ગુજરાતમાં વરસાદનું જોર ક્યારથી વધશે? શું છે આગાહી?

ગુજરાતમાં વરસાદનું જોર ક્યારથી વધશે? શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય એવું લાગે છે. રાજ્યમાં કોઈ સ્થળે છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદના અહેવાલ નથી.

આ દરમિયાન અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે 17 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં કેટલાંક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહે તેવી આગાહી છે. 18 જુલાઈ માટે પણ આ મુજબની જ આગાહી છે.

મધ્યભારતમાં એક ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે જે આગળ વધીને નબળી પડશે જેથી ગુજરાત પર કોઈ સીધી અસર થાય તેવી શક્યતા નથી.

હવામાન ખાતા પ્રમાણે આગામી બે દિવસ સુધી આવી સ્થિતિ જળવાઈ રહે તેવી શક્યતા છે. 20 તારીખ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ સક્રિય થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન