You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, હજી ત્રણ દિવસ આ જિલ્લાઓ પર માવઠાનો ખતરો
ગુજરાતના હવામાનમાં હાલ ઉનાળાની ગરમીની સાથે ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ રાજ્યમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદનો ખતરો તોળાયેલો છે.
ગુજરાતમાં લગભગ 10 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતના હજારો ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવનની સાથે કરા પણ પડ્યા હતા.
જોકે, રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટવાની સંભાવના દેખાઈ રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને ત્રણેક દિવસ હજી માવઠું ગુજરાતમાં ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે બાદ વરસાદ બંધ થાય તેવી શક્યતા છે.
ગુજરાતની સાથે સાથે આખા દેશમાં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને લગભગ મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.
દેશના અનેક વિસ્તારોમાં હજી પણ આગામી અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં હજી વરસાદની આગાહી?
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પર હજી પણ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની વેબસાઇટ પરની માહિતી પ્રમાણે હજી પણ આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
22 માર્ચના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ક્યાંક સાવ હળવો તો ક્યાંક મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી તથા કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તથા પૂર્વ ગુજરાતના અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમા છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.
23 માર્ચના રોજ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
24 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના બીજા કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદ બંધ ક્યારે થશે?
ગુજરાતમાં 13-14 માર્ચથી શરૂ થયેલો કમોસમી વરસાદનો રાઉન્ડ હવે પૂરો થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં ત્રણેક દિવસ બાદ વરસાદ બંધ થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં લગભગ 22થી 24 માર્ચ સુધી હજી ત્રણેક દિવસ સુધી વરસાદની શક્યતા રહેલી છે અને તે બાદ વરસાદનું જોર ભાંગવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં 25 માર્ચની આસપાસથી કમોસમી વરસાદ બંધ થવાની શક્યતા દેખાઈ રહી છે. જે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ થઈ જશે અને ફરીથી ગરમી વધવાની શક્યતા દેખાઈ રહી છે.
હાલ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 35 ડિગ્રી સેલ્સિયસથી વધારે મહતમ તાપમાન હતું. જે હાલ ઘટીને ઘણા વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જતું રહ્યું છે.
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો?
માર્ચથી મે મહિનાની વચ્ચે થતા વરસાદને પ્રિ-મૉન્સુન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે.
માર્ચ મહિનામાં ઘણી વખત કમોસમી વરસાદ થયો છે, પરંતુ આ વખતે જોવા મળ્યું એવું હવામાન ભાગ્યે જ જોવા મળે છે. હાલ માર્ચ મહિનામાં જ દેશભરમાં ચોમાસા જેવો માહોલ છે.
ગુજરાતમાં 1 માર્ચથી લઈને 21 માર્ચ સુધી હવામાન વિભાગના આંકડા પ્રમાણે સામાન્ય કરતા 5196 ટકા વધારે વરસાદ થયો છે. ટકાવારીમાં આંકડો મોટો લાગશે કારણ કે સામાન્ય રીતે માર્ચમાં ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ થતો હોય છે.
ગુજરાતમાં માર્ચ મહિનામાં સરેરાશ માર્ચ મહિનામાં સરેરાશ 0.2 મિલીમિટર વરસાદ થતો હોય છે પરંતુ આ વર્ષે 21 માર્ચ સુધીમાં જ સરેરાશ 10.6 મિલીમિટર વરસાદ થઈ ગયો છે.
રાજ્યમાં 22 માર્ચ સુધી સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામાં 34.1 મીમી, બોટાદમાં 23.8 મીમી, અરવલ્લી જિલ્લામાં 21.6 મીમી, અમરેલીમાં 20.9 મીમી, સાબરકાંઠામાં 20.4 મીમી, દાહોદમાં 12.6 મીમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે રવી પાકને 50 ટકા નુકસાન થયું છે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, અમરેલી, જૂનાગઢ અને રાજકોટના અનેક જિલ્લાઓમાં રવી પાકને કમોસમી વરસાદના કારણે 50 ટકા નુકસાન થયું છે, તે ઉપરાંત સતત 15મા દિવસે સૌરાષ્ટ્રમાં હવામાનની સ્થિતિ ખરાબ રહી હતી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ઘઉં, ચણા, ધાણા અને જીરા સહિતના પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.
રવિવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સ યોજીને સર્વે કરવા સૂચના આપી હતી.
સરકારી રિપોર્ટ અનુસાર, રાજ્યના 33માંથી 27 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 18 જિલ્લાના 33 તાલુકાઓમાં 5થી 9 માર્ચ વચ્ચે 10મીમી અથવા તેનાથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન 78 તાલુકાઓમાં 10મીમી કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “વરસાદ ચાલુ છે તેથી અમે તેના અંતિમ આંકડા આપી શકીએ તેમ નથી, પરંતુ સર્વે હજુ ચાલુ છે. સર્વે કરાયેલા પાકને હજુ વધુ નુકસાન થઈ શકે છે.”
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવાર સુધી વરસાદ ચાલુ રહેશે. અમે અધિકારીઓને રોજેરોજ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે.
અમરેલીના જિલ્લા કૃષિ અધિકારી જિગ્નેશ કાનાણીએ જણાવ્યું હતું કે, “કમોસમી વરસાદના પ્રથમ રાઉન્ડમાં અમરેલીના બગસરા, ધારી, લાઠી અને ખાંભા તાલુકાઓમાં રવી પાકને ઘણું નુકસાન થયું છે. આ ચાર તાલુકાનાં 123 ગામોમાં વરસાદના કારણે 24,288 હૅક્ટરમાં રવી પાક અને 1300 હૅક્ટરમાં બાગાયતી પાકને અસર થઈ હોવાનું નોંધાયું છે.”
રાજકોટમાં જસદણ, કોટડા સંગાણી, ગોંડલ અને ઉપલેટાના તાલુકામાં 1.24 લાખ હૅક્ટરમાં સર્વે કરાઈ રહ્યો છે.
કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સર્વેમાં 166 ગામોમાં 792 હૅક્ટરમાં પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.