You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદ એકદમ ધીમો કેમ પડી ગયો? હવે ક્યારે સિસ્ટમ સક્રિય થશે?
ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ પછી ફરીથી તેની ગતિ ધીમી પડી ગઈ છે. ગુજરાત સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પણ અમુક જગ્યાએ ઝાપટા પડ્યા છે.
ચોમાસાની સિસ્ટમની વાત કરીએ તો સમુદ્રની સપાટીએ એક ટ્રોફની રચના થઈ છે જે અમૃતસર, દહેરાદુન, શાહજહાંપુર, છપરા, જલપાઇગુરીથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ટ્રોફ ફેલાયેલ છે.
હાલમાં સૌરાષ્ટ્ર પર સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. આ ઉપરાંત સાઉથ રાજસ્થાનના મધ્ય ભાગ પર સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટ મુજબ ગુજરાત, સાઉથ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં હાલમાં એક અઠવાડિયા સુધી ચોમાસું નબળું રહેશે અથવા બહુ ઓછો વરસાદ પડશે.
જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ રાજ્યોમાં ભૂસ્ખલન થવાનું પણ જોખમ છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં વરસાદ પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન