જૂનાગઢ: ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરીની કથિત ‘નફરત ફેલાવતા ભાષણ’ના વિવાદમાં ધરપકડ, શું છે મામલો?

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ગુજરાત પોલીસે રવિવારે 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જૂનાગઢમાં કથિત ‘નફરત ફેલાવતું ભાષણ’ આપવાના મામલે મુંબઈથી ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી.
31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મુફતી સલમાન અઝહરીએ કથિતપણે ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું કહેવાય છે.
આ ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોને આધારે જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરી હતી અને એફઆઈઆર નોંધી હતી.
પોલીસે સલમાન અઝહરી સહિત કાર્યક્રમના આયોજકો એવા અન્ય બે લોકો સામે પણ એફઆઈઆર નોંધી છે અને તેમની પણ ધરપકડ કરી છે.
મુફતી મુંબઈમાં હતા જ્યાંથી તેમની પોલીસે ધરપકડ કરી હતી. મુફતી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમને તાત્કાલિક છોડી દેવાની માગ કરી રહ્યા હતા. પરિસ્થિતિને જોતા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
ગુજરાત પોલીસે સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે અને તેને ગુજરાત લઈ જવામાં આવ્યા હતા.
મોડાસાની કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL
મૌલાના મુફ્તી સલમાન અઝહરીને પોલિસ બંદોબસ્ત સાથે મોડાસા કોર્ટમાં હાજર કરવામાં આવતા પાંચ દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. સવારે 11 વાગ્યે મોડાસા ડીવાયએસપી કચેરી ખાત મૌલાના મુફ્તી સલમાન અઝહરીને લાવવામાં આવ્યા હતા.
જેમની પર આરોપ હતો કે, 24 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેમણે ધાર્મિક લાગણી દુભાય તેવું ભાષણ આપ્યું હતું, અને અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણી કરી હતી, સમગ્ર ઘટના બાબતે મોડાસા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ફરિયાદી બન્યા હતા અને ટાઉન પોલિસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર મામલે 12 ફેબ્રુઆરીના રોજ અરવલ્લી જિલ્લા કોર્ટમાં મુફ્તી સલમાન અઝહરીને રજૂ કરવામાં સરકારી વકીલે 10 દિસના રીમાન્ડની માંગ સામે કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.
બચાવ પક્ષના વકીલ એમ.જી. સદાએ કહ્યું હતું કે "તેમણે કોર્ટમાં જરૂરી ખુલાસા કરતા કોર્ટે તેમને વાત કોર્ટે સાંભળી હતી અને 4 દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા છે."
ઍટ્રોસિટી કલમ દાખલ કરવા બાબતે તેમણે કહ્યું, "રણવીર સચ્ચર કમિટીના અહેવાલને ટાંકીને તેમણે નિવેદન આપ્યું હતું, જેનું અલગ રીતે અર્થઘટન કરીને ઍટ્રોસિટી કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કોઈ જાતિનું અપમાન કર્યું હોય તેવું નથી."
બીજી બાજુ સરકારી વકીલ ડી.એસ. પટેલે કહ્યું હતું, "જે કાર્યક્રમ હતો, જેમાં ઉશ્કેરણીજનક શબ્દો હતા, જેને કારણે મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો."
સરકારી વકીલે વધુમાં કહ્યું હતું, "જે કાર્યક્રમ થયો, તેમાં કોનું ફંડિગ હતું, બૅન્કની વિગતો સહિતની જાણકારી મેળવવા માટે 17 તારીખ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે."