You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત તરફ ફરી આવશે લૉ-પ્રેશર, આજથી ભારેથી અતિભારે વરસાદ શરૂ, કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ?
ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.
ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી, તેના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને તે બાદ તે આંધ્ર પ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ છે.
આ ડિપ્રેશનને કારણે તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં ગુજરાતમાં આવેલા પૂર જેવી જ ખરાબ પરિસ્થિતિ થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતની નજીક પહોંચતા પહેલાં તે નબળું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં કેટલા દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી?
ચોમાસાના ત્રણ મહિના, જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિના પૂરા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. આ વર્ષે પણ આ બે મહિનામાં જ સૌથી વધારે વરસાદ થયો છે.
જોકે, બંગાળની ખાડી સતત સક્રીય હોવાને કારણે અને તેમાં એક બાદ એક સર્જાઈ રહેલા લૉ-પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ પણ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ડીપ્રેશનની અસરને કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે. જે બાદ લગભગ 7 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ઑગસ્ટ મહિનો પૂરની પરિસ્થિતિની વચ્ચે પૂરો થયો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ભારે વરસાદની સાથે થઈ રહી છે.
ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા?
સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ડિપ્રેશનની અસર થશે અને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો અને છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ વખતના લૉ-પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રીજન પર થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ તથા કેટલીક જગ્યાએ થોડા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતની સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગળ વધીને મજબૂત બનવાની શક્યતા ખૂબ ઓછી અને તે આગળ વધતાની સાથે નબળું પડવાની શક્યતા વધારે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)