ડૉ. સુમંત મહેતા: વ્યવસાયે તબીબ, જાહેરજીવનમાં અનેક સંસ્થાઓ સ્થાપી સક્રિય રહેનાર સ્વાતંત્ર્યસેનાની ગુજરાતી

ઇમેજ સ્રોત, AATMAKATHA
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પહેલાંથી જાહેર જીવનમાં સક્રિય, લાંબા સમય સુધી વડોદરાના રાજપરિવારના અંગત અને રાજ્યના જાહેર તબીબ તરીકે સેવાઓ આપનાર ડૉ. સુમંત મહેતા તેમની સ્વતંત્ર વિચારસરણી, સ્પષ્ટ અભિવ્યક્તિ અને સામાજિક-સાંસ્કૃતિક કામગીરી માટે જાણીતા હતા. ગુજરાતનાં અગ્રણી સેવાભાવી દંપતિઓમાં ડૉ.સુમંત મહેતા-શારદા મહેતાનું નામ પહેલી હરોળમાં લઈ શકાય.
સુધારાવાદી-માથાફરેલ જુવાન

ઇમેજ સ્રોત, Aatmakatha
સુરતમાં જન્મેલા અને સુધારાના સંસ્કાર ધરાવતા સુમંત મહેતાના નાના નંદશંકર મહેતા ગુજરાતની પહેલી નવલકથા ગણાતી ‘કરણઘેલો’ના લેખક હતા. પિતા બટુકરામ ડૉક્ટર રૂઢિચુસ્તતાની બધી મરજાદ બાજુ પર મુકીને ડૉક્ટર થયા હતા. બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાના ડૉક્ટર હોવાથી, સુમંતભાઈનું બાળપણ વડોદરામાં વીત્યું.
મેટ્રિક પાસ થતાં સુધીનું ભણતર વડોદરા અને મુંબઈમાં લીધા પછી ડૉક્ટર બનવા માટે તેઓ મુંબઈની ગ્રાન્ટ મૅડિકલ કૉલેજમાં દાખલ થયા. કસરત, ઘોડેસવારી, ક્રિકેટ જેવી રમતોનો અને ફરવાનો તેમને પહેલેથી શોખ હતો. તબીબી વિદ્યાર્થી તરીકે સાંજના અંધારાના સમયે, આખા હૉલમાં તેઓ એકલા જ હોય ને મૃતદેહની ચીરફાડ કરતા હોય, ચોતરફ મૃતદેહો ખડકાયેલા હોય, છતાં, તેમને જરા સરખો પણ થડકારો થતો નહીં. તે વખતે તેમને જીવન વિશેના ફિલસૂફીભર્યા વિચારો આવતા હતા.
સામાજિક રીતરિવાજોની બાબતમાં પણ તેઓ ચાલુ પ્રવાહથી અલગ ચાલનારા હતા. કૉલેજમાં તેમણે પોતાની અટક ‘ડૉક્ટર’માંથી બદલાવીને ‘મહેતા’ કરાવી. બ્રિટન જઈને તબીબી અભ્યાસ કરીને પાછા આવતાં પહેલાં લગ્ન કરવું નહીં, એવું તેમણે નક્કી કર્યું હતું. પરંતુ તેમના પિતાએ એવો આગ્રહ રાખ્યો કે તે પરણીને જ બ્રિટન જાય. એટલે સુધારક પરિવારનાં શારદાબેન ધ્રુવ સાથે 1898માં તેમનું લગ્ન થયું. ત્યાર પછી તરત તે ઇંગ્લેન્ડ જવા ઉપડી ગયા. શારદાબહેનના બનેવી, જાણીતા સુધારક રમણભાઈ નીલકંઠ તે લગ્નમાં મધ્યસ્થી હતા.
માન્ચૅસ્ટરમાં તબીબી અભ્યાસ દરમિયાન અને યુરોપમાં ફરીને સુમંતભાઈએ ત્યાંની સંસ્કૃતિ, રહેણીકરણી, લોકો, રીતભાત વગેરેનો ઊંડો પરિચય કેળવ્યો. કોઈનાથી પ્રભાવિત થવાનું તેમની પ્રકૃતિમાં ન હતું. એટલે પ્રચલિત છાપથી વિરુદ્ધ, ઇંગ્લૅન્ડની કૉલેજમાં જોયેલી વિદ્યાર્થીઓની ગેરશિસ્ત જેવી બાબત પણ તેમણે નોંધી. તેમની આત્મકથાનું સંપાદન કરનાર ભોગીલાલ ગાંધીએ તેમને માટે ‘નોનકન્ફર્મિસ્ટ’ (સ્થાપિત માન્યતાઓથી બંધાય નહીં એવા) જેવું વિશેષણ વાપર્યું છે. ખુદ સુમંતભાઈએ લખ્યું હતું, ‘મારામાં કુલીનતાવાદી કટુતા (એરિસ્ટોક્રેટિક સિનીસીઝમ) છે. કોઈનાથી દબાઈ જવું નહીં, ડરવું નહીં, હારવું નહીં, ગભરાઈ જવું નહીં, સુખદુઃખ હસતાં હસતાં ખમવાં, પ્રજામતથી દબાઈ જવું નહીં, અંતરના આદર્શ પ્રમાણે વર્તવું—એ બધું મારા પિતા તરફથી ઊતરી આવેલું અને તેમનામાં હતું એના કરતાં વધારે ખીલેલું.’
વડોદરામાં અંગત અને જાહેર જીવન

ઇમેજ સ્રોત, Aatmakatha
સાડા ચાર વર્ષ સુધી ઇંગ્લૅન્ડમાં રહીને અને યુરોપના કેટલાક દેશોમાં ફરીને 1902ના અંતમાં ડૉ. સુમંત મહેતા પાછા આવ્યા. તેમની ઇચ્છા મુંબઈમાં ખાનગી પ્રેક્ટિસ કરવાની હતી, પણ પિતાજીની કથળેલી તબિયત, માતાના અવસાન પછી બે ભાઈ અને એક બહેનની ભણવાની જવાબદારી અને કુટુંબના સંજોગો—બધું વિચારીને તેમણે મહારાજા ગાયકવાડના અંગત મંત્રી બનેલા તેમના મામા મનુભાઈ મહેતાની સલાહ સ્વીકારી અને વડોદરા રાજમાં ડૉક્ટર તરીકે મહિને રૂ.150 પગાર સાથેની નોકરી લીધી.
શરૂઆતમાં તેઓ મહારાજાના ડૉક્ટર બન્યા. તેમની સાથે તે ચર્ચા કરતા અને બિલિયર્ડ પણ રમતા. પછી તેમને મોટા દવાખાનામાં નીમવામાં આવ્યા. ત્યાં અસ્પૃશ્યો સાથે રખાતી આભડછેટ પાળવાનો ડૉ. મહેતાએ ઇનકાર કર્યો. પરદેશથી આવ્યા પછી તેમનું પદ્ધતિસરનું લગ્નજીવન શરૂ થયું. સામાન્યપણે ઓછું હળતાભળતા સુમંતભાઈનો વડોદરાના દીવાન રોમેશચંદ્ર દત્ત પરિવાર સાથે તથા ન્યાયાધીશ તરીકે કામ કરતા અબ્બાસ તૈયબજી પરિવાર સાથે ગાઢ નાતો બંધાયો. વડોદરામાં વિવિધ સંસ્થાઓ અને સાંસ્કૃતિક જીવન શરૂ કરવામાં પણ સુમંતભાઈ-શારદાબહેનની સક્રિય ભૂમિકા રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્યાવસાયિક અને સામાજિક રીતે વડોદરામાં ડૉ. મહેતા ગોઠવાઈ ગયા હતા. થોડા સમય માટે તેમની પાસે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો વધારાનો ચાર્જ હતો, ત્યારે તેમણે જેલસુધારણાની દિશામાં પણ થોડા પ્રયાસ કર્યા હતા. 1910માં તે મહારાજાના કાફલા સાથે તેમના ડૉક્ટર તરીકે ચીન, જાપાન થઈને યુરોપના પ્રવાસે ગયા. ત્યાં મહારાજાની વર્તણૂકના અવનવા અનુભવોથી મન ખિન્ન થયું. વડોદરા અને નવસારીમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી, 1914માં તેમણે ડૉક્ટર તરીકેની કામગીરી છોડી.
ગાંધીજીની સાથે અને સમાંતરે

ઇમેજ સ્રોત, Aatmakatha
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. મહેતાનો વિચાર ગોપાલકૃષ્ણ ગોખલેના હિંદ સેવક સમાજ (સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી)માં જોડાવાનો હતો, પણ ગોખલે ત્યારે ઇંગ્લૅન્ડ હતા. એટલે ડૉ. મહેતાએ વડોદરામાં કેમિકલ એનલાઇઝરનું કામ કરવાનું નક્કી કર્યું. બંગલામાં રહેવાને બદલે સામાન્ય ઘર રાખ્યું, જેથી લોકજીવનના પ્રશ્નો અને તેની લાક્ષણિકતાઓને નજીકથી જોવા મળે. ગોખલેનું 1915માં અવસાન થયું અને હિંદ સેવક સમાજની કેટલીક શરતો સાથે ડૉ. મહેતાનો મેળ બેઠો નહીં. એટલે તેમણે સ્વતંત્ર કામગીરીની દિશામાં આગળ વધવાનું વિચાર્યું.
તેઓ ગાયકવાડી રાજનું કામ સાવ છોડી ન દે એટલા માટે તેમને છ માસની રજા આપવામાં આવી. ત્યાર પછી સેનેટરી ઇન્સ્પેક્ટર જેવું તેમની સેવાવૃત્તિને અનુકૂળ કામ આપવામાં આવ્યું. મહારાજા સાથે સંબંધોના ચઢાવઉતાર છતાં, એ તેમને નોકરીમાંથી છોડવા તૈયાર ન હતા. છેવટે, 1921માં તે શક્ય બન્યું અને ડૉ. મહેતા સંપૂર્ણપણે જાહેર જીવનમાં આવ્યા.
ગાંધીજી વિશે ડૉ. મહેતાના મનમાં મિશ્ર ભાવ રહ્યો. તેઓ ભારપૂર્વક કહેતા હતા કે ગાંધીજીના આવતાં પહેલાં દેશમાં કે પ્રાંતમાં અંધકાર ન હતો. ગાંધીજી પર ઠલવાતાં વધુ પડતા આદરના તેમ જ ગાંધીજીના તેમને આત્યંતિક લાગતા કેટલાક વિચારોના તે વિરોધી હતા. સાથોસાથ, તે માનતા હતા કે ગાંધીજીનું નેતૃત્વ અદ્વિતિય હતું અને સમાજમાંથી પ્રેરક બળો શોધી કાઢવાં, લડતના માર્ગો શોધવા, સમાજની શક્તિ માપીને તેને દોરવી, એ સમજવાનું અને માપ કાઢવાનું કામ ગમે તે માણસ કરી શકે નહીં, તે ગાંધીજી કરી શક્યા.
ગાંધીજીની સંપૂર્ણ આગેવાની સ્વીકારીને કોઈ કામ કરવાનું તેમને અનુકૂળ ન હતું. કૉંગ્રેસ સાથે પણ તેઓ ક્યારેક જોડાયા હશે, પણ કદી ઓતપ્રોત ન થયા. છતાં ખેડૂત પરિષદની, રેલરાહતની, દેશી રાજ્યોમાં પ્રજામંડળની અને કિસાન મંડળોની કામગીરીમાં ડૉ. મહેતા ઊલટભેર સક્રિય રહ્યા. બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમણે સરભોણની છાવણી સંભાળી. 1930ની લડતમાં પહેલી વાર તેમણે જેલવાસ વેઠ્યો. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ડૉ.મહેતા અને શારદાબહેનને આત્મીય સંબંધો હતા. ઇન્દુલાલ ગાંધીજી અને કૉંગ્રેસથી અલગ અને સામે થયા, ત્યારે પણ મહેતાદંપતિએ તેમનો સાથ ન છોડ્યો. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની અને સામાન્ય ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે તેમણે ઘણું કામ કર્યું.
શબ્દસ્મૃતિ

ઇમેજ સ્રોત, URVISH KOTHARI
સત્તા અને હોદ્દાની મોહિનીથી સદા દૂર રહેલા ડૉ. સુમંત મહેતાનું અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલું નિવાસસ્થાન ‘જ્યોતિર્ધર’ ફક્ત રાજ્યના જ નહીં, દેશના જાહેર જીવનના અગ્રણીઓ માટે એક જવા જેવું ઠેકાણું બની રહ્યું. કૉંગ્રેસના એકચક્રી રાજના એ જમાનામાં બીજી વિચારધારાના નેતાઓના કાર્યક્રમો ગોઠવવામાં મહેતા દંપતી મદદરૂપ થતું હતું. પોતાને જે ઠીક લાગે તે કરતાં બીજું કોઈ નારાજ થશે એવી પરવા ડૉ. મહેતાએ કદી કરી ન હતી.
