ગુજરાતની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમોમાં ફેરફાર, કોણ પી શકશે અને કોણ નહીં? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં લીકરના સેવન પર "બહારથી આવેલી ચોક્કસ વ્યક્તિઓ"ને કેટલીક છૂટ અપાયેલી છે, જેના નિયમોમાં હવે ફેરફાર કરાયા છે.

ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ ઍક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકૉસિસ્ટમ તથા આર્થિક પ્રવૃતિઓમાં વધારો થાય તે હેતુથી ગિફટ સિટી વિસ્તારમાં આપયેલી "વાઇન ઍન્ડ ડાઇન" ફેસિલિટીમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, "વાઇન ઍન્ડ ડાઇન ફેસિલિટી" અંતર્ગત ગિફટ સિટીમાં રહેલા ઔદ્યોગિક એકમોની મુલાકાત અર્થે બહારથી આવતા વિઝિટરોને સરળતાથી ટેમ્પરરી પરમિટ મળે રહે તે હેતુ ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા ફેરફાર પ્રમાણે, ગિફ્ટ સિટીમાં ઔદ્યોગિક હેતુથી આવતા વિઝિટરો વાઇન ઍન્ડ ડાઇન તેમજ હોટલ/રેસ્ટોરાંના અન્ય કોઈ પણ પરિસર, જેમ કે રેસ્ટોરાં, લોન એરિયા, પુલ સાઇડ, ટેરેસ વગેરેમાં લીકર સેવનની છૂટ અપાઈ છે.

ગિફ્ટ સિટીમાં મુલાકાત અર્થે આવતા અન્ય દેશના કે રાજ્યના મુલાકાતીઓ સરળતાથી "વાઇન ઍન્ડ ડાઇન" ફેસિલિટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હેતુસર આ ફેરફાર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગુજરાતના પ્રવર્તમાન કાયદા કે નશાબંધી નીતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગિફ્ટ સિટીના વાઇન અને ડાઇન પૉલિસીમાં ફક્ત ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી/કર્મચારી તેમજ ઔદ્યોગિક હેતુસર ગિફ્ટ સિટીમાં વિઝિટ કરતા અન્ય દેશના તથા અન્ય રાજ્યોના મુલાકાતીઓ સરળતાથી વાઇન અને ડાઇન ફેસિલિટીનો ઉપયોગ કરી શકે તે માટે ગ્લોબલ બિઝનેસ ઇકૉસિસ્ટમ ડેવલપ કરવા માટે વાઇન અને ડાઇન પૉલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે.

આ ફેરફાર ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતો નથી.

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સાહિત્યકાર વિનોદકુમાર શુક્લનું નિધન

હિન્દી ભાષાના ટોચના કવિ-સાહિત્યકાર વિનોદકુમાર શુક્લનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી અસ્વસ્થ હતા અને રાયપુરસ્થિત એઇમ્સમાં દાખલ હતા.

ગત મહિને જ તેમને ભારતીય સાહિત્યના સર્વોચ્ચ સન્માન જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1 જાન્યુઆરી, 1937ના રોજ જન્મેલા વિનોદકુમાર શુક્લની જીવન સફર નવ દાયકાની રહી છે. હિન્દી સાહિત્યના તેઓ એવા લેખક હતા જેઓ ખૂબ ધીમું બોલતા હતા, પરંતુ તેમનો અવાજ દૂર-દૂર સુધી સંભળાતો હતો.

મધ્યમવર્ગીય, સાધારણ અને લગભગ કોઈની નજરમાં ન આવે એવું જીવન તેમણે તેમની કવિતાઓ, વાર્તાઓમાં અદભુત રીતે ગૂંથ્યું હતું.

તેઓ તેમની રચનાઓ અને સંગ્રહો 'દીવાર મેં એક ખિડકી રહતી થી', 'આકાશ ધરતી કો ખટખટાતા હૈ', 'નૌકર કી કમીઝ', 'પેડ પર કમરા'થી જાણીતા હતા.

તેમની અનેક રચનાઓ ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેઓ સમકાલીન હિન્દી સાહિત્યના સૌથી મૌલિક સ્વર પૈકી એક ગણાતા હતા.

ભારતીય ક્રિકેટર દીપ્તિ શર્મા ICC મહિલા ટી20 ઇન્ટરનૅશનલ બૉલિંગની રૅંકિંગમાં પ્રથમ ક્રમે પહોંચ્યાં

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ જાહેરાત કરી છે કે ભારતીય ક્રિકેટર દીપ્તિ શર્મા આઈસીસી મહિલા ટ20 ઇન્ટરનૅશનલ બૉલિંગ રૅંકિંગમાં પહેલા ક્રમ પર પહોંચી ગયાં છે.

આઈસીસીએ ઍક્સ પર પોસ્ટ કર્યું છે કે, "ભારતનાં દિગ્ગજ ખેલાડી દીપ્તિ શર્મા માટે આ એક ઐતિહાસિક પળ છે, કારણ કે તેઓ આઈસીસી મહિલા ટી20 ઇન્ટરનૅશનલ બૉલિંગ રૅંકિંગમાં પ્રથમ ક્રમે આવી ગયાં છે."

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દીપ્તિ શર્માને અભિનંદન પાઠવ્યાં છે.

તેમણે ઍક્સ પર લખ્યું કે, "આઈસીસી મહિલા ટી20 ઇન્ટરનૅશનલ બૉલિંગ રૅંકિંગમાં કૅરિયરની સર્વશ્રેષ્ઠ નંબર એક પોઝિશન પર પહોંચવા બદલ દીપ્તિ શર્માને અભિનંદન! તેમના કૌશલ્ય અને મૅચ જિતાડનાર પ્રદર્શન લાખો લોકોને પ્રેરણા આપતું રહેશે. ભારતીય ક્રિકેટ માટે આ એક ગૌરવની ક્ષણ છે."

ભારતીય મહિલા ટીમે આ વર્ષે વર્લ્ડકપ ચૅમ્પિયન બનવામાં દીપ્તિ શર્માની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. તેમણે આ ટુર્નામેન્ટમાં બૉલિંગમાં જ નહીં પણ બૅટિંગમાં પણ કમાલ દેખાડી હતી અને કેટલાક રૅકૉર્ડ બનાવ્યા હતા.

દિલ્હી ખાતે બાંગ્લાદેશ ઉચ્ચાયોગ બહાર હિંદુ સંગઠનોના વિરોધ પ્રદર્શનમાં શું થયું

સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈ અનુસાર, બાંગ્લાદેશમાં હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા અને હિંદુઓ પર થતી હિંસાના વિરોધમાં દિલ્હી ખાતે બાંગ્લાદેશ ઉચ્ચાયોગની બહાર વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો પ્રદર્શન કર્યાં.

સમાચાર સંસ્થાઓએ પ્રકાશિત કરેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓની ભારે ભીડ જોવા મળી હતી

પીટીઆઈ અનુસાર, પ્રદર્શનને કારણે બાંગ્લાદેશ ઉચ્ચાયોગમાં અને તેની આસપાસના અતિરિક્ત દળોને તહેનાત કરવામાં આવ્યા છે.

એએનઆઈના એક વીડિયોમાં પોલીસ બૅરિકેડિંગ પાસે પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે ખેંચતાણ અને ધક્કામુક્કી જોઈ શકાય છે. એક અન્ય વીડિયોમાં ભારે સંખ્યામાં પ્રદર્શનકારીઓના હાથમાં પોસ્ટર્સ હતાં.

બાંગ્લાદેશના મૈમનસિંહ દિલ્લામાં ધર્મનું અપમાન કરવાના આરોપમાં ભીડે એક હિંદુ યુવકને મારી-મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના 18 ડિસેમ્બરની છે.

પોલીસે જણાવ્યું કે યુવકની માર મારીને હત્યા કર્યા બાદ તેમના મૃતદેહને એક વૃક્ષ પર બાંધીને આગ લગાડી દેવામાં આવી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે કરી હતી.

પુતિનની ધમકી બાદ રશિયાએ યુક્રેનના આ વિસ્તારમાં વધારી દીધા હુમલા

રશિયાએ યુક્રેનના દક્ષિણ ક્ષેત્ર ઓડેસા પર પોતાના હુમલાઓ વધારી દીધા છે. આ હુમલાથી મોટા પાયે વીજળી આપૂર્તિ બાધિત થઈ છે અને ક્ષેત્રનાં સમુદ્રી માળખા પર જોખમ વધી ગયું છે.

યુક્રેનના ઉપવડા પ્રધાન ઓલેક્સી કુલેબાએ કહ્યું છે કે "રશિયા આ ક્ષેત્ર પર સુનિયોજિત હુમલો કરી રહ્યું છે. ગત સપ્તાહે તેમણે ચેતવણી આપી હતી કે યુદ્ધનું ફોકસ કદાચ ઓડેસા તરફ થઈ ગયું છે."

રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે "વારંવાર થઈ રહેલા આ હુમલા યુક્રેનને સમુદ્રી વિસ્તાર સુધી પહોંચતા રોકવાની કોશિશ છે."

ડિસેમ્બરની શરૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કાળા સમુદ્રમાં રશિયાના 'શૅડો ફ્લીટ'નાં ટૅન્કરો પર ડ્રૉન હુમલાના જવાબમાં યુક્રેનની સમુદ્ર સુધી પહોંચ રોકવાની ધમકી આપી હતી.

'શૅડો ફ્લીટ' સેંકડો ટૅન્કરોનું નેટવર્ક છે. રશિયા તેનો ઉપયોગ 2022માં યુક્રેન પર હુમલા બાદ લગાવવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોથી બચવા માટે કરે છે.

સોમવારે ઓડેસામાં થયેલા હુમલાને કારણે ઘણા લોકો હતાહત પામ્યા છે.

આસામમાં કાર્બી આંગલોંગમાં પ્રદર્શનકારીઓએ કથિત રીતે ભાજપના નેતાના ઘરને લગાવી આગ

આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોએ સોમવારે કથિત રીતે જિલ્લા ભાજપના એક વરિષ્ઠ નેતાના ઘરને આગ લગાવી દીધી.

આ ઘટના ખેરોની થાણા ક્ષેત્રની છે. ત્યાં ભાજપનું નેતૃત્વ ધરાવતી કાર્બી આંગલોંગ સ્વાયત્તશાસી પરિષદના મુખ્ય કાર્યકારી સભ્ય તુલિરામ રોંગહાંગનું ઘર છે.

ભીડે કથિત રીતે રોંગહાંગના ઘરે આગ ત્યારે લગાવી જ્યારે પ્રદર્શનકારીઓ અને તેમની વચ્ચે એક બેઠક થવાની હતી.

આગજનીની ઘટના વખતે ભાજપના નેતાના પરિવારજનો પૈકી કોઈ ઉપસ્થિત નહોતું.

જિલ્લા પ્રશાસને વિસ્તારમાં વધેલા તણાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દીધી છે.

વિગતો એવી છે કે 6 ડિસેમ્બરથી ફેલાંગપીમાં સ્થાનિક આદિવાસી અનશન પર બેઠા હતા. આ લોકોનો આરોપ હતો કે 'બહારથી આવેલા' લોકો તેમના માટે આરક્ષિત જમીન પર કબજો કરી રહ્યા છે.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સોમવારે સવારે ઉપવાસ પર બેઠેલા લોકોને પોલીસે જબરજસ્તી હઠાવ્યા.

તણાવ વધ્યો અને ભીડમાં સામેલ પ્રદર્શનકારીઓએ ભાજપના નેતાના ઘરને આગ લગાવી દીધી.

પોલીસે હિંસક ભીડને નિયંત્રિત કરવા બળપ્રયોગ કર્યો, હવામાં ફાયરિંગ પણ કર્યું. આ ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા જેમાં 20 સુરક્ષાકર્મીઓ પણ સામેલ છે.

ક્ષેત્રના એક સ્થાનિક પત્રકાર સુશાંત રાયે જણાવ્યું, "કેટલાક પ્રદર્શનકારીઓએ ખાનગી ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે અને ઘણાં વાહનોમાં તોડફોડ કરી છે."

તુલિરામે આ ઘટનાને ગેરસમજ ગણાવી હતી.

બીજી તરફ, આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું છે કે સ્થિતિની સમિક્ષા કરવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી રજોન પેગૂને તે વિસ્તારમાં મોકલ્યા છે.

બાંગ્લાદેશમાં રશિયાના રાજદૂતે 1971ની લડાઈ યાદ અપાવીને ભારત વિશે શું કહ્યું?

બાંગ્લાદેશમાં રશિયાના રાજદૂત એલેક્ઝેન્ડર ગ્રિગોરિયેવિચ ખોજિને સોમવારે ઢાકામાં પત્રકારો સાથેની પોતાની પહેલી વાતચીતમાં પડોશી દેશ ભારત સાથે તણાવ ઓછો કરવા પર ભાર મૂક્યો.

તેમણે કહ્યું, "બાંગ્લાદેશ જેટલું જલદી ભારત સાથે તણાવ ઓછો કરશે, તેટલું સારું રહેશે."

એક જવાબમાં રશિયાના રાજદૂતે કહ્યું કે તણાવ ઓછો કરવો એ બંને દેશો અને આખા દક્ષિણ એશિયા માટે મહત્ત્વનું છે.

તેમણે 1971માં બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધમાં ભારત અને રશિયાની ભૂમિકાને પણ રેખાંકિત કરી.

રશિયાના રાજદૂતે કહ્યું, "1971માં બાંગ્લાદેશની આઝાદી મુખ્ય ભારતની મદદથી મળી હતી અને રશિયાએ તેનું સમર્થન કર્યું હતું."

તેમણે કહ્યું કે રશિયા બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં હસ્તક્ષેપ નથી કરી રહ્યું પરંતુ તેમનું માનવું છે કે એ સમજદારી રહેશે કે એવો રસ્તો નીકળે જેથી તણાવ વધારે ન પેદા થાય.

બાંગ્લાદેશમાં ઉસ્માન હાદી બાદ વધુ એક નેતા પર ફાયરિંગ

બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચ સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ હવે વધુ એક નેતાને સાર્વજનિક જગ્યા પર ગોળી મારવામાં આવી છે.

બાંગ્લાદેશના અખબાર 'ઢાકા ટ્રિબ્યૂન' પ્રમાણે નૅશનલ સિટિઝન પાર્ટી (એનસીપી)ના ખુલના ડિવિઝનના પ્રમુખ અને શ્રમિક શક્તિના કેન્દ્રીય આયોજક મોતેલબ સિકદરને સોમવારે સવારે લગભગ 11-45 વાગ્યે ખુલનાના સોનાડાંગા વિસ્તારમાં ગોળી મારવામાં આવી.

અખબારે હૉસ્પિટલ સૂત્રોના હવાલાથી લખ્યું છે કે સિકદરને ખુલના મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ મામલે સોનાડાંગા મૉડલ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિમેશ મંડલે જણાવ્યું કે "સિકદરને અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી અને સ્થાનિક લોકોએ તેને બચાવીને હૉસ્પિટલમાં દાખલ કર્યા."

આ મામલે ઘટનાસ્થળે પોલીસ તહેનાત કરવામાં આવી છે અને પોલીસે જણાવ્યું કે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પહેલાં, 12 ડિસેમ્બરના રોજ ઉસ્માન હાદીને ઢાકાની એક મસ્જિદથી નીકળતાની સાથે ગોળી મારવામાં આવી હતી, ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને તેને ઇલાજ માટે 15મી ડિસેમ્બરના રોજ સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

રાહુલ ગાંધીએ જર્મનીમાં મોદી સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ જર્મનીના પ્રવાસે છે. જ્યાં તેમણે મોદી સરકારની નીતિઓ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું, 'માત્ર મૅન્યુફેક્ચરિંગ સેક્ટર દ્વારા ભારતમાં મોટાપાયે રોજગારની તકો ઊભી થઈ શકે તેમ છે અને ભાજપે તેને સંપૂર્ણપણે ખતમ કરી નાખી છે.'

આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે 'અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને તાકત સોંપી દીધી છે.'

સોમવારે જર્મનીની રાજધાની બર્લિનમાં હર્ટી સ્કૂલ ખાતે આયોજિત 'પોલિટિક્સ ઇઝ ધ હાર્ટ ઑફ લિસનિંગ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "માત્ર મૅન્યુફેક્ચરિંગ દ્વારા જ ભારતમાં મોટાપાયે રોજગારની તકો ઊભી થઈ શકે એમ છે. ભાજપે આ ક્ષેત્રને પૂરેપૂરું ખતમ કરી નાખ્યું છે. તેમણે અદાણી અને અંબાણીના હાથમાં પાવર આપી દીધો છે."

"જેમને ઉત્પાદનમાં રસ નથી. જો તમે જોશો તો તે વેપારી કંપનીઓ છે, નહીં કે પ્રોડ્યુસિંગ કંપનીઓ. ખરેખર તો આમાંથી મોટાભાગના ભારતમાં ચીનનાં ઉત્પાદનો વેંચી રહ્યા છે."

રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તા ઉપર આવે તો તેઓ એમએસએમઈને (મધ્યમ અને લઘુ ક્ષેત્રનાં એકમો) મજબૂત કરવા તથા કૃષિક્ષેત્રે રોજગાર પેદા કરવા તથા મૅન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો ઉપર ધ્યાન આપશે.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, હાલનો ભારતનો જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) સંપૂર્ણપણે 'ઉત્પાદકવિરોધી અને વપરાશકર્તાસમર્થક' છે.

ભારતના પરમાણુ ઊર્જા સંબંધિત કાયદા અંગે અમેરિકાએ શું કહ્યું?

ભારત દ્વારા તાજેતરમાં સસ્ટેનેબલ હાર્નેસિંગ ઍન્ડ ઍડ્વાન્સમેન્ટ ઑફ ન્યુક્લિયર ઍનર્જી ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા બિલ, 2025 એટલે કે 'શાંતિ' કાયદાને આવકાર્યો છે.

ભારત ખાતે અમેરિકાના રાજદૂતાલયે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "અમે ભારતના નવા શાંતિ બિલને આવકારીએ છીએ, જે સુદૃઢ ઊર્જા સુરક્ષા ભાગીદારી તથા શાંતિપૂર્ણ નાગરિક પરમાણુ સહયોગની દિશામાં એક પગલું છે."

"અમેરિકા ઊર્જાક્ષેત્રે ઇનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે તૈયાર છે."

ઉલ્લેખનીય છે કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન શાંતિ બિલ સંસદનાં બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેની ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે.

દિલ્હી: બાંગ્લાદેશના દુતાવાસે હંગામી ધોરણે વિઝા સેવા અટકાવી

નવી દિલ્હીસ્થિત રાજદુતાલયે હંગામી ધોરણે વિઝા સેવાઓ અટકાવી દીધી છે. હાઇકમિશનના દરવાજા ઉપર નોટિસ ચીપકાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સૂચના આપવામાં ન આવે, ત્યાર સુધી આ પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી છે.

નોટિસમાં લખ્યા મુજબ, "કેટલાક જરૂરી કારણોસર નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઇકમિશનની તમામ કૉન્સ્યુલર તથા વિઝા સેવાઓ આગામી આદેશ સુધી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે."

બીબીસી ન્યૂઝ બાંગ્લા જણાવે છે કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

વિદેશ મંત્રાલયનાં સૂત્રોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તેના હાઇકમિશન તથા અન્ય કેટલાંક સ્થળોએ વિરોધપ્રદર્શનો થયાં હતાં, એ પછી સુરક્ષાસંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન