You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SIRના વિરોધમાં મતાધિકાર રક્ષા સંમેલન, જ્યાં દ્રેઝ-યોગેન્દ્ર યાદવ સહિતનાં નામોએ મૂકી વાત – ન્યૂઝ અપડેટ
દિલ્હી કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં અખિલ ભારતીય મતાધિકાર રક્ષા સંમેલનનું આયોજન થયું, જેમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, ખ્યાત અર્થશાસ્ત્રી જ્યાં દ્રેઝ અને લેખિકા નિવેદિતા મેનન સામેલ થયા.
નિવેદિતા મેનને કહ્યું, "ઘણી બધી ભૂલો થઈ રહી છે. લોકોનાં નામ નથી, જે જીવિત છે તેમને મૃત જાહેર કરાઈ રહ્યા છે. આ બધી ભૂલો ઉતાવળને કારણે નથી થઈ રહી. ઉતાવળે SIR કરાયું છે, જેથી ભૂલો થાય."
તેમણે કહ્યું, "SIR પાછળ એ હેતુ છે અને એ એ કે આ સરકારને આગામી 100 વર્ષ સુધી સત્તા જાળવી રાખવી છે."
તેમજ જ્યાં દ્રેઝે કહ્યું, "જો મતદારયાદીમાં ગરબડ હોવાનું લાગી રહ્યું હોય તો સૌપ્રથમ વસ્તીગણતરી થવી જોઈએ. વસ્તીગણતરી થવાથી એ ખબર પડશે કે કયા ગામમાં કયા વયજૂથના કેટલા લોકો રહે છે. આ જાણકારીને મતદારયાદી સાથે સાંકળીને તેની તપાસ કરી શકાય છે. તો SIR માટે આટલી ઉતાવળ કેમ છે?"
યોગેન્દ્ર યાદવ સંમેલન દરમિયાન બોલ્યા, "SIR કોઈ મતદારયાદીના સુધારા માટેની પ્રક્રિયા નથી. માત્ર કાગળ પર નવી મતદારયાદી તૈયાર કરાઈ રહી છે. આ જૂના SIRનું પુનરાવર્તન નથી. આવું SIR પહેલાં ક્યારેય નથી થયું. 2002-03માં મતદારયાદીમાં નોંધાયેલી વ્યક્તિને ક્યારેય ફૉર્મ ભરવાનું નહોતું કહેવાયું. માત્ર નવા મતદારે ફૉર્મ ભરવું પડતું. મતદારયાદીમાં જળવાઈ રહેવા માટે ફૉર્મ ભરવું જરૂરી નહોતું. બલકે નામ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત કરવું હોય તો જ ફૉર્મ ભરવું પડતું હતું."
સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવી દીધું : સોનિયા ગાંધી
'વીબી- જી રામ જી' બિલ સંસદનાં બંને ગૃહોમાં પસાર થયા બાદ શનિવારે કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ નવું બિલ યુપીએના કાળમાં શરૂ થયેલી મનરેગા યોજનાનું સ્થાન લેશે.
સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગત 11 વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ ક્ષેત્રોના બેરોજગાર, ગરીબ અન વંચિતોનાં હિત પ્રત્યે દુર્લક્ષ સાધીને મનરેગાને નબળી પાડવાની દરેક કોશિશ કરી, જ્યારે કોવિડ સમયે એ ગરીબ વર્ગ માટે સંજીવની સાબિત થઈ હતી."
તેમણે કહ્યું, "પરંતુ અત્યંત અફસોસની વાત છે કે હાલમાં જ સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવી દીધું. ન માત્ર મહાત્મા ગાંધીનું નામ હઠાવાયું, બલકે મનરેગાનું સ્વરૂપ વિચારવિમર્શ વિના કોઈનાં સલાહસૂચન મેળવ્યા વિના, વિપક્ષ વિશ્વાસમાં લીધા વિના જ મનફાવે એ રીતે બદલી દીધું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોનિયા ગાંધીએ કહ્યું, "હવે કોને, કેટલી, ક્યાં અને કેવી રીતે રોજગારી મળશે, એ સ્થળની હકીકતથી દૂર દિલ્હીમાં બેસીને સરકાર નક્કી કરશે."
તેમણે કહ્યું, "આ હુમલાનો મુકાબલો કરવા માટે અમે બધા તૈયાર છીએ. 20 વર્ષ પહેલાં પોતાનાં ગરીબ ભાઈબહેનને રોજગારનો અધિકાર અપાવા માટે હું લડી હતી, આજે આ કાળા કાયદા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છું."
બાંગ્લાદેશમાં હિંદુ યુવકના લિંચિંગ અંગે મોહમ્મદ યૂનુસે શું માહિતી આપી?
બાંગ્લાદેશમાં મેમનસિંહ જિલ્લામાં હિંદુ યુવકને માર-મારીને તેની હત્યા કરવા સંબંધે સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે શનિવારે આ માહિતી આપી હતી.
