ગુજરાતમાં વરસાદની રાહ જોતા ખેડૂતો, કઈ તારીખથી આગાહી કરાઈ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાતમાં ઑગસ્ટ સાવ કોરો ગયા બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની આશા જાગી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધતાં તેની અસર ગુજરાતને પણ થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની સૌથી વધારે અસર મધ્ય ભારતના વિસ્તારો અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોને થવાની શક્યતા છે.
જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી, પરંતુ તે બાદ ઑગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદની દૃષ્ટિએ ખૂબ ખરાબ રહ્યો હતો.
હવે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસો પણ વરસાદ વિનાના ગયા છે અને આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી હવામાન પલટાવાની સંભાવના છે પરંતુ સારા વરસાદની શક્યતા કેટલાક વિસ્તારોમાં જ છે.

ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ?
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે લૉ-પ્રેશર એરિયા બની ગઈ છે એટલે કે આ સિસ્ટમ મજબૂત બની ગઈ છે.
તે હવે આગળ વધશે અને તેની સૌથી વધારે અસર ઓડિશા અને છત્તીસગઢ પર થવાની શક્યતા છે.
ગુજરાતમાં 6 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે અને 7 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાનનાં વિવિધ મૉડલો જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ સિસ્ટમ મધ્ય ભારત પરથી આગળ વધીને પશ્ચિમ ભારત પર આવે તેવી શક્યતા હાલ દેખાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે આ સિસ્ટમ ગુજરાત કે રાજસ્થાન પર આવે એવી શક્યતા ખૂબ ઓછી છે. હાલની સ્થિતિ મુજબ એવી સંભાવના દેખાઈ રહી છે કે આ સિસ્ટમ મધ્ય ભારત પર આવ્યા બાદ ત્યાં વધારે સમય રહેશે અને ત્યાર પછી તે વળાંક લેશે.
જેથી તેની વધારે અસર ગુજરાતને થાય તેવી સંભાવના ઓછી છે. જેથી ગુજરાતમાં તમામ વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ થશે.

ગુજરાતના કયા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્ય ભારત પર આવતા જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં 7 તારીખથી વરસાદનું જોર વધવાની શક્યતા છે.
આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ કદાચ આવનારા બે-ત્રણ દિવસોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.
આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
પરંતુ આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
કોઈ જિલ્લામાં થોડા વધારે વિસ્તારોમાં તો કોઈ જિલ્લામાં ઓછા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના આ સિવાયના જિલ્લાઓ તથા કચ્છમાં આ સિસ્ટમની વધારે અસર થાય તેવી સ્થિતિ જણાતી નથી. એટલે કે ત્યાં કોઈ જગ્યાએ સાવ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.
પરંતુ ઊભા પાકને લાભ કરે તેવા વરસાદની શક્યતા ઓછી જણાઈ રહી છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે ગુજરાતમાં જુલાઈ મહિના જેવો વરસાદ પડે તેવી શક્યતા ખૂબ ઓછી છે. આ સિસ્ટમ બાદ પણ હજી એકાદ સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાય તેવી શક્યતા છે.
ભારતના હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાને લઈને જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ મુજબ પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જેમાં ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે, ત્યાં સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા છે.
ભારતની ખાનગી હવામાન એજન્સીના હવામાનશાસ્ત્રી મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પરંતુ આખા મહિના દરમિયાન સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી થઈ હતી પરંતુ શરૂઆતના બે મહિનામાં ધોધમાર વરસાદ બાદ ઑગસ્ટ મહિનો સાવ વરસાદ વિના જ ગયો હતો.
સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસો પણ રાજ્યમાં વરસાદ વિનાના ગયા છે, હવે ફરી બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધતાં રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે.



























