ભારતનો આર્થિક વિકાસદર વધીને 8.2 ટકા ઉપર પહોંચ્યો – ન્યૂઝ અપડેટ

ભારતનો આર્થિક વિકાસદર 8.2 ટકા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટસ્ટિક્સ, જીડીપી, કુલ ઘરેલું ઉત્પાદન, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

નાણાકીય વર્ષ 2025-'26ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો આર્થિક વિકાસદર 8.2 ટકા રહેવા પામ્યો હતો. ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રૉથ રેટ 5.6 ટકા રહ્યો હતો.

જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશનો આર્થિક વિકાસદર 7.8 ટકા જેટલો રહ્યો હતો.

ભારત સરકારના પ્લાનિંગ ઍન્ડ સ્ટેટસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, નૉમિનલ જીડીપીમાં (ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલુ ઉત્પાદન) 8.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મૅન્યુફેક્ચરિંગ (9.1 %) તથા સર્વિસ સેક્ટરને (9.2 %) કારણે જીડીપીમાં વૃદ્ધિ થઈ હતી.

ઝેલેન્સ્કીના ચીફ ઑફ સ્ટાફના ઘરે ભ્રષ્ટાચાર મામલે તપાસ

ઝેલેન્સ્કી, ચીફ ઓફ સ્ટાફ, યરમક, યુક્રેનમાં ભ્રષ્ટાચારના આરોપ, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝેલેન્સ્કી (ડાબે) અને યરમક

યુક્રેનની ભ્રષ્ટાચારવિરોધી એજન્સીઓએ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્સીના ચીફ ઑફ સ્ટાફ એંડ્રી યરમકના ઍપાર્ટમેન્ટમાં તપાસ હાથ ધરી છે.

યુક્રેનની ભ્રષ્ટાચારવિરોધી બે એજન્સીએ આ અંગે તપાસ હાથ ધરી છે, જેમાંથી એક નાબૂએ પુષ્ટિ કગરી છે કે તેમને તપાસ માટે મંજૂરી મળી ગઈ છે. એજન્સીનું કહેવું છે કે આના વિશેની વધુ માહિતી હવે પછી આપવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ટોચના અધિકારીઓ ઉપર 10 કરોડ ડૉલરનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે. જોકે, ઝેલેન્સ્કી કે તેમની નજીક મનાતા યરમકની સંડોવણી અંગેના કોઈ આરોપ નથી.

રશિયા સામેની જંગમાં યરમકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને અમેરિકા સાથે જે શાંતિમંત્રણા ચાલી રહી ચે, તેમાં યુક્રેનના મુખ્ય વાટાઘાટાકાર છે.

ભ્રષ્ટાચારના આરોપોની વચ્ચે કેટલાક ટીકાકાર યરમકના રાજીનામાની માગ કરી રહ્યા છે અને તેમનાં પદ ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.

આસામ સરકારે પસાર કરેલા ખરડાને વિપક્ષ કેમ મુસ્લિમવિરોધી કહી રહ્યો છે

હેમંત બિસ્વા સરમા, બાળ વિવાહ અને બહુપત્નીત્વ સામે કાયદો, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આસામના મુખ્ય મંત્રી હેમંતા બિસ્વા સરમાએ ગુરૂવારે આસામની વિધાનસભામાં કહ્યું હતું કે આસામની લગભગ 35 બેઠક ઉપર મુસલમાન વિજેતા નક્કી કરે છે, છતાં અનેક દાયકાઓથી આસામમાં મુસ્લિમ બહેનો ધારાસભ્ય નથી બની શકી.

ધારાસભામાં આસામ બહુવિવાહ પ્રતિબંધક બિલ-2025 પસાર થયું, ત્યારે ચર્ચામાં ભાગ લેતી વેળાએ સરમાએ આ વાત કહી હતી.

સીએમ સરમાએ ગૃહમાં કહ્યું, "આજે ગૃહમાં મુસ્લિમ સમુદાય વતી બોલનાર દરેક વ્યક્તિ પુરુષ છે. આજે 22થી 35 વિધાનસભા ક્ષેત્રમાં કોણ ધારાસભ્ય બનશે, એ વાતનો ફેંસલો મુસ્લિમ સમુદાય કરે છે."

"છતાં ગત કેટલાંક વર્ષોમાં સૈયદા અનવરા તૈમૂર પછી કોઈ મુસ્લિમ મહિલા ધારાસભ્ય નથી બન્યાં."

સરમાએ ઉમેર્યું, "બાળવિવાહ તથા બહુવિવાહે આસામની મુસ્લિમ સમાજની મહિલાઓ પાસેથી તેમના જીવતા રહેવાના અધિકાર પણ ઝૂંટવી લીધા છે."

સરમાએ કહ્યું હતું કે, "12 વર્ષની ઉંમરે છોકરીઓ માતા બની રહી છે. બહુવિવાહ અને બાળવિવાહને અટકાવીને અમે અમારી બહેનોનું સશક્તિકરણ કરવા માગીએ છીએ."

નવા કાયદાની જોગવાઈઓ પ્રમાણે ગુનો આચરનારને મહત્તમ 10 વર્ષની જેલની સજા તથા માતા-પિતા, પૂજારી-કાજી તથા આવાં લગ્નોમાં મદદ કરનારા અન્ય લોકો માટે બે વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવી છે.

વિપક્ષના નેતાઓનો આરોપ છે કે મુખ્ય મંત્રી મુસલમાનો ઉપર નિશાન સાધી રહ્યા છે.

આ સાથે જ હેમંતા બિસ્વા સરમાએ વિદ્યાર્થિનીઓ માટે અલગ-અલગ યોજનાઓ જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026માં આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ તથા પુડ્ડુચેરીમાં ચૂંટણી યોજાશે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસની તારીખો જાહેર થઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રશિયા, પુતિનની મુલાકાત, રશિયા-યુક્રેન યુદ્ધ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન 5 ડિસેમ્બર સુધી ભારતના પ્રવાસે રહેશે.

ભારતના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બર 2025ના રોજ ભારતના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિ પુતિન ભારત-રશિયાની 23મી વાર્ષિક શિખર બેઠકમાં સામેલ થશે."

આ પ્રવાસમાં રાષ્ટ્રપતિ પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનેય મળશે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ પ્રવાસ ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા, વ્યૂહરચનાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ તક આપશે.

સાથે જ બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દા અંગે પણ ચર્ચા થશે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો અંતિમ ભારત પ્રવાસ ડિસેમ્બર 2021માં થયો હતો, એટલે કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ પુતિન ભારત નથી આવ્યા.

સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં આયોજિત જી20 સમિટમાં પણ પુતિન નહોતા આવ્યા.

શ્રીલંકામાં ભીષણ પૂરથી કમસે કમ 56 લોકોનાં મૃત્યુ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, શ્રીલંકા, વાવાઝોડું, પૂર, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર અલોડ કરાયેલા વીડિયોમાં ઘરો વહેતાં દેખાઈ રહ્યાં છે

શ્રીલંકામાં ભારે વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલને આ અઠવાડિયે ભારે તબાહી મચાવી છે. તેમાં ઓછામાં ઓછા 56 લોકોનાં મૃત્યુ થયાં છે અને 21 લોકો ગુમ છે.

હાલનાં વર્ષોમાં આ દેશની સૌથી ગંભીર હવામાન સંબંધી આપત્તિઓ પૈકી એક છે.

ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ સેન્ટર (ડીએમસી) પ્રમાણે, શ્રીલંકાના ચાના બગીચાવાળો જિલ્લો બદુલ્લામાં રાત્રે આવેલા ભૂસ્ખલનમાં 21 લોકોનાં મૃત્યુ થયાં.

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં પૂરનું પાણી ઘરોને વહાવીને લઈ જતું દેખાઈ રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારો માટે અસ્થાયી શેલ્ટર્સ તૈયાર કરાયા છે.

તેમજ શુક્રવારે વધુ ખરાબ મોસમની આશંકાઓનો સામનો કરવાની શ્રીલંકા તૈયારી કરી રહ્યું છે, કારણ કે વાવાઝોડું 'દિત્વાહ' તેના પૂર્વ તટ તરફથી આગળ વધી રહ્યું છે.

'દિત્વાહ' આ પહેલાં તેના પૂર્વ તટ પાસે એક ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયું હતું. બાદમાં એ ઝડપથી વાવાઝોડામાં ફેરવાઈ ગયું. એવું કહેવાઈ રહ્યું છે કે એ ભારતના દરિયાકાંઠે લૅન્ડફૉલ કરી શકે છે.

હૉંગકૉંગ ફાયર : મૃતકોની સંખ્યા વધીને 128 થઈ, હજુ પણ સેંકડો લોકો ગુમ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હૉંગકૉંગ, હૉંગકૉંગ ફાયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આગમાં કેટલાક ફાયર ફાઇટરોનાં પણ મૃત્યુ થયાં છે

હૉંગકૉંગમાં એક રહેણાક વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 128 લોકોનાં મૃત્યુ થયાં છે અને 76 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સાથે જ કહેવાઈ રહ્યું છે કે હજુ પણ 300 લોકો ગુમ છે.

આ આગ બુધવારે તાઈ પો જિલ્લાની આઠમાંથી સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ હતી. હૉંગકૉંગના નેતાનું કહેવું છે કે 'આગ હવે નિયંત્રણ'માં છે.

સુરક્ષાની ખામીઓ અંગે લોકોમાં નારાજગી છે. એક રહેવાસીનું કહેવું છે કે 'આ અકસ્માત રોકી શકાયો હોત.'

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે જ્યારે આગ લાગી ત્યારે એ કૉમ્પ્લેક્સમાં કેટલા લોકો હાજર હતા. હાલના આંકડા પ્રમાણે, આ કૉમ્પ્લેક્સમાં લગભગ 4600 લોકો રહે છે.

ઇમારતમાં આગનાં કારણો અંગે પણ હજુ સુધી સવાલ ઊઠી રહ્યા છે.

પોલીસનું કહેવું છે કે ઇમારતની બહાર ઉપયોગમાં લેવાયેલી સામગ્રી ફાયરપ્રૂફ નહોતી.

ટ્રમ્પ પ્રશાસન આ 19 દેશોના ગ્રીન કાર્ડધારકોની ફરીથી તપાસ કરશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હૉંગકૉંગ, હૉંગકૉંગ ફાયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ફાયરિંગથી રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો પેદા થયો છે

ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે 19 દેશોથી અમેરિકા આવેલી વ્યક્તિઓને અપાયેલ ગ્રીન કાર્ડની ફરી વાર સમીક્ષા કરાશે.

યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝના પ્રમુખ જોસેફ એડ્લોએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમને નિર્દેશ આપ્યા છે કે આ 19 દેશોના નાગરિકોનાં ગ્રીન કાર્ડની સંપૂર્ણ અને કડકાઈપૂર્વક ફરી વાર તપાસ કરવામાં આવે.

બીબીસી દ્વારા આ દેશોનાં નામ અંગે પુછાતાં એજન્સીએ વ્હાઇટ હાઉસને જૂનમાં જાહેર કરેલી એક ઘોષણાનો હવાલો આપ્યો.

જેમાં સામેલ છે :

  • અફઘાનિસ્તાન
  • ક્યૂબા
  • હૈતી
  • ઈરાન
  • સોમાલિયા
  • વેનેઝુએલા
  • બર્મા
  • ચાડ
  • રિપબ્લિક ઑફ કૉંગો
  • ઇક્વેટોરિયલ ગિની
  • ઇરિટ્રિયા
  • લીવિયા
  • સુદાન
  • યમન
  • બુરુન્ડી
  • લાઓસ
  • સિએરા લિયોન
  • તુર્કમેનિસ્તાન
  • તોગો

ટ્રમ્પ પ્રશાસન તરફથી આ જાહેરાત એ ઘટના બાદ કરાઈ છે, જેમાં એક અફઘાન નાગરિક પર વૉશિંગ્ટન ડીસીમાં બે નૅશનલ ગાર્ડ પર ફાયરિંગ કરવાનો આરોપ લાગ્યો છે. એક નૅશનલ ગાર્ડનાં મૃત્યુ થયાં છે.

શંકાસ્પદ રહમાનુલ્લાહ લકનવાલ 2021માં એ કાર્યક્રમ અંતર્ગત અમેરિકા આવ્યા હતા, જેમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પરત ફર્યા બાદ અફઘાનને વિશેષ ઇમિગ્રેશન સુરક્ષા અપાઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન