના વિસ્તારોમાં વરસાદ સરેરાશ કરતાં ઓછો રહે તેવી શક્યતા છે. પશ્ચિમમાં ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ઑગસ્ટ મહિનો ખૂબ ખરાબ રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આશા છે પરંતુ જુલાઈ જેવો સતત ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી.

હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં અલ નીનો વધારે મજબૂત બનશે અને તે આવતા વર્ષની શરૂઆત સુધી મજબૂત રહે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ભારતના ચોમાસા પર હાલ અલ નીનોની અસર થઈ રહી છે અને તેથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી