પશ્ચિમ બંગાળનાં આ બૂથો પર થશે ફરી મતદાન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
શનિવારે એટલે બીજી મેના રોજ પશ્ચિમ બંગાળનાં 15 બૂથો પર ફરીથી મતદાન કરાવવાનો આદેશ ચૂંટણી પંચે કર્યો છે.
જેમાં મગરાહાટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રનાં 11 બૂથ અને દક્ષિણ પરગનાના ડાયમંડ હાર્બર વિધાનસભા ક્ષેત્રનાં 4 બૂથ સામેલ છે.
ચૂંટણી પંચે આ બૂથોમાં ગરબડની ફરિયાદના આધારે ફરી વખત મતદાનનો આદેશ કર્યો છે.
ચૂંટણી પંચના સચિવ સુજીતકુમાર મિશ્રાએ પત્ર લખીને તેની જાણકારી પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલને આપી છે.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને પહોંચ્યાનો આરોપ, આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષી સભ્યોએ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને પહોંચ્યાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્ય મંત્રી ભગવંત માનનો વિધાનસભામાં બોલતો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેમના પર દારૂ પીને વિધાનસભામાં બોલવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે ઍક્સ પર લખ્યું છે કે, "આજે ફરી એકવાર, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન લોકશાહીના મંદિર, પંજાબ વિધાનસભામાં દારૂ પીને પહોંચ્યા છે."
દરમિયાન, શિરોમણી અકાલી દળે ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મજૂર દિવસ નિમિત્તે મુખ્ય મંત્રી ભગવંત માન વિધાનસભામાં દારૂ પીને પહોંચ્યા તે ખૂબ જ શરમજનક બાબત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અકાલી દળે લખ્યું, "આજે મજૂર દિવસ નિમિત્તે, મુખ્ય મંત્રી ભગવંત માન નશાની હાલતમાં વિધાનસભાના પવિત્ર ગૃહમાં પહોંચ્યા તે ખૂબ જ શરમજનક છે. તમે પોતે જોઈ શકો છો કે મુખ્ય મંત્રી વિધાનસભામાં કેવું વર્તન કરી રહ્યા છે. શિરોમણી અકાલી દળ માંગ કરે છે કે આજે સમગ્ર પંજાબની સામે મુખ્ય મંત્રીનો ડ્રગ ટેસ્ટ કરાવો, જેથી પંજાબના લોકો સત્ય જાણી શકે."
આ દરમિયાન, પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "જ્યારે મુખ્ય મંત્રી નશાની હાલતમાં હોય ત્યારે આપણે વિધાનસભામાં શું કરવાનું? જ્યારે રાજ્યના વડા સંપૂર્ણપણે નશામાં હોય ત્યારે સત્ર યોજવાનો શું અર્થ છે?" અમારી માંગ છે કે દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવે."
આમ આદમી પાર્ટીનો પ્રતિભાવ
આ દરમિયાન, પંજાબ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કૅબિનેટ મંત્રી અમન અરોરાએ પીટીઆઈ સાથે વાત કરતાં કહ્યું, "મુખ્ય મંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબ સરકારે કામદારોની મહેનત અને યોગદાનનું સન્માન કરવા માટે એક ખાસ સત્ર બોલાવ્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "કૉંગ્રેસ પાયાવિહોણા અને બિનજરૂરી નિવેદનો આપી રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ કામદારોના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે અને ગૃહની ગરિમાને નબળી પાડે છે."
'આ ચૂંટણીનું બિલ છે', કૉમર્શિયલ સિલિન્ડરમાં ભાવવધારા પર શું બોલ્યા રાહુલ ગાંધી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ કેન્દ્ર સરકારે એલપીજીના કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો અભૂતપૂર્વ વધારો જાહેર કર્યો છે. આ ભાવવધારો લગભગ 47.8 ટકા જેટલો થાય છે.
એક તરફ ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી એલપીજીની 'અછત' અનુભવાઈ રહી છે અને ગૅસના સિલિન્ડર 'બ્લૅક-માર્કેટ'માં વેચાતા હોવાની ફરિયાદ છે, ત્યારે હવે સત્તાવાર રીતે ભાવ વધવાના કારણે 19 કિલોનો વાદળી રંગનો એલપીજી સિલિન્ડર 3071 રૂપિયા (દિલ્હીના ભાવ)ને પાર કરી ગયો છે. તેવી જ રીતે પાંચ કિલો વજનના 'છોટુ' સિલિન્ડરના ભાવમાં પણ પહેલી મેથી 261 રૂપિયાનો ભારે વધારો કરવામાં આવ્યો છે.
સરકારે ઘરેલુ વપરાશ માટેના 14.2 કિલો વજનના લાલ રંગના ડૉમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો.
ઘરેલુ ઍરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઈંધણના ભાવમાં પણ વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ માટે એટીએફના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
કિંમતમાં વધારો થવાને કારણે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે "પહેલો વાર ગૅસ પર અને હવે પછી પેટ્રોલ-ડીઝલ પર."
તેમણે કહ્યું, "મેં કહ્યું હતું કે ચૂંટણી પછી મોંઘવારીની ગરમી વધશે. આજે કૉમર્શિયલ ગૅસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો થયો. એક જ દિવસમાં સૌથી મોટો વધારો. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 1380 રૂપિયાનો વધારો થયો છે. આ બોજ તમારી થાળી પર પણ પડશે. પહેલો વારો ગૅસનો, પછી વારો પેટ્રોલ-ડીઝલનો."
અમિત શાહે કહ્યું, મુંબઈમાં 1,745 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કની નજીક પહોંચી ગયું છે.
તેમણે એમ પણ કહ્યું કે એનસીબીએએ મુંબઈમાં 1,745 કરોડ રૂપિયાનું 349 કિલો હાઈ-ગ્રેડ કોકેન જપ્ત કર્યું છે.
અમિત શાહે ઍક્સ પરની એક પોસ્ટમાં કહ્યું, "અમે ડ્રગ કાર્ટેલ્સને નિર્દયતાથી કચડી નાખવા માટે કટિબદ્ધ છીએ."
તેમણે કહ્યું, "નાર્કોટિક્સ બ્યૂરોએ મુંબઈમાં એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક પર કાર્યવાહી કરતી વખતે 1,745 કરોડ રૂપિયાનું 349 કિલો હાઈ-ગ્રેડ કોકેન જપ્ત કર્યું છે."
"આ એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે જ્યાં એજન્સીએ નાના કન્સાઇન્મેન્ટથી શરૂઆત કરી હતી અને મોટા નેટવર્ક સુધી વિસ્તરી છે. આ મોટી સફળતા માટે NCB ટીમને અભિનંદન."
રશિયાની ચર્ચા વચ્ચે ઈરાને પાકિસ્તાનને જ ગણાવ્યું સત્તાવાર મધ્યસ્થ

ઇમેજ સ્રોત, Foad Ashtari/SOPA Images/LightRocket via Getty Images
બીબીસી ન્યૂઝ ફારસી પ્રમાણે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બખાઈએ કહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાન સત્તાવાર મધ્યસ્થ છે.
તેમણે ભારપૂર્વક કહ્યું, "ઘણા દેશ આ સંબંધમાં મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ વાતચીતમાં સત્તાવાર મધ્યસ્થ પાકિસ્તાન છે."
એક ટીવી ઇન્ટર્વ્યૂમાં બખાઈએ કહ્યું, "જો વાતચીત કરવાનો નિર્ણય લેવાય છે, તો અમે બધું પારદર્શક રીતે જાહેર કરીશું."
બખાઈએ ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાગચીની હાલમાં જ થયેલી રશિયા યાત્રા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, "વ્યૂહરચનાત્મક ભાગીદારી અંતર્ગત ઈરાન અને રશિયા વચ્ચે રાજકીય, સુરક્ષા અને આર્થિક ક્ષેત્રોમાં મોટા પાયે સહયોગ છે અને હાલની સ્થિતિમાં ઈરાન વિભિન્ન દેશો સાથે વાતચીત કરવા અને પોતાની સ્થિતિ વિશે જણાવવાના પ્રયાસ કરી રહ્યું છે."
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એવું પણ કહ્યું કે રશિયા અને ચીન સાથે રાજદ્વારી સહયોગને કારણે ઈરાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં "ક્ષેત્રના કેટલાક દેશોની દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહીઓ"નો સામનો કરવામાં સફળ રહ્યું છે.
અબ્બાસ અરાગચીના રશિયા પ્રવાસ બાદ એવી ચર્ચા છે કે રશિયા, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી શકે છે.
મધ્ય પ્રદેશ: જબલપુરના બરગી ડૅમમાં 20 વર્ષ જૂનું ક્રૂઝ ડૂબ્યું, છનાં મૃત્યુ, ઘણા ગુમ

ઇમેજ સ્રોત, SHIV CHAUBEY
મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના બરગી ડૅમમાં ગુરુવારે એક મુસાફરો માટેનું ક્રૂઝ ડૂબવાને કારણે ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં છે.
અધિકારીઓએ જણાવ્યું 22 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, અને ઓછામાં ઓછા આઠ લોકો હજુ પણ ગુમ છે.
સીએસપી બરગી અંજુલ અયંક મિશ્રાએ જણાવ્યું, "અકસ્માત અચાનક ખરાબ થયેલા હવામાન અને ઝડપી તોફાન દરમિયાન થયું."
તેમણે કહ્યું, "એનડીઆરએફ, એસડીઆરએફ, સૈન્યની એક ટીમ અને તંત્રના તમામ લોકો અહીં મોજૂદ છે અને બચાવકાર્યમાં લાગેલા છે."
આ અકસ્માત ખમરિયા ટાપુ પાસે 30 એપ્રિલની સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે થયો.
એ સમયે ક્રૂઝમાં લગભગ 35 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.
ક્રૂઝ પાઇલટ મહેશે દાવો કર્યો કે પાછલાં દસ વર્ષથી તેઓ ક્રૂઝ ચલાવી રહ્યા અને સંપૂર્ણપણે પ્રશિક્ષિત અને લાઇસન્સધારક છે.
ઇઝરાયલે ગાઝા માટે મદદ લઈ જઈ રહેલી 22 હોડીઓને રોકી, 175 ઍક્ટિવિસ્ટ કસ્ટડીમાં

ઇમેજ સ્રોત, Global Sumud Flotilla/Handout via REUTERS
પેલેસ્ટાઇન સમર્થક ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે ગાઝા માટે મદદ લઈને જઈ રહેલા એક ફ્લોટિલા (કાફલો)ની 22 હોડીઓને ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે આંતતરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઇઝરાયલનાં દળોએ રોકી લીધી છે.
ગ્લોબલ સુમૂદ ફ્લોટિલા (જીએસએફ)ના આયોજકોએ આ કાર્યવાહીને 'લૂંટ' ગણાવી છે. તેમનું કહેવું છે કે ગાઝાથી 965 કિમી કરતાં વધુ દૂર મોજૂદ લોકોને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવાયા.
ગાઝામાં ઇઝરાયલે નૌસૈનિક નાકાબંધી કરેલી છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે લગભગ 175 ઍક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ છે અને ફ્લોટિલાને 'પીઆર સ્ટન્ટ' ગણાવાયો છે. વિદેશમંત્રી ગિડિયન સારે કહ્યું કે તેમને ગુરુવાર બાદ 'ગ્રીસના એક દરિયાકાંઠે ઉતારવામાં આવશે.'
જીએસએફના આંકડા પ્રમાણે, ફ્લોટિલાની અન્ય 36 હોડીઓમાંથી મોટા ભાગની હાલ ક્રીટના દક્ષિણ કાંઠાની પાસે છે.
આ ફ્લોટિલા બે અઠવાડિયાં પહેલાં રવાના થયો હતો. તેમાં કુલ 58 જહાજ, સ્પેન, ફ્રાન્સ અને ઇટાલીથી સામેલ થયાં હતાં. તેનો હેતુ ગાઝા પર ઇઝરાયલની નાકાબંધીને તોડવાનો હતો.
'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' પર ભાજપે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શો જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
અંદમાન અને નિકોબારના પ્રવાસે ગયેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે મીડિયા સાથે વાત કરતાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "તમારી જમીન તમારી પાસેથી આંચકવામાં આવી રહી છે અને એ ગૌતમ અદાણી અને બીજા મોટા બિઝનેસમૅનને અપાઈ રહી છે. ત્યાં ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ લાગુ નથી થઈ રહ્યો."
તેમણે આગળ કહ્યું, "અહીં વસતા લોકો અને આદિવાસી સમુદાયોને યોગ્ય વળતર નથી મળી રહ્યું અને ચૂપચાપ ભારતનો વારસો છીનવાઈ રહ્યો છે."
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે.
ભાજપે એક્સ પર લખ્યું, "ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના નથી, બલકે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. આ પ્રોજેક્ટ ન માત્ર અંદમાન-નિકોબારને વૈશ્વિક માનચિત્ર પર નવી ઓળખ આપશે, બલકે દેશની સુરક્ષા, વેપાર અને વિકાસને પણ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે."
"પરંતુ કૉંગ્રેસે ક્યારેય આવી દૂરંદેશીવાળા વિચાર નથી રજૂ કર્યા, અને રાહુલ ગાંધી તો અહીં વિદેશી એજન્ટ તરીકે આ પ્રોજેક્ટને રોકવા માટે આવ્યા હતા. જ્યારે મોદીજીના નેતૃત્વમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એક સંદેશ છે - મજબૂત અને વિકસિત ભારતનો."
બુધવારે પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે દેશના લોકોને જણાવશે.
તેમણે કહ્યું, "દેશના લોકોને બતાવશું કે અહીં શું થઈ રહ્યું છે, અંદમાન-નિકોબારના લોકોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરીશું. અંદમાનમાં પાણીની સમસ્યા છે અને ઉપરાજ્યપાલ તરફથી ભ્રષ્ટાચાર પણ ખરો.તેઓ કોઈ રાજાની માફક છે; જે ઇચ્છે છે, એ જ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























