લક્ષદ્વીપ: નવા સ્કૂલ યુનિફૉર્મને લઈને વિવાદ, વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલ કોણ છે?

શાળાએ જતી બાળકીઓ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં વહીવટીતંત્રએ શાળાઓમાં નવો યુનિફૉર્મ દાખલ કર્યો છે. આની સાથે જ લક્ષદ્વીપનું વહીવટીતંત્ર ફરીથી વિવાદમાં આવી ગયું છે.

ભાજપના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ લક્ષદ્વીપના વહીવટકર્તા છે અને અગાઉ તેમણે લીધેલા અમુક નિર્ણયોને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

નવો વિવાદ શાળામાં યુનિફૉર્મને લઈને ઊભો થયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર લક્ષદ્વીપમાં યુનિફૉર્મને લઇને નવા દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બૅલ્ટ, ટાઇ, પગરખાં અને મોજાંને લઇને પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

શાળાનાં બાળકોનાં યુનિફૉર્મને લઇને જાહેર કરવામાં આવેલા આ નિર્દેશોમાં હિજાબ કે સ્કાર્ફને લઇને કંઈ કહેવામાં આવ્યું નથી.

સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, “ આ દિશા-નિર્દેશોનાં ઉલ્લંઘનને ગંભીરતાથી જોવામાં આવશે.”

નવી સૂચનાઓ પ્રમાણે ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓએ હાફ-પૅન્ટ (ચેક્સ ડિઝાઇન) અને વાદળી રંગનાં હાફ-સ્લીવ શર્ટ પહેરવા પડશે. છોકરીઓ માટે સ્કર્ટ (ચેક્સ ડિઝાઇન) અને વાદળી હાફ સ્લીવ શર્ટની જોગવાઈ કરવામાં આવી છે.

બીજી તરફ ધોરણ છ થી બાર સુધીના છોકરાઓને નેવી બ્લુ પેન્ટ અને હાફ સ્લીવ્સ સાથે વાદળી શર્ટ પહેરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે છોકરીઓને નેવી બ્લુ ડિવાઇડર સ્કર્ટ અને વાદળી હાફ સ્લીવ શર્ટ પહેરવાનું કહેવામાં આવ્યું છે.

પરિપત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને જનપ્રતિનિધિઓ સહિત તમામ લોકો આ નવા યુનિફૉર્મથી ખુશ છે.

કૉંગ્રેસે કહ્યું- સંસ્કૃતિ પર હુમલો

મુસ્લિમ મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લક્ષદ્વીપમાં મોટાભાગની વસ્તી મુસ્લિમ છે જેમની પોતાની કેટલીક પરંપરાઓ અને સંસ્કૃતિ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસે વહીવટીતંત્રનાં આ નિર્ણયને સ્થાનિક સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો છે.

લક્ષદ્વીપમાં કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ હમીદુલ્લાહ સઈદે શનિવારે આરોપ લગાવ્યો છે કે આ નવી માર્ગદર્શિકા પ્રદેશની સંસ્કૃતિ અને જીવનશૈલી પર હુમલો છે.

હમીદુલ્લાહે આરોપ લગાવ્યો છે કે, "ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર લક્ષદ્વીપમાં જનવિરોધી નીતિઓ લાગુ કરી રહ્યા છે જે આ ટાપુની સંસ્કૃતિ અને મૂલ્યોની બિલકુલ વિરુદ્ધ છે."

ન્યૂઝ એજન્સી પીટીઈ સાથે વાત કરતા હમીદુલ્લાહે કહ્યું હતું કે, "અમે એવી કોઈપણ માર્ગદર્શિકા લાગુ થવા દઈશું નહીં જે લક્ષદ્વીપની સંસ્કૃતિ અને જીવનશૈલીને નષ્ટ કરી શકે."

મુસ્લિમ બહુમતી ધરાવતાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નવાં દિશા-નિર્દેશો પછી લક્ષદ્વીપનાં સાંસદ મોહમ્મદ ફૈઝલે આરોપ લગાવ્યો છે કે શિક્ષણ વિભાગ હેઠળ ચાલી રહેલી શાળાઓમાં છોકરીઓ માટે હિજાબ કે સ્કાર્ફ પહેરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા મોહમ્મદ ફૈસલે કહ્યું, "માથા પર સ્કાર્ફ અથવા હિજાબનો કોઈ ઉલ્લેખ નથી. આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. અમે તેની સામે રાજકીય અને કાયદાકીય રીતે લડીશું."

બીબીસી ગુજરાતી

વહીવટીતંત્રએ શું દલીલ આપી?

મોહમ્મદ ફૈઝલ

ઇમેજ સ્રોત, @PADIPPURAFAIZAL

ઇમેજ કૅપ્શન, સાંસદ મોહમ્મદ ફૈઝલ

દસમી ઑગસ્ટના રોજ શાળાઓનાં આચાર્યો અને મુખ્ય શિક્ષકોને કરાયેલા એક પરિપત્રમાં લક્ષદ્વીપ વહીવટીતંત્રે કહ્યું છે કે શાળામાં ગણવેશથી એકરૂપતા સુનિશ્ચિત થશે અને બાળકોમાં શિસ્તની ભાવના કેળવાશે.

આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "નિર્ધારિત યુનિફૉર્મ સિવાય અન્ય કંઈપણ વસ્તુ પહેરવાથી બાળકોમાં એકરૂપતાના સિદ્ધાંતને અસર થશે. શાળામાં શિસ્ત અને યુનિફૉર્મ ડ્રૅસ કૉડ જાળવવાની જવાબદારી આચાર્ય અને શાળાના વડાની છે."

સાંસદ મોહમ્મદ ફૈઝલનું કહેવું છે કે આ આદેશ બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટીતંત્ર સામે વિરોધ પ્રદર્શનો થયાં છે અને શાળાના વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો અધિકાર નહીં મળે ત્યાં સુધી વર્ગોનો બહિષ્કાર કરશે.

એક ફેસબુક પૉસ્ટમાં મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે, "લક્ષદ્વીપ વહીવટીતંત્રે અમને ટાપુવાસીઓને એવા સંકટમાં ધકેલી દીધા છે જેનો અમે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નથી. અમારા પર એવા કાયદા લાદવાના પ્રયાસો થઈ રહ્યા છે જે અમે નથી ઈચ્છતા. દારૂ પર પ્રતિબંધ હઠાવવો અને હિજાબ પ્રતિબંધ સૌથી મોટા ઉદાહરણો છે."

મોહમ્મદ ફૈઝલે સામાન્ય લોકોને યુનિફૉર્મ સંબંધિત દિશાનિર્દેશોનો વિરોધ કરવાનું પણ આહ્વાન કર્યું છે.

લક્ષદ્વીપમાં વહીવટીતંત્ર દારૂના વેચાણને પણ મંજૂરી આપવા માટે બિલ લાવવા જઈ રહ્યું છે. તેમના આ પગલા સામે વિરોધ પણ જોવા મળી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

પહેલાં પણ થયો છે વિરોધ

પ્રફુલ પટેલ

ઇમેજ સ્રોત, Twitter/@PRAFULKPATEL

ઇમેજ કૅપ્શન, લક્ષદ્વીપનાં પ્રશાસક પ્રફુલ પટેલ

લક્ષદ્વીપ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં કોઈ વિધાનસભા નથી. રાજ્યની કમાન રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવતા પ્રશાસકનાં હાથમાં હોય છે.

ભાજપના પૂર્વ નેતા પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ અત્યારે લક્ષદ્વીપના વહીવટકર્તા છે.

જોકે લક્ષદ્વીપમાં કોઈ વિવાદ થઈ રહ્યો હોય અને વહીવટીતંત્ર પર આરોપો લાગી રહ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી.

આ પહેલાં પણ વર્ષ 2021માં લક્ષદ્વીપમાં લાવવામાં આવેલા નવા નિયમોને કારણે વિવાદ થતો જોવા મળ્યો હતો.

તે સમયે બીફ પર પ્રતિબંધ, પંચાયત ચૂંટણીમાં બે થી વધારે બાળકો ધરાવતા લોકોના ઉમેદવાર બનવા પર પ્રતિબંધ, લોકોની ધરપકડો અને ભૂમિ અધિગ્રહણ સંબંધિત નવા નિયમોને લઈને વિવાદ થયો હતો.

બીબીસી ગુજરાતી

પ્રશાસક પ્રફુલ પટેલ કોણ છે?

પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ લક્ષદ્વીપના વહીવટકર્તા છે અને તેમણે લીધેલા અમુક નિર્ણયોને કારણે સ્થાનિકોમાં આક્રોશ પ્રવર્તે છે, તેમને લાગે છે કે તેનાથી તેમની સાંસ્કૃતિક તથા ધાર્મિક ઓળખને આઘાત પહોંચશે.

ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલ અને વિવાદ વચ્ચે જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં દમણના સંસદસભ્ય મોહન ડેલકરના મૃત્યુના કેસમાં તેમનું નામ ઊછળ્યું હતું.

2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસના હેવીવૅઇટ ઉમેદવાર સી. કે. પટેેલને પરાજય આપ્યો હતો.

મોદી તેમની ઉપર કેટલો વિશ્વાસ કરતા હશે, તે વાતનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ઍન્કાઉન્ટર કેસમાં અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના આદેશ અપાયા હતા, ત્યારે 2010થી 2012દરમિયાન તેમને રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા હતા.

તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

ભાજપનાં વર્તુળોમાં તેમની ઓળખ 'પાવરફુલ પટેલ' તરીકે થાય છે, જે રાજકારણમાં 'ડાર્ક હૉર્સ' મનાય છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી