ગુજરાતમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહી, લોકોને સાયરન સાથે મોબાઇલ એલર્ટ મોકલાયા

ઇમેજ સ્રોત, Apoorva Parekh
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પદ, અમદાવાદથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
દક્ષિણ ગુજરાતમાં ભરુચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી હોવાથી નાગરિકોને સાવચેત કરવા મોબાઇલ પર સાયરન સાથે ઍલર્ટ મોકલવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે, નૅશનલ હાઇવે 48 બંધ કરવો પડ્યો છે અને એનડીઆરએફ તથા એસડીઆરએફ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.
દરમિયાન અમદાવાદ, સુરત, ગાંધીનગર સહિત અનેક જિલ્લામાં 24 જુલાઈ, શુક્રવારે શાળા, કૉલેજો અને આંગણવાડી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આવી જ જાહેરાત ભાવનગર, ખેડા, વલસાડ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ અને પંચમહાલ જિલ્લામાં પણ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે મધુબની ડૅમમાં રાત્રે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ગુજરાતમાં 23 જુલાઈએ રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે અને કેટલીક જગ્યાએ આ વરસાદ આફત લઈને આવ્યો હતો.
અમદાવાદમાં આખા દિવસ દરમિયાન પડેલા વરસાદે લોકોની મુશ્કેલી પણ વધારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જોઈએ એવો વરસાદ પડતો નહોતો અને ખેડૂતો પણ ચિંતામાં હતા.
જ્યારે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે.
તો હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહીને કારણે અમદાવાદ મ્યુનિસિપિલ શાળાઓમાં 24 જુલાઈએ રજા જાહેર કરાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદ બાદ કેવી પરિસ્થિતિ સર્જાઈ?

ઇમેજ સ્રોત, Ahmedabad Police
ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું હોય એવો માહોલ સર્જાયો છે. જોકે ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરિપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.
તો અમદાવાદમાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
શહેરના સૌથી પોશ ગણાતા સિંધુ ભવન રોડ અને એસજી હાઇવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગોતા અને થલતેજ ઓવરબ્રિજ નીચે પાણી ભરાતાં ટ્રાફિકજામ થયો હતો અને વાહનચાલકો વાહનોને ધક્કો મારીને લઈ જવા મજબૂર બન્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદને પગલે બાવળા-અમદાવાદ હાઇવે પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મટોડા, મોરૈયા, ચાંગોદર અને નવાપુરા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યાં છે.

ઇમેજ સ્રોત, ani
વહેલી સવારથી વરસી રહેલા મુશળધાર વરસાદે ખેડા જિલ્લામાં જનજીવનને ભારે અસર પહોંચાડી છે.
નડિયાદ સહિત અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે મહેમદાવાદમાં સૌથી વધુ 204 મિમી વરસાદ નોંધાતા તંત્ર ઍલર્ટ મોડ પર આવ્યું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નડિયાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
વલસાડ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો પૂરનાં પાણીમાં ફસાઈ ગયા હતા.
શહેરના છીપવાડ વિસ્તારમાં આઠ મહિનાની ગર્ભવતી મહિલા અને તેનો પરિવાર પૂરનાં પાણી વચ્ચે ફસાઈ ગયો હતો.
વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી મહિલાને તથા તેના પરિવારને સલામત રીતે બહાર કાઢ્યો હતો.

સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડૅમ 0.01 મીટર લેવલથી ઓવરફ્લો થયો છે. આથી ચુડા અને ગોખરવાળા ગામના લોકોને ખાસ ચેતવણી અપાઈ છે.
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા લોકો પાણીમાં ફસાયા હતા.
બચાવ માટેના ફોન દિવસ-રાત વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ કચેરી ખાતે સતત મળી રહ્યા હતા.
બાદમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ તાત્કાલિક પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી 500 લોકોને ઉગાર્યા હતા.
જિલ્લામાં પૂર જેવી સ્થિતિ વચ્ચે અંદાજે 1293 લોકો વિવિધ જગ્યા પર ફસાયા હતા.
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદ પડ્યો છે. તેમજ વલસાડ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ અસામાન્ય ભારે વરસાદ નોંધાયો છે.
તો નવસારી, સુરત, ડાંગ, તાપી, સુરતમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં લાવતી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને મૉન્સૂન ટ્રફ હવે જેસલમેર, કોટા, ગુના, દમોહ, ડાલ્ટનગંજ, કોન્ટાઈ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડી તરફ પસાર થાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ વિસ્તરે છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને નજીકના ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પર સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ સર્જાયેલું છે.
આખા રાજ્યમાં ક્યાંક ભારે, તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં ક્યાંક ભારે, ક્યાં સામાન્ય, તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે.
24 જુલાઈએ રાજ્યમાં સમગ્ર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની, તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરાઈ છે.
25 જુલાઈએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા- બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
એવી જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણાં સ્થળોએ અને કચ્છમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
26 જુલાઈની વાત કરીએ તો બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદની આગાહી છે.
તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ અનુસાર, 24 જુલાઈએ મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે.
તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
એવી જ રીતે 25 જુલાઈએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર, 23 જુલાઈથી 29 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
એટલે આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વાવણીલાયક અને ખેતીને ઉપયોગી વરસાદ થશે તેવું અનુમાન છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















