ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર, હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, bipin tankaria
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થઈ ગયું છે જેની સાથે હવે વરસાદનું જોર વધશે અને વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી જ વરસાદી ગતિવિધિઓ સીમિત હતી. હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે.
હાલ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન મધ્ય પ્રદેશ પર બનેલું છે, એક સાયકલૉનિક સર્ક્યુલેશન છત્તીસગઢ પર બનેલું છે. ઉપરાંત એક નવી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે જે મજબૂત થઈને લૉ-પ્રેશર એરિયા બનશે. આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે.
આ તમામ સિસ્ટમોના પ્રભાવને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્યમથી હળવો વરસાદ પાંચ દિવસ સુધી રહી શકે છે.

ગુજરાતમાં કઈ તારીખ સુધી હજી વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં આવનારા ત્રણ દિવસોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
18 જુલાઈથી જ રાજ્યમાં વરસાદનું જોર અને તેનો વિસ્તાર વધી ગયો છે. ગુજરાતમાં 22 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
19 જુલાઈથી 21 જુલાઈ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ પડી રહ્યો છે અને આ મહિનાનો છેલ્લા અઠવાડિયામાં પણ હવે સારો વરસાદ થાય તેવી સંભાવના છે.
25 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જે વિસ્તારોમાં હાલ વરસાદ નથી ત્યાં પણ આ પાંચ દિવસમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે?

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા કચ્છના વિસ્તારોમાં વરસાદ નહોતો. હાલની સ્થિતિ પ્રમાણે આ તમામ વિસ્તારોમાં હવે વરસાદી ગતિવિધિ જોર પકડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 19 જુલાઈના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.
19 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તથા જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. વડોદરા, આણંદ, બોટાદ, ખેડા, અમદાવાદ ના કેટલાક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આજે વરસાદી ગતિવિધિ વધશે અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 20 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.
અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. પૂર્વ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આવનારા પાંચ દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં સતત વરસાદી ગતિવિધિ ચાલતી રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.

વરસાદ ક્યાં કેટલો પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથના સૂત્રાપાડામાં પડ્યો છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 541 મિલી વરસાદ પડ્યો છે. ગીર- સોમનાથના જ વેરાવળમાં 481 મિલી વરસાદ પડ્યો, જ્યારે તલાળામાં 299 મિલી વરસાદ અને કોડિનારમાં 218 મિલી વરસાદ પડ્યો છે.
રાજકોટના ધોરાજીમાં 295 મિલી, જામકંડોરણામાં 176 મિલી, ઉપલેટામાં 119 મિલી વરસાદ પડ્યો છે.
જૂનાગઢના માંગરોળમાં 193 મિલી, મેંદરડામાં 108 મિલી, માળિયા-હાટિનામાં 106 મિલી વરસાદ નોંધાયો છે.
તો સુરત શહેરમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 104 મિલી વરસાદ પડ્યો છે.
વલસાડ અને વાપીમાં પણ 100 મિલી કરતાં વધારે વરસાદ પડ્યો છે. આણંદના પેટલાદમાં પણ 100 મિલી વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યનો આ સિઝનનો કુલ 55% વરસાદ વરસી ચૂક્યો છે.
