ભાલુકા પોલીસ સ્ટેશનના ડ્યૂટી ઑફિસર રિપન મિયાએ બીબીસી બાંગ્લાને જણાવ્યું કે યુવકને માર મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. એ પછી તેનાં મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ લગાડી દેવામાં આવી હતી. પોલીસે મૃતકની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે કરી છે.
મોહમ્મદ યૂનુસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "રેપિડ ઍક્સને બટાલિયન (આરએબી) મેમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષના દીપુ ચંદ્ર દાસની માર મારીને હત્યા નિપજાવવા મામલે સાત સંદિગ્ધોની ધરપકડ કરી છે."
નિવેદન મુજબ, જે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં મોહમ્મદ લિમોન સરકાર (19 વર્ષ), મોહમ્મદ તારિક હુસૈન (ઉં.વ.19), મોહમ્મદ માનિક મિયા (ઉં.વ.20), ઇરશાદ અલી (ઉં.વ.39), નિજુમ ઉદ્દીન (ઉં.વ.20), આલમગીર હુસૈન (ઉં.વ.38), મોહમ્મદ મિરાજ હુસૈન આકૉન (ઉં.વ. 46).
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ઇન્ક્લાબ મંચના હાદી ઉસ્માનને ગત અઠવાડિયે ગોળી મારવામાં આવી હતી, એ પછી ગુરૂવારે સિંગાપોર ખાતે તેમનું અવસાન થયું હતું.
એ પછી ઢાકામાં મોટાપાયે હિંસકપ્રદર્શન ફાટી નીકળ્યા હતા. ગુરૂવારે બાંગ્લાદેશના બે અગ્રણી અખબાર પ્રથમ આલો તથા ડેઇલી સ્ટારની કચેરીઓમાં તોડફોડ અને આગચંપી થઈ હતી.
અમેરિકાએ શા માટે પાકિસ્તાનનો આભાર માન્યો
ગાઝામાં શાંતિ બહાલી માટે ઇન્ટરનૅશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (આઈએસએફ) તહેનાત કરવાનો પ્રસ્તાવ છે અને અમેરિકાએ તેના માટે પોતાના સૈનિકો મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 20-સૂત્રીય શાંતિ કાર્યક્રમ હેઠળ પાકિસ્તાને આ ઑફર કરી છે. શુક્રવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ વાતની પુષ્ટિ કરી હતી.
પાકિસ્તાન સાથે ભાગીદારી અંગે રૂબિયોને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું, "અમે આ ઑફર બદલ પાકિસ્તાનના આભારી છીએ કે કમ સે કમ તેમણે આમાં સામેલ થવા વિશે વિચાર રજૂ કર્યા છે. મને લાગે છે કે કોઈની પાક્કી પ્રતિબદ્ધતા માંગતા પહેલાં અમારે એમને વધુ કેટલાક ખુલાસા આપવા પડશે."
રૂબિયોનું કહેવું છે કે વિશ્વના અનેક દેશોએ આઈએસએફમાં પ્રદાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
બીજી બાજુ, પાકિસ્તાનનું કહેવું છે કે ગાઝામાં પ્રસ્તાવિત આઈએસએફમાં સૈનિક મોકલવા અંગે તેણે કોઈ નિર્ણય નથી લીધો.
ગુરુવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર હુસૈન અંદ્રાબીએ આ વાતની માહિતી આપી હતી.
ટ્રમ્પની 20-સૂત્રીય યોજનામાં આઈએસએફ મુખ્ય બાબત છે. જેની મદદથી ઑક્ટોબર-2025માં ઇઝરાયલ અને હમાસની વચ્ચે સંઘર્ષવિરામ શક્ય બન્યો હતો.
અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનાં ઠેકાણાં ઉપર હુમલા કર્યા
અમેરિકાનું કહેવું છે કે તેણે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટનાં (આઈએસ) ઠેકાણાં ઉપર 'મોટો સૈન્યહુમલો' કર્યો છે.
અમેરિકાનું કહેવું છે કે સીરિયામાં તહેનાત અમેરિકાનાં સૈન્યબળો ઉપર ઘાતક હુમલા બાદ તેણે આ લશ્કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથનું કહેવું છે કે 'ઑપરેશન હૉકઆઈ સ્ટ્રાઇક'નો હેતુ આઈએસના લડવૈયા, તેનાં માળખાં તથા હથિયારોનાં ઠેકાણાં નાશ કરવાનો હતો. સાથે જ ઉમેર્યું હતું કે આને કારણે કોઈ નવું યુદ્ધ શરૂ નહીં થાય.
અમેરિકાના અધિકારીઓએ બીબીસીના અમેરિકન મીડિયા પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે આ હુમલામાં ફાઇટર પ્લેન, ઍટેક હેલિકૉપ્ટર તથા તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મધ્ય સિરિયાના અનેક ઠેકાણાંને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં જૉર્ડનના વિમાન પણ સામેલ હતા.
આ કાર્યવાહી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા દ્વારા આઈએસના અનેક ગઢ ઉપર 'ખૂબ જ જોરદાર હુમલા' કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સિરિયાના પૉલમાયરા શહેરમાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાના બે સૈનિક તથા એક અમેરિકન અનુવાદક મૃત્યુ પામ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બીબીસી ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમની વાર્ષિક પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરી છે, જેમાં તેમણે યુક્રેનની ઉપર યુદ્ધ શરૂ કરવાનો આરોપ મૂક્યો છે. સાથે જ પુતિને કહ્યું હતું કે યુક્રેન આ યુદ્ધને શાંતિપૂર્વક રીતે ખતમ કરવા તૈયાર નથી.
બીબીસીની રશિયન સેવાના સંપાદક સ્ટીવ રોસેનબર્ગે રશિયાના ભવિષ્ય વિશે પુતિનને પૂછ્યું હતું.
તેના જવાબમાં પુતિને કહ્યું, "જો તમે અમારી સાથે સન્માનપૂર્વક વર્તણૂંક કરશો, તો (સૈન્ય) ઑપરેશન નહીં થાય. જો તમે અમારા હિતોનું સન્માન કરશો, તો અમે હંમેશા તમારા હિતોનું સન્માન કરીશું."
"જો તમે પૂર્વ દિશામાં નાટોનો વ્યાપ વધારવા જેવા દાવ નહીં રમો..... 'એક ઇંચ જમીનનો પણ વિસ્તાર નહીં થાય' એમ કહ્યા પછી પણ...પશ્ચિમી દેશોએ બિલકુલ આવું જ કહ્યું હતું. એમ કહ્યા પછી તેમણે અમને દગો કર્યો. અમારી સુરક્ષા સંબંધિત ચિંતાઓને પૂર્ણપણે અવગણી. અમને છેહ દીધો."
અમે લડાઈ શરૂ નહોતી કરી
અમેરિકાના મીડિયા સમૂહ એનબીસીના સંવાદદાતા દ્વારા પુતિનને પૂછવામાં આવ્યું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને નકારે છે અને શું તેઓ યુક્રેન તથા રશિયાના નાગરિકોનાં મૃત્યુને માટે પોતાને જવાબદાર માને છે?
જેના જવાબમાં પુતિને કહ્યું, "અમે યુદ્ધ શરૂ નહોતું કર્યું."
જ્યારે સ્ટીવ રોઝેનબર્ગે તેમને પૂછ્યું કે શું કોઈ નવું "વિશેષ સૈન્ય અભિયાન" શરૂ કરવામાં આવશે?
તેના જવાબમાં પુતિને લાંબો જવાબ આપ્યો, જેમાં તેમણે રશિયાની રાજકીય વ્યવસ્થાનો બચાવ કર્યો અને 'ફૅક ન્યૂઝ'ની સમસ્યાનો ઉલ્લેખ કર્યો.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સ્ક્રીન ઉપર સામાન્ય લોકોના કેટલાક સવાલ અને ટિપ્પણી દર્શાવવામાં આવ્યા હતા. જેમાં પુતિનની ટીકા થયેલી હતી. આવી જ એક ટિપ્પણીમાં સવાલ-જવાબના સત્રને 'તમાશો' ઠેરવવામાં આવ્યું હતું. ય ક ટિપ્પણીમાં 'બેફામ મોંઘવારી'ને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પુતિન દરવર્ષે છેલ્લા સમયગાળામાં રશિયન તથા વિદેશી મીડિયાના સવાલોના જવાબ આપે છે અને કેટલીક બાબતોમાં સામાન્ય લોકોના સવાલના જવાબ પણ આપે છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ ભારતે જીતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પાંચ મૅચોની ટી20 સિરીઝની છેલ્લી મૅચ રમાઈ હતી.
દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન એડેન માર્કરમે ટૉસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારતે 231 રન બનાવ્યા હતા.
ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 73 રન બનાવ્યા હતા, પરંતુ હાર્દિક પંડ્યાની આક્રમક ઇનિંગ મૅચની હાઇલાઇટ રહી હતી. હાર્દિકે માત્ર 16 બૉલમાં અડધી સદી ફટકારી. હાર્દિક 25 બૉલમાં 63 રન બનાવીને આઉટ થયા.
તિલક વર્માએ પણ તેમના કાંડાનું કૌવત બતાવ્યું હતું અને 42 બૉલમાં 73નની ઇનિંગ રમી.
આ પહેલાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (પાંચ રન), સંજુ સૅમસન (37 રન) તથા અભિષેક શર્મા (34) રન બનાવીને આઉટ થયા હતા.
ઉલ્લેખનીય છે કે લખનઉ ખાતેની ચોથી ટી20 મૅચ ધુમ્મસને કારણે નહોતી રમી શકાઈ, જેના કારણે શુક્રવારની અમદાવાદ ખાતેની મૅચ રસપ્રદ બની રહી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન