'વ્યાપમ'નાં દસ વર્ષ : એક બાદ એક 40 લોકોનો ભોગ લેનારા કૌભાંડની અસલ કહાણી શું છે?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, ભોપાલથી
  • પ્રકાશિત

વર્ષ 2012માં એક 19 વર્ષીય છોકરીનો મૃતદેહ ઉજ્જૈનમાં રેલવે ટ્રૅક પરથી મળ્યો, પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ બતાવાયું. આનાથી એવો સવાલ ઊઠવાનું સ્વાભાવિક હતું કે જો ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હોય તો મૃતદેહ રેલવે ટ્રૅક પાસે કેવી રીતે પહોંચી ગયો?

પોલીસે અગાઉ આને હત્યા માની, આદિવાસી છોકરીના મૃતદેહને બિનવારસી ગણાવીને દફન કરી દેવાયો, બાદમાં ફરી એક વાર પોસ્ટમૉર્ટમ કરાવાયું અને ઘટનાને એક આત્મહત્યા ગણાવાઈ.

ઝાબુઆ જિલ્લાનાં નમ્રતા ડામોરના પિતા મેહતાબસિંહે થોડા દિવસ અગાઉ મને કહ્યું હતું કે, “નમ્રતાને વ્યાપમ સાથે સંકલાયેલા મામલાની જાણકારી મળી ગઈ હતી તેથી તેને મારી નખાઈ.”

જ્યારે મેહતાબસિંહ મારી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જાણે મારાં કમકમાં છૂટી રહ્યાં હતાં કારણ કે જે સોફા પર હું બેઠો હતો, તેના પર જ વર્ષ 2015ની એક બપોરે મારા જ જેવો એક પત્રકાર બેઠો હતો, એ અચાનક જ મોતને ભેટ્યો હતો.

નમ્રતા ડામોરના સંદિગ્ધ મૃત્યુ અને વ્યાપમ ગોટાળા સાથે જોડાયેલા તારોની તપાસ કરતાં આઠ વર્ષ પહેલાં ‘આજતક’ના રિપોર્ટર અક્ષયસિંહ મેહતાબસિંહના ઘરે પહોંચ્યા હતા. મેહતાબસિંહે જણાવ્યું કે, “ચા પીધા બાદ અક્ષયસિંહના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું અને અચાનક તેમનું મૃત્યુ નીપજ્યું.”

વ્યસાયિક પરીક્ષા મંડલ (વ્યાપમ) ગોટાળા સાથે જોડાયેલા લગભગ 40 લોકોનાં સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયાં છે જેને આ ભરતી કૌભાંડને ભયાનક અને રહસ્યમય બનાવી દીધો છે, આ મામલા અંગે લોકો વાત કરવાનું ટાળે છે, પત્રકારો પણ આ મામલાનાં મૂળ સુધી પહોંચવાના પ્રયત્નોને ખતરનાક ગણાવે છે જ્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે આ બધાં મૃત્યુ સ્વાભાવિક હતાં અને તેમના વ્યાપમ સાથે કોઈ લેવાદેવા નથી.

આ સંખ્યાબંધ શંકાસ્પદ મૃત્યુ બાદ જાણીતી મૅગેઝિન ‘ઇકૉનૉમિસ્ટ’એ પરીક્ષા કૌભાંડ અંગેના તેના રિપોર્ટને ‘ડાયલ એમ ફૉર મધ્યપ્રદેશ’ શીર્ષક આપ્યું હતું. ‘ઇકૉનૉમિસ્ટ’એ પોતાના રિપોર્ટમાં લેવડદેવડની કુલ અનુમાનિત રકમ ત્રણ અબજ ડૉલર એટલે કે 240 અબજ રૂપિયાની ગણાવી હતી.

વ્યાપમની વ્યાપક જાળ અને રાજકારણ

વર્ષ 2013માં વ્યાપમ ગોટાળા સાથે જોડાયેલા શરૂઆતના મામલા સામે આવ્યા બાદથી માંડીને અત્યાર સુધી આ કેસમાં કોઈને કોઈ હલચલ થતી રહી છે.

લેટેસ્ટ અપડેટ એ છે કે વ્યાપમ ગોટાળાની તપાસને લઈને ઇન્દૌર હાઇકોર્ટમાં 10 ઑગસ્ટના રોજ અરજી દાખલ કરાઈ છે. મામલાને બહાર લાવવામાં આગળ પડતી ભૂમિકા ભજવનાર પારસ સકલેચાએ કોર્ટને અરજી કરી છે કે તેમની ડિસેમ્બર 2014થી પેન્ડિંગ પડેલી ફરિયાદમાં નિશ્ચિત સમયમર્યાદાની અંદર કાર્યવાહી કરવાનો હુકમ જાહેર કરવામાં આવે.

પોતાની ફરિયાદમાં રતલામના ભૂતપૂર્વ અપક્ષ ધારાસભ્ય પારસ સકલેચાએ રાજ્યના મુખ્ય મંત્રીથી માંડીને, મોટા અધિકારીઓ અને પ્રાઇવેટ મેડિકલ કૉલેજોની તપાસની માગ કરી હતી. સકલેચા વર્ષ 2017થી કૉંગ્રેસ પાર્ટીના સભ્ય છે.

પારસ સકલેચા કહે છે કે તેમણે વર્ષ 2009માં જ પ્રી-મેડિકલ ટેસ્ટ (પીએમટી) ગોટાળાની જાણકારી મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આપી દીધી હતી. જે બાદ ગોટાળાની તપાસ માટે ડિસેમ્બર મહિનામાં સમિતિની રચના પણ કરાઈ હતી.

મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આરોપોને વાંરવાર નિરાધાર ગણાવ્યા છે, તેમનો દાવો છે કે વ્યાપમ સાથે જોડાયેલા મામલામાં તેમણે નક્કર કાર્યવાહી કરી છે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગોવિંદ માલૂ આ આરોપોને નિરાધાર ગણાવે છે અને કહે છે કે મામલામાં જે પણ પહેલ થઈ એ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાતે વ્યવસ્થાને દુરસ્ત કરવા માટે કરી.

તમામ પ્રકારનાં રાજકીય હંગામા, દબાણ, અને મુખ્ય મંત્રી કાર્યાલયના એક અધિકારીની ધરપકડ છતાં શિવરાજસિંહ ચૌહાણની ક્યારેય આ મામલાને લઈને પૂછપરછ પણ નથી થઈ. સ્વાભાવિકપણે તેમની સામે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ નથી કરાયો.

રતલામના પોતાના ઘરે બીબીસી સાથેની વાતચીતમાં સકલેચાએ કહ્યું હતું કે, “સમિતિ રચના અને મુખ્ય મંત્રી દ્વારા કડક કાર્યવાહીના આશ્વાસન છતાં ચાર વર્ષ સુધી ગોટાળો ચાલતો રહ્યો બલકે તેનો વ્યાપ વધુ ને વધુ થતો ગયો. આના કારણે લાગે છે કે ગોટાળાને રોકવા માટે મુખ્ય મંત્રી ગંભીર નહોતા. તમારી પાસે વિભાગ છે, તમે તપાસની વાત પણ કરી રહ્યા છો, તેમ છતાં ગોટાળો ચાલુ રહે છે, તેથી અમે કહી રહ્યા છીએ કે આમાં શિવરાજસિંહ ચૌહાણની ભાગીદારીની પણ તપાસ થવી જોઈએ.”

ઘણા પરિવાર થયા બરબાદ

આ માત્ર પત્રકાર અક્ષયસિંહ અને વિદ્યાર્થિની નમ્રતા ડામોરની જ વાત નથી, શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલાં લગભગ 40 મૃત્યુને કારણે ભારે સંખ્યામાં પરિવાર બરબાદ થયા છે.

ગોટાળાના એક આરોપી રાજીવ કહે છે કે, “આના ચક્કરમાં ફસાઈને ઘણા પરિવાર તબાહ થઈ ગયા. ભારે માનસિક તાણને કારણે લોકોએ આત્મહત્યા કરી, લગ્નો તૂટ્યાં, ઘણાનાં માતાપિતા આ જ દુ:ખ સાથે મૃત્યુ પામ્યાં.”

આવો જ એક મામલો ગ્વાલિયરનો છે, ગોટાળામાં નામ આવ્યા બાદ ગજરાજ મેડિકલ કૉલેજથી એમબીબીએસ કરી ચૂકેલા રામેન્દ્રસિંહે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવાન દીકરાના મૃત્યુના દુ:ખમાં થોડા દિવસ બાદ જ માએ તેજાબ ગટગટાવી લીધો અને તેમનું પણ મૃત્યુ થયું હતું.

દીકરા અને પત્નીનાં મૃત્યુ બાદ 62 વર્ષના નારાયણસિંહ ભદૌરિયા કહે છે કે, “ચાર દિવસની અંદર જ દીકરો અને પત્નીને ગુમાવ્યા બાદ મને મરવાની ઉતાવળ છે, હવે જીવવાની કોઈ ઇચ્છા નથી.”

વ્યાપમના ફંદામાં ફસાયેલા યુવાનોની હાલત

આ ગોટાળામાં વચેટિયા, નેતા અને ઑફિસરોના નેટવર્કે 20-22 વર્ષના યુવાનોને પૈસાની બદલે પીએમટી, ઇજનેરી વગેરેની પ્રવેશપરીક્ષાઓમાં ખોટી રીતે પાસ કરાવીને ઍડમિશનનું સપનું વેચ્યું. હવે મધ્યપ્રદેશના સેંકડો યુવાનો અનેક મહીના જેલના સળિયા પાછળ પસાર કર્યા બાદઆજેય કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે.

પોતાના જીવનની કહાણી શેખરે એક વાક્યમાં કહી સુણાવી, “અમને કહેવાયું કે અમારી આગળ બેઠેલી વ્યક્તિની જવાબવહીમાંથી જવાબો કૉપી કરવાના છે, આવી રીતે અમે પીએમટી પાસ કરી લીધી, કૉલેજમાં ઍડમિશનેય થઈ ગયું, બાદમાં પ્રદેશમાં વ્યાપમ નામક ગોટાળો સામે આવ્યો, અમારી વિરુદ્ધ ગુનાઈત મામલો દાખલ કરાયો, અમને કૉલેજમાંથી કાઢી મુકાયા, જેલ થઈ, સાત-આઠ મહિના જેલમાં પસાર કરવાપડ્યા, હાલ હાઇકોર્ટમાંથી જામીન મળતા બહાર છીએ.”

વ્યાપમની ફંદામાં ફસાયેલા વધુ એક યુવાન રાજીવ કહે છે કે, “અમે ફસાઈ ગયા છીએ, ક્યાંયના ન રહ્યા! અમારાં દસ વર્ષ નીકળી ગયાં, કદાચ અમને સજા પણ થઈ જશે, આવી રીતે અમારા જીવનનાં કુલ 17 વર્ષ નીકળી જશે. 17 વર્ષ બાદ મને નથી લાગતું કે અમારા જીવનનો કોઈ અર્થ રહેશે.”

મધ્યપ્રદેશના એક નાના કસબામાં ઊછરેલા રાજીવનું સ્વપ્ન હંમેશાંથી પીએમટી પાસ કરવાનું હતું, પરંતુ પીએમટીમાં સતત બે વખત નિષ્ફળતા મળ્યા બાદ તેમના પરિવારજનોએ એક વચેટિયાને પાંચ લાખ રૂપિયા આપ્યા. આ નાણાંને બદલે વચેટિયાએ રાજીવને એક વ્યક્તિ ઉપલબ્ધ કરાવી જેણે તેમના બદલે પરીક્ષા આપી હતી.

લંબાતી જઈ રહેલી તપાસપ્રક્રિયાનાં દસ વર્ષોમાં રાજીવ અને શેખરનાં જીવનમાંય સ્પષ્ટ બદલાવ જોવા મળી રહ્યા છે, એક સમયે ડૉક્ટર બનવાનું સ્વપ્ન સેવનાર રાજીવ હવે અમુક વાર પિતાની લોટ દળવાની ઘંટીમાં મદદ કરે છે, શેખર હવે ગુજરાન ચલાવવા માટે એક ખાનગી કંપનીમાં નાની-મોટી નોકરી કરે છે. બંનેની ઉંમર 30 વર્ષ કરતાં વધુ થઈ ચૂકી છે.

શેખર પોતાના પૈતૃક ગામમાં નથી રહેતા, કારણ કે તેઓ ‘લોકો સાથે નજર નથી મેળવી શકતા.’ તેઓ કહે છે કે, “મારા કરતાં વધુ દુ:ખ તો મારાં વૃદ્ધ માબાપે વેઠવું પડી રહ્યું છે.”

રાજીવ કહે છે કે એવી ગેરમાન્યતા છે કે તેમના જેવા લોકો ખૂબ ધનવાન હતા. અમુક લોકો પાસે કદાચ એક-બે વીઘા જમીન હતી જે વેચીને તેમણે વચેટિયાને પૈસા ચૂકવ્યા હતા. તેમણે એ લોકોને ચૂકવવા માટે વ્યાજે પૈસા લેવા પડ્યા હતા.

હાઇકોર્ટના વકીલ ઉમેશ બોહરેએ રાજીવ અને શેખર જેવા 50 કરતાં વધુ લોકોના જામીન કરાવ્યા છે, તેઓ કહે છે કે વ્યાપમ ગોટાળામાં ‘જેઓ સારા પરિવારમાંથી આવે છે એ બચી જશે અને ગરીબોનો મરો થશે.’ ન્યાયવ્યવસ્થા સાથે જોડાયેલી એક વ્યક્તિ પ્રમાણે જેમણે મેડિકલ-ઇજનેરી કે અન્ય કોર્સમાં ઍડમિશન માટે લાંચ કે છેતરપિંડીનો આશરો લીધો તેમની સાથે કોઈ પણ પ્રકારનો સમભાવ કેમ વ્યક્ત કરાય?

‘એન્જિન-બોગી સિસ્ટમ’ કેવી રીતે કામ કરતી?

સરકારી સંસ્થા 'વ્યાપમ' પ્રદેશની ટેકનિકલ શિક્ષણ આપતી કૉલેજોમાં પ્રવેશ માટે પરીક્ષા કરાવવા માટે જવાબદાર છે. એ સરકારી નોકરીઓમાં ભરતી માટે પરીક્ષા કરાવવા માટે પણ જવાબદાર છે.

બિહારના ચારા ગોટાળા કરતાં પણ મોટું ગણાવાતું આ પરીક્ષા કૌભાંડમાં પોલીસ પ્રમાણે મેડિકલ-ઇજનેરી વગેરે પ્રવેશપરીક્ષાઓમાં ઉમેદવારોના સ્થાને જવાબ અન્યો દ્વારા લખાવાતા. જવાબવહી પરીક્ષા ખતમ થયા બાદ ભરાતી.

આ સમગ્ર વ્યવસ્થાને ‘એન્જિન-બોગી સિસ્ટમ’ કહેવાતી, આ વ્યવસ્થામાં બેઠકવ્યવસ્થા એવી રીતે ગોઠવાતી કે જેથી આગળ-પાછળ બેઠેલા પરીક્ષાર્થી કૉપી કરી શકે.

બીજાના સ્થાને પરીક્ષા આપનારા લોકોના જવાબોની નકલ અન્યોને કરવાનું કહેવાતું, મોટા ભાગના મામલામાં એ બધા પહેલાંથી જ મેડિકલ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ જ હતા અને એ બધાને પૈસા આપીને અન્ય શહેરોમાંથી લવાતા, તેમને 'સૉલ્વર' કહેવાતા.

સીબીઆઈએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે આ સૉલ્વરોને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર જેવા પ્રદેશોથી લાવવામાં આવતા. મોટા ભાગના મામલામાં આ સૉલ્વર કાં તો મેડિકલ કૉલેજના વિદ્યાર્થી હતા કાં તો કોચિંગમાં પીએમટીની તૈયારી કરી રહેલા તેજસ્વી વિદ્યાર્થી હતા.

યુવાનો આ ચુંગાલમાં કેવી રીતે ફસાતા?

રાજીવ અને શેખર એકબીજાથી સેંકડો કિલોમીટરના અંતરે રહેતા, પરંતુ બંનેનાં જીવન લગભગ સમાન છે. બંને પીએમટી પાસ કરવામાં નિષ્ફળ રહેતા અને પરિવારજનોના દબાણનો સામનો કરી રહ્યા હતા, જે બાદ તેમણે વચેટિયાનો વિકલ્પ પસંદ કર્યો.

શેકર પ્રમાણે, તેમના જેવા જ લોકો વ્યાપમ ગોટાળા નેટવર્કના ટાર્ગેટ હતા, “આ તેમની માર્કેટિંગ વ્યૂહરચના હતી જેના કારણે અમારો તેમની સાથે સંપર્ક થયો.”

રાજીવના મામલામાં તેમના ભાઈના સંબંધીએ તેમના કસબામાં સંપર્ક કરીને કહ્યું કે પરેશાન થવા કરતાં સારું છે કે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરો, મેડિકલ કૉલેજમાં સિલેક્શન પાકું થઈ જશે, 20-25 હજાર રૂપિયા ઍડ્વાન્સ આપ્યા બાદ ડૉક્યુમૅન્ટ લઈ લેવાયા અને તેમને કહેવાયું કે તેમના સ્થાને અન્ય કોઈ વ્યક્તિ પીએમટીમાં બેસશે અને તેમનું નામ ઍડમિશન લિસ્ટમાં સામેલ થઈ જશે. જે બાદ તેમને એક સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ પણ મળી ગયો.

રાજીવ જણાવે છે કે, “અમે જ્યારે ઍડમિશન લેવા ગયા ત્યારે ત્યાં આખી કમિટી બેઠી હતી. તેમણે અમારા દસ્તાવેજો જોયા છતાં ઍડમિશન આપી દીધું, આવું ત્યારે થયું જ્યારે અમારા એડમિટ કાર્ડમાં અમારા સ્થાને પરીક્ષા આપનાર વ્યક્તિની તસવીર લાગેલી હતી.”

તેઓ કહે છે કે, “આ એજન્ટ પરીક્ષાખંડમાં થતી ગેરરીતિ, ઍડમિશનની તપાસસમિતિમાં બેઠેલા લોકો, આ સમગ્ર નેટવર્ક દસ-બાર લોકો પૂરતું ન હોઈ શકે. એક આખી સિસ્ટમ કામ કરી રહી હતી પરંતુ આજે દસ વર્ષ બાદ અમને જ સજા થઈ રહી છે, પરંતુ એ બાબત પર ધ્યાન નથી અપાઈ રહ્યું કે અમે આ જાળમાં કેવી રીતે ફસાયા, અમને આગળ કરીને અસલ દોષિતોને બચાવવાની કોશિશ થઈ રહી છે.”

એસટીએફ અને સીબીઆઈએ પોતાના કેસમાં સેંકડો પરીક્ષાર્થીઓ અને વાલીઓને પણ સામેલ કર્યા, જેને લઈને નાગરિક સમૂહોથી માંડીને, વ્હિસલબ્લોઅર, નેતા અને છાત્રો પોતે સવાલ ઉઠાવતા રહ્યા છે.

શું ગોટાળાના જવાબદાર લોકોની ધરપકડ થઈ?

આ સવાલ અન્ય લોકો પણ ઉઠાવે છે. ખાસ કરીને એટલા માટે પણ કે પીએમટીને લઈને રાજ્યનાં વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં પાછલાં 25 વર્ષથી કેસ દાખલ થતા રહ્યા છે. ઘણા રિપોર્ટોમાં તેની સંખ્યા 55 ગણાવાઈ છે.

બીબીસી સાથેની વાતચીતમાં કૉંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ તપાસને ખોટી દિશામાં લઈ જવાનો આરોપ લગાવે છે. તેઓ હરિયાણાનું ઉદાહરણ આપે છે જ્યાં શિક્ષક ગોટાળામાં જે લોકોએ નોકરી મેળવવા માટે પૈસા ચૂકવ્યા હતા તેમને આરોપી નહીં પરંતુ સાક્ષી બનાવાઈને તપાસ ઉચ્ચ સ્તરે બેઠેલા લોકો સુધી લઈ જવાઈ.

જોકે, અહીં જેમણે પૈસા આપ્યા છે, તેમને જ મોટા ભાગે જેલ થઈ રહી છે. કેટલાક પૈસા લેનારા પણ ઝડપાયા પરંતુ તેઓ છૂટી રહ્યા છે. હું સીબીઆઈને સવાલ પૂછવા માગું છું કે કેમ આ લોકોને સાક્ષી ન બનાવાયા, જેથી તેઓ જણાવી શકે કે તેઓ આ જાળમાં કેવી રીતે ફસાયા?

વ્યાપમ ગોટાળાને બહાર લાવવામાં સામેલ રહેલા ડૉક્ટર આનંદ રાય કહે છે, “નાના લોકોને જેલ થઈ રહી છે, જેમાં પરીક્ષાર્થી છે, વાલી છે. જેમણે પૈસા બનાવ્યા એ લોકો પિરામિડમાં ખૂબ ઉપર છે, તેમને કંઈ થઈ રહ્યું નથી, એ બધા છૂટી ગયા, તેઓ બધા મોટા લોકો હતા. હવે તમે જો દસ-15 વર્ષ સુધી પણ તપાસ કરો તો શું?”

ડૉક્ટર આનંદ રાયનું કહેવું છે કે લાંબી લડાઈ અમુક સમયે હતાશ કરી દે છે, મોટી કોર્ટોમાં તો ઘણા મોટા વકીલ મફત કેસ લડવાની અને બીજા પ્રકારની મદદ કરી દે છે પરંતુ નાની અદાલતોમાં આ બધું ઘણું મુશ્કેલ છે.

અમુક અઠવાડિયાં પહેલાં જ મધ્યપ્રદેશમાં તલાટીની ભરતીમાં ગોટાળાનો મામલો સામે આવ્યો છે એટલે કે ભરતી અને કદાચ પ્રવેશપરીક્ષા ગોટાળા પ્રદેશમાં હજુ ચાલુ જ છે. વિપક્ષ કૉંગ્રેસનું કહેવું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો રહેશે અને સ્પષ્ટ છે કે વ્યાપમ ગોટાળો એની સાથે જ સંકળાયેલો છે.

સુપ્રીમ કોર્ટમાં પણ વ્યાપમ ગોટાળાની તપાસને લઈને ઘણી અરજીઓ પર સુનાવણી પેન્ડિંગ છે.