તેમણે 1896થી 1936 સુધી ડાયરી લખી હતી, પણ તેનો તેમણે જાતે નાશ કર્યો. પરંતુ હાથે લખેલાં બે હજાર પાનાંની આત્મકથાની હસ્તપ્રત સચવાયેલી હતી. તેમાંથી વિવેકપૂર્વક સંક્ષેપ અને સંપાદન કરવાનું કામ યોગ્ય વ્યક્તિઓ ન મળવાથી કે એવી વ્યક્તિઓ પાસે સમયનો અભાવ હોવાથી ઠેલાતું ગયું. ભોગીલાલ ગાંધીએ તે કામ ઉપાડ્યું અને પાર પાડ્યું. 1971માં પ્રકાશિત ‘આત્મકથા’માં ભોગીલાલે નોંધ્યા પ્રમાણે, ગ્રંથની સામગ્રી તૈયાર થયા પછી શારદાબહેને તે છપાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પણ કોણ છાપે તે સવાલ હતો. કેમ કે, પ્રકાશકોને તેમાં રસ ન હતો.
19મી સદીના અંતભાગના જાહેર જીવનનો વિગતવાર ખ્યાલ આપતાં જૂજ ગુજરાતી પુસ્તકોમાં સ્થાન પામે એવી આ આત્મકથાને કોઈ પ્રકાશક ન મળે, તે આત્મકથાના દળદારપણા (આશરે 475 પાનાં) ઉપરાંત પ્રાંતની સાંસ્કૃતિક દરિદ્રતાનું પણ સૂચક નથી? ડૉ. સુમંત મહેતાનાં હાથે લખેલાં 300 પાનાંમાંથી સંપાદન કરીને ભોગીલાલ ગાંધીએ ‘મારી જેલ ડાયરી’ તૈયાર કર્યું, જે 1986માં પ્રગટ થયું. ત્યાર પહેલાં 1964માં રન્ના પ્રભુદાસ પટવારીએ ડૉ. સુમંત મહેતાના સંસ્મરણાત્મક લેખોના પુસ્તક ‘જીવન સંભારણાં’નું સંપાદન કર્યું હતું. તેમાં અનેક મહાનુભાવો સાથેનાં ડૉ. મહેતાનાં વિશિષ્ટ સંભારણાં આલેખાયાં હતાં.
ડૉ. મહેતાનાં છેલ્લાં વર્ષો બીમારીમાં ગયાં. 15 ડિસેમ્બર 1968ના રોજ તેમનું અવસાન થયું. છેલ્લા ઘણા દાયકાથી ગુજરાતના જાહેર જીવનમાં ડૉ.સુમંત મહેતાનું નામ સદંતર ભૂંસાઈ ચૂક્યું છે.
- બહેરામજી મલબારી : આંતરરાષ્ટ્રીય પ્રશંસા પામનાર સુધારક યુગના અંગ્રેજી પત્રકાર-સમાજસુધારક
- બચુભાઈ રાવત : એક પણ પુસ્તક લખ્યા વિના ગુજરાતની ત્રણ પેઢીઓનાં ઘડતરમાં ફાળો આપનાર સંપાદક
- ભિક્ષુ અખંડાનંદ: ગુજરાતમાં ઘેરઘેર 'સસ્તું સાહિત્ય' પહોંચાડનાર પુસ્તકપ્રસારના ભેખધારી સંન્યાસી
- નાનાભાઈ ભટ્ટ : ગુજરાતમાં બુનિયાદી શિક્ષણ આપનારી લોકશાળાઓનો પાયો નાખનારા કેળવણીકારની કહાણી
- ડૉ. નીલકંઠરાય છત્રપતિ: એ ડૉક્ટર જેમણે દૃષ્ટિ ગુમાવ્યા બાદ અંધજનો માટે આયખું ખર્ચી નાખ્યું
- હાજી મહંમદ અલ્લારખિયા શિવજી : એવા ગુજરાતી જેમના મૅગેઝિનમાં મહંમદઅલી ઝીણાએ કર્યો પોતાના 'દિલનો એકરાર'
- હરિપ્રસાદ વ્યાસ : ગુજરાતી બાળસાહિત્યના અમર પાત્ર 'બકોર પટેલ'ના સર્જકની અજાણી સર્જનકહાણી
- છોટુભાઈ પુરાણી : માયકાંગલા હોવાનું મહેણું ખાતા ગુજરાતીઓમાં અખાડાપ્રવૃત્તિથી પરાક્રમ પ્રગટાવનાર ગુજરાતી






















