ભારત સાથેના વેપારમાં ચીન જેવી ભૂલ અમેરિકા ફરી નહીં કરે : અમેરિકાના નાયબ વિદેશ મંત્રી- ન્યૂઝ અપડેટ

ક્રિસ્ટોફર લૅન્ડો અને એસ. જયશંકર

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીએ ભારતની મુલાકાત દરમિયાન જણાવ્યું છે કે, તેમનો દેશ ભારતની બાબતમાં 'એવી ભૂલ નહીં કરે, જેવી 20 વર્ષ પહેલાં ચીન સાથે કરી હતી.' અમેરિકાના નાયબ વિદેશ મંત્રી ક્રિસ્ટોફર લૅન્ડોએ આ વાત ભારત અને અમેરિકાના વાણિજ્યિક સંબંધોના સંદર્ભમાં કરી છે.

'રાયસીના ડાયલોગ 2026'માં ભાગ લેવા ભારત આવેલા ક્રિસ્ટોફર લૅન્ડોએ જણાવ્યું કે, ભારત સાથે વેપાર અને આર્થિક સંબંધો વધારવાના મુદ્દે અમેરિકા બે દાયકા પહેલાં ચીન સાથે કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. તેમણે ઉમેર્યું કે, અમેરિકા ભૂતકાળમાં ચીન સાથે થયેલા વેપાર કરારોમાંથી ઘણા પાઠ શીખ્યું છે અને હવે ભારત સાથે થનારા કરારમાં અમેરિકા પોતાનાં હિતોની સુરક્ષા અંગે વધુ સ્પષ્ટતા રાખશે.

ગયા મહિને એવું જણાવવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક ટ્રેડ ડીલ પર સહમતી સધાઈ ગઈ છે, જોકે આ કરારનું વિગતવાર સ્વરૂપ હજુ જાહેર થયું નથી. આ સોદાનો એક મુખ્ય હેતુ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કરવાનો પણ છે.

નવી દિલ્હીમાં બુધવારે આયોજિત રાયસીના ડાયલોગમાં ક્રિસ્ટોફર લૅન્ડોએ કહ્યું કે, બંને દેશો વચ્ચેનો વેપારી કરાર લગભગ પૂર્ણતાના આરે છે અને 'અમે આ બાબતે ખૂબ જ ઉત્સાહિત છીએ.'

તેમણે આગળ જણાવ્યું, "મારું માનવું છે કે આ કરાર વાસ્તવમાં અનંત સંભાવનાઓના દ્વાર ખોલવાનો આધાર બની શકે છે. ભારત સાથે આર્થિક અને વ્યાપારી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે અમે ખૂબ ઉત્સાહિત છીએ."

સાથે જ તેમણે ચેતવણી આપતા કહ્યું, "અમે ભારત સાથે એ જ ભૂલ ફરીથી નહીં કરીએ જે 20 વર્ષ પહેલાં ચીન સાથે કરી હતી. તેનો અર્થ એ છે કે—ત્યારે અમે કહ્યું હતું કે 'તમે તમામ બજારોમાં વિસ્તરણ કરી શકો છો' અને પછી અમને સમજાયું કે ઘણાં વેપાર ક્ષેત્રોમાં તમે અમને પાછળ છોડી દીધા છે."

લૅન્ડોએ એવું પણ જણાવ્યું કે, અમેરિકા એ સુનિશ્ચિત કરશે કે તે જે પગલાં ભરી રહ્યું છે તે તેના નાગરિકો માટે ન્યાયસંગત રહે. તેમણે ઉમેર્યું, "અમે અમારા લોકો પ્રત્યે જવાબદાર છીએ, બરાબર એ જ રીતે જે રીતે ભારત સરકાર પોતાના નાગરિકો પ્રત્યે જવાબદાર છે."

રશિયા પાસેથી ઑઇલ ખરીદવા માટે અમેરિકાની 'મંજૂરી' અંગે રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યું છે, તે અંગે અમેરિકાના નિવેદન પર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો પુરવઠો જાળવી રાખવા માટે અમેરિકાના નાણા મંત્રાલયે ભારતીય રિફાઇનરીઓને રશિયા પાસેથી ઑઇલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે.

આ બાબતે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું: "આપણી વિદેશ નીતિ આપણાં ઇતિહાસ, ભૌગોલિક સ્થિતિ અને આપણાં મૂલ્યોના આધારે નક્કી થવી જોઈએ. તે સત્ય અને અહિંસા પર આધારિત હોવી જોઈએ."

તેમણે આગળ ઉમેર્યું: "આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે કોઈ નીતિ નથી, પરંતુ એક વ્યક્તિગત અભિગમનું પરિણામ છે."

રાહુલ ગાંધીએ 11 ફેબ્રુઆરીએ લોકસભામાં આપેલા પોતાના ભાષણને શૅર કરતાં આ વાત કહી હતી. તે દિવસે તેમણે કહ્યું હતું:

"શું હવે અમેરિકા આપણને બતાવશે કે આપણે કોની પાસેથી ઑઇલ ખરીદવું અને કોની પાસેથી નહીં? રશિયા પાસેથી ખરીદવું કે ઈરાન પાસેથી—તે અમેરિકા નક્કી કરશે? આપણા વડા પ્રધાન આ નક્કી નહીં કરે?"

'ભારત રશિયા પાસેથી તેલ ખરીદે તેની મંજૂરી આપનાર અમેરિકા કોણ છે?'

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની 'પરવાનગી આપવાવાળું અમેરિકા' કોણ છે અને ભારતને અમેરિકા પાસેથી 'પરવાનગી લેવાની જરૂર' શું છે?

અમેરિકાના નાણાં મંત્રાલયના સચિવ સ્કૉટ બેસેંટએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઇલની સપ્લાય જાળવી રાખવા માટે અમેરિકાના નાણાં મંત્રાલયે ભારતીય રિફાઇનરીઓને રશિયા પાસેથી ઑઇલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે.

અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે, "છેલ્લા કેટલાક મહિનાથી દેશવાસીઓએ બહુ પીડા સાથે જોયું કે કેવી રીતે એક પછી એક દરેક પગલે તમે ટ્રમ્પ સામે ઝૂકી ગયા અને તમારી તેમની સામે બોલવાની હિમંત નથી."

તેમણે કહ્યું કે, "મોદીજી, આખરે તમારી કઈ મજબૂરી છે જેના કારણે તમે ટ્રમ્પ સામે નતમસ્તક છે. આજ સુધી ભારતે ક્યારેય કોઈ દેશ સામે માથું નથી નમાવ્યું."

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "જો ખરેખર તમારી કોઈ મજબૂરી હોય જેનો ફાયદો ટ્રમ્પ ઉઠાવી રહ્યા હોય તો ભારત અને ભારતીય હિતો માટે કૃપા કરીને રાજીનામું આપી દો."

અમેરિકાએ ભારતને 30 દિવસ માટે રશિયન ઑઇલ ખરીદવાની 'હંગામી છૂટ' આપી

રશિયન ઓઇલ, ભારત દ્વારા રિફાઇનરી, અમેરિકાની છૂટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ ભારતને 30 દિવસ માટે રશિયન ઑઇલ ખરીદવાની 'છૂટ' આપી છે.

અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે આંતરરાષ્ટ્રીય નાણા બજારમાં ઑઇલનો પુરવઠો જાળવી રાખવા માટે નાણા મંત્રાલયે 30 દિવસ માટે ભારતીય રિફાઇનરીઓને છૂટ આપી છે.

પોતાની પોસ્ટમાં લખ્યું, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને કારણે ઑઇલ અને ગૅસનું ઉત્પાદન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે."

"વૈશ્વિક ઑઇલનો પુરવઠો જળવાયેલો રહે તે માટે અમેરિકાના ટ્રેઝરી વિભાગ (નાણા મંત્રાલયે) ભારતે રશિયન ઑઇલ ખરીદવાની છૂટ આપતી 30 દિવસની હંગામી છૂટ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે."

"હેતુપૂર્વક ખૂબ જ ટૂંકી મુદ્દત માટે છૂટ આપવામાં આવી છે. આને કારણે રશિયાની સરકારને ખાસ આર્થિક લાભ નહીં થાય, કારણ કે આ છૂટ માત્ર દરિયામાં અટવાયેલા તેલ માટે છે."

"ભારત એ અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. અમને આશા છે કે ભારત દ્વારા અમેરિકાના ઑઇલની ખરીદી વધારવામાં આવશે."

"ઈરાને વૈશ્વિક પુરવઠાને બાનમાં લેવા માટેના જે પ્રયાસ કર્યા છે, તેને દબાણને હઠાવવા માટે આ હંગામી પગલું લેવામાં આવ્યું છે."

ફેબ્રુઆરી-2026માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે રશિયન ઑઇલની ખરીદી બંધ કરવાનો વાયદો કર્યો છે, જેથી તેની સાથે ટ્રેડ ડીલ થઈ રહી છે. એ પછી ભારત ઉપર લાગેલો ટેરિફ 18 ટકા થઈ ગયો હતો.

અમેરિકાએ રશિયન ઑઇલ ખરીદવા બદલ ભારત ઉપર 25 ટકાનો ટેરિફ લાદ્યો હતો. આમ ભારતીય સામાન ઉપર કુલ ટેરિફ 50 ટકા જેટલો થઈ ગયો હતો.

ભારતનું કહેવું છે કે 140 દેશવાસીઓની ઊર્જા જરૂરિયાતો અને તેની સુરક્ષા પ્રાથમિકતા રહેશે. ભારતમાં રિફાઇન થયેલું રશિયન ઑઇલ અનેક દેશોમાં નિકાસ પણ થાય છે

બહેરીનની સરકારનો આરોપ 'ઈરાને એક હોટલ અને બે ઇમારતોને નિશાન બનાવીને હુમલો કર્યો'

બહેરીનના ગૃહમંત્રાલયે જાહેર કરેલી તસવીર, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @moi_bahrain/X

ઇમેજ કૅપ્શન, બહેરીનના ગૃહમંત્રાલયે જાહેર કરેલી તસવીર

બહેરીનના ગૃહમંત્રાલય અનુસાર રાજધાની મનામામાં એક હોટલ અને બે રહેણાક ઇમારતોને ઈરાને નિશાન બનાવી છે.

ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કહ્યું છે કે આ હુમલામાં ઇમારતોને નુકસાન થયું છે. પણ કોઈના મૃત્યુના સમાચાર નથી.

બહેરીનના ગૃહમંત્રાલયના પ્રથમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનના હુમલામાં બે હોટલ અને એક રહેણાક ઇમારતને નિશાન બનાવવામાં આવી છે. પછી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે હુમલામાં એક હોટલ અને બે રહેણાક ઇમારતો પ્રભાવિત થઈ છે.

આની પહેલાં આ અઠવાડિએ જ બહેરીનમાં નૌસેનાના એક બેઝને પણ ઈરાનની મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યો હતો.

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર ગયા શનિવારના હુમલો કર્યો હતો જ્યાર બાદથી મધ્ય પૂર્વમાં તણાવની પરિસ્થિતિ છે.

બિહાર, બંગાળ સહિત આ રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવાર રાત્રે કેટલાંક રાજ્યોના રાજ્યપાલોની નિમણૂકમાં ફેરફાર કર્યા છે.

તામિલનાડુના રાજ્યપાલ આર એન રવિને પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. તેઓ સીવી આનંદ બોઝની જગ્યા લેશે.

આનંદ બોઝે આની પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધું હતું.

ત્યાં જ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હુસનૈનને બિહારના નવા રાજ્યપાલ બનાવાયા છે.

રાષ્ટ્રપતિ ભવનના નિવેદન અનુસાર કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તામિલનાડુના રાજ્યપાલનો અતિરિક્ત કાર્યભાર સંભાળશે.

દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાને લદ્દાના ઉપરાજ્યપાલ બનાવાયા છે. કવિંદર ગુપ્તાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.

પૂર્વ ભારતીય રાજનયિક તરનજીત સિંહ સંધુને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ નિયુક્ત કરાયા છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને તેલંગાનાના રાજ્યપાલ બનાવાયા છે. ત્યારે જિષ્ણુ દેસ વર્માને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવાયા છે.

એ ઉપરાંત નંદ કિશોર યાદવને નાગાલૅન્ડના નવા રાજ્યપાલ બનાવાયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન