એશિયા કપ : ભારત-બાંગ્લાદેશ વચ્ચેની એ ફાઇનલ જેણે પ્રેક્ષકોના શ્વાસ થંભાવી દીધા હતા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ભારતમાં ઑક્ટોબરમાં યોજાનારા વનડે ક્રિકેટ વર્લ્ડકપ અગાઉની સૌથી મહત્ત્વની સ્પર્ધા એટલે કે એશિયા કપ અત્યારે શ્રીલંકામાં રમાઈ રહ્યો છે.
રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ મૅચ રમાશે.
આમ તો ટુર્નામેન્ટનો પ્રારંભ થયો ત્યારથી રોહિત શર્માની આગેવાનીમાં રમી રહેલી ભારતની ટીમ જ ફૅવરિટ મનાતી હતી પરંતુ ટુર્નામેન્ટના સુપર-4 તબક્કાના અંતિમ ચરણમાં બે મૅચનાં પરિણામ એવાં આવ્યાં જેના પરથી હાલમાં કોઈ ટીમ વિશે આગાહી કરી શકાય તેમ નથી. જે-તે દિવસે સારો દેખાવ કરનારી ટીમ જ વિજય મેળવશે.
તેમાંય ખાસ કરીને શુક્રવારે રમાયેલી મૅચમાં ભારતનો અણધાર્યો પરાજય થયો. બાંગ્લાદેશની ટીમ સામે ભારત છ રનના નજીવા અંતરથી હારી ગયું.
આ અગાઉ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મૅચ પણ એટલી જ રોમાંચક જ રહી હતી. જેમાં છેક છેલ્લા બૉલ સુધી નિશ્ચિત ન હતું કે કઈ ટીમ જીતશે. અંતે અસાલંકાના ચમત્કારને કારણે શ્રીલંકાએ શાનદાર વિજય હાંસલ કર્યો હતો અને દમામભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
બીજી તરફ બાંગ્લાદેશ સામેની અંતિમ મૅચમાં હારી જવા છતાં ભારતીય ટીમ એટલી જ મજબૂત છે કેમ કે આ મેચમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ કે હાર્દિક પંડ્યા જેવા ખેલાડી રમ્યા ન હતા. આ તમામ ખેલાડીઓ રવિવારની ફાઇનલમાં રમવાના છે.
આ તો વાત થઈ આ એશિયા કપની ફાઇનલની પરંતુ ભૂતકાળમાં એવી પણ મૅચો રમાઈ ચૂકી છે જે અંતિમ બૉલ સુધી રોમાંચક સાબિત થઈ હતી. અને ક્રિકેટચાહકો માટે એક યાદગાર સ્મૃતિ બની ગઈ હતી.

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની એ રોમાંચક ફાઇનલ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2018માં યોજાયેલા એશિયા કપની ફાઇનલ આજે પણ બધાને યાદ છે. દુબઈમાં 28મી સપ્ટેમ્બરે ફાઇનલ રમાયેલી ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશનો સામનો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૅચ તેના છેલ્લા બૉલ સુધી પહોંચી હતી. અંતે કોઈ ચોગ્ગા કે છગ્ગાથી નહીં પરંતુ લેગ બાયની મદદથી ભારતે મૅચ જીતી હતી.
લેફ્ટ આર્મ ચાઇનામૅન બૉલર કુલદીપ યાદવ અત્યારે ફૉર્મમાં છે તેવી જ રીતે 2018માં પણ તેમણે બાંગ્લાદેશ સામે વેધક બૉલિંગ કરી હતી અને ત્રણ વિકેટ ઝડપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જેને કારણે બાંગ્લાદેશની ટીમ માત્ર 222 રન કરી શકી હતી. જોકે, આ 222 રનના સ્કોરમાં લિટ્ટન દાસના 121 રન હતા અને તે તેમની વનડે કારકિર્દીની પ્રથમ સદી હતી.
223 રનના ટાર્ગેટ સામે રમતી રોહિત શર્માની ભારતીય ટીમે આ એશિયા કપની માફક જ 2018માં બાંગ્લાદેશને હળવાશથી લીધું હતું. ભારતના કોઈ બૅટ્સમૅન ટકી શક્યા ન હતા.
રોહિત શર્માએ 48 રન ફટકાર્યા તે ટીમમાં સર્વોચ્ચ સ્કોર હતો. તે સિવાય દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોની માંડ ત્રીસીમાં પહોંચ્યા હતા.
આમ, અંતિમ ઓવરમાં તમામ જવાબદારી કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા જેવા બૅટ્સમૅન પર આવી પડી હતી. જોકે, અહીં તેમને ભુવનેશ્વરકુમારનો બેટિંગમાં સહારો મળ્યો હતો.
કુમારે આકર્ષક બેટિંગ કરીને 21 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાડેજાએ વિકેટ બચાવી રાખવાની જવાબદારી ભજવીને 23 રન ફટકાર્યા હતા પરંતુ છેલ્લે આ બંને બૅટ્સમૅન આઉટ થઈ ગયા હતા ત્યારે બધી જ જવાબદારી કેદાર જાધવ પર આવી ગઈ હતી.
અહીં તેમને કુલદીપ યાદવની મદદ લેવી પડી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કેદારે પોતાની આ વાત હસીને કહી હતી કેમ કે તેમને ટીમમાં એક બૉલર તરીકે લેવામાં આવ્યા હતા અને એ દિવસે તે ભારતને એશિયા કપ જિતાડીને હીરો બની ગયા હતા.
તેમણે કહ્યું હતું કે મને એ ખબર હતી કે જો મૅચ છેલ્લા બૉલ પર ગઈ તો અમારો વિજય નિશ્ચિત છે. ભલે હું બીજા કે ત્રીજા ગ્રેડનો બૅટ્સમૅન રહ્યો હોઉં પણ મને એટલી ખબર હતી કે હું એવો બૅટ્સમૅન છું જે ક્યારેક સારી બૉલિંગ પણ કરી શકે છે.
કેદાર જાધવે પણ શાનદાર ભૂમિકા અદા કરી હતી.
મૅચ બાદ કુલદીપે કબૂલ્યું હતું કે આ બાબત મારા માટે નવી હતી પરંતુ કેદારે મને માત્ર ટકી રહેવાનું કહ્યું હતું.

બાંગ્લાદેશ સામે રોમાંચક મૅચોનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ફાઇનલના થોડા સમય અગાઉ જ શ્રીલંકામાં યોજાયેલી નિદાહાસ ટ્રૉફીમાં પણ બાંગ્લાદેશ સામે ભારતનો આવો જ રોમાંચક વિજય થયો હતો.
એ વખતે દિનેશ કાર્તિક બેટિંગ કરી રહ્યા હતા અને મૅચના છેલ્લા બૉલે તેમણે સિક્સર ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. આ જ બે હરીફો હવે દુબઈમાં સામસામે હતા.
આ વખતે દિનેશ કાર્તિક આઉટ થઇને પેવેલિયનમાં પહોંચી ગયા હતા અને તેમને સ્થાને કેદાર જાધવ રમી રહ્યા હતા. તો બૉલર મહમદુલ્લાહ હતા.
કૅપ્ટન મશરફે મોર્તઝાએ છેલ્લી ઘડીએ મહેદી હસનને બૉલિંગ કરતા રોકીને મહમદુલ્લાહને બૉલિંગ આપી હતી.
ભારતને માત્ર છ રનની જ જરૂર હતી પરંતુ તેમણે ઉમદા બૉલિંગ કરીને માત્ર ત્રણ બૉલમાં ચાર રન આપીને ચોથો બૉલ ડોટ ફેંક્યો. પાંચમા બોલે માત્ર એક જ રન આપ્યો. આમ છેલ્લા બૉલે ભારતને એક રનની જરૂર હતી નહીંતર મૅચ ટાઇ પડે તેમ હતી. આ સંજોગોમાં કેદાર મોટો શૉટ તો ફટકારી શક્યા નહીં પરંતુ લેગ બાયનો રન દોડી ગયા જે ભારત માટે પર્યાપ્ત હતો.
ભારતે અત્યાર સુધીમાં એશિયા કપમાં પાંચ ટાઇટલ (વનડેમાં) જીત્યા છે જેમાંથી બાંગ્લાદેશ સામેની 2018ની ફાઇનલને બાદ કરતાં બાકીની તમામ ફાઇનલમાં તેણે શ્રીલંકાને હરાવ્યું છે.
બીજી તરફ શ્રીલંકાએ પણ પાંચ ટાઇટલ જીત્યા છે જેમાંથી તેણે ફાઇનલમાં ત્રણ વાર ભારત અને બે વાર પાકિસ્તાનને હરાવ્યું છે.
હવે રવિવારે શ્રીલંકા તેના ફૅવરિટ એવા આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમવાનું છે અને ફરી એક વાર મુકાબલો ભારત સામે છે ત્યારે કોણ બાજી મારી જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

ભારત-શ્રીલંકા વચ્ચે ફાઇનલ મુકાબલો
એશિયા કપ વનડે ટુર્નામેન્ટની જ વાત કરીએ તો તેમાં ભારત અને શ્રીલંકા આઠમી વખત ફાઇનલમાં ટકરાશે.
સામાન્ય માન્યતા એવી છે કે એશિયા કપ હોય કે એશિયામાં રમાતી કોઈ પણ ટુર્નામેન્ટ હોય, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો નિશ્ચિત જ હોય. પરંતુ એશિયા કપમાં આ વાત બંધબેસતી નથી.
પરંપરાગત રીતે જ એશિયા કપમાં પાકિસ્તાનનો એટલો દબદબો રહ્યો નથી. હા, ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા રોમાંચક રહ્યા હશે પરંતુ આ બંને ટીમો ફાઇનલમાં રમી હોય તેવું ક્યારેય બન્યું નથી.
આ વખતે એવી શક્યતા હતી કે બંને ટીમો ફાઇનલમાં ટકરાય પરંતુ તેના પર અસાલંકાએ પાણી ફેરવી નાખ્યું હતું.
હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ રમાશે.
છેલ્લે 2018માં એશિયા કપ વનડેનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટ હવે વારાફરતી વનડે અને ટી20ના ફૉર્મેટમાં રમાતી હોય છે.
આવી જ રીતે એશિયા કપ કદાચ વિશ્વની એકમાત્ર ટુર્નામેન્ટ હશે જેમાં ભાગ લેનારી ટીમો અંગે હંમેશાં અનિશ્ચિતતા જ રહેતી હોય છે.
ખરેખર તો એશિયાની ટીમો જ તેમાં ભાગ લેતી હોય અને તેમાંય ક્વૉલિફાઈ થયેલી ટીમો જ રમવાની હોય છે. પરંતુ તેમાં એકાદ વાર ભારતે ભાગ ન લીધો હોય તો બીજી વાર પાકિસ્તાનની ગેરહાજરી હોય તેમ બનતું આવ્યું છે.
આ વખતે વર્લ્ડકપના વર્ષમાં દરેક ટીમને પ્રૅક્ટિસ કરવાની છે તે બાબતને ધ્યાનમાં રાખીને તમામ ટીમે ભાગ લેવાનું મંજૂર રાખ્યું છે.
આમ છતાં પાકિસ્તાને શરૂઆતમાં વિરોધ દાખવ્યો હતો અને એવી જ રીતે ભારતે પોતાની ટીમ પાકિસ્તાનનાં મેદાનો પર રમવા નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. અંતે ભારતનું જ ચાલ્યું હતું અને બધી ટીમો એશિયા કપ રમવા માટે રાજી થઈ હતી.
























