બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે, કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને સપ્ટેમ્બરના અંત સુધી કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાં ફરીથી લૉ-પ્રેશર એરિયા બનશે અને આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી થઈને ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ સિસ્ટમની અસરને કારણે જ હાલ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે.
આગામી દિવસોમાં હજી પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને જોર વધશે, ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
હાલ રાજ્યમાં એક સાથે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી દીધી છે.
ગુજરાત પર ક્યારે પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં 24 કલાકમાં લૉ-પ્રેશર એરિયા બને એવી શક્યતા છે. હાલ અહીં સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે.
આ સિસ્ટમ બન્યા બાદ આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર પરથી આગળ વધીને તે ગુજરાત પર આવશે, જેના કારણે પહેલાં દક્ષિણ ગુજરાત અને તે બાદ રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.
હાલની સ્થિતિ પ્રમાણે અને જો એમાં કોઈ ફેરફાર ના થાય તો આ સિસ્ટમ 26 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમને કારણે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા, આંધ્ર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધશે.
આ નવી સિસ્ટમ મધ્ય ભારત અને દક્ષિણ ભારત પર ફરીથી વરસાદ લાવશે જેના કારણે ચોમાસાની વિદાય ઘણા વિસ્તારોમાં હજી મોડી થાય તેવી શક્યતા છે.
ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં અહીં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં 25 તારીખથી વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ પડશે.
ગુજરાતમાં 25થી 28 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ પણ પડી શકે છે.
દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 24 સપ્ટેમ્બરથી જ વરસાદનું જોર વધી જશે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.
25થી 28 સપ્ટેમ્બરની વચ્ચે વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વલસાડ અને નવસારી તથા સોરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 66 ટકા વધારે જ્યારે ગુજરાતમાં 23 ટકા વધારે વરસાદ થયો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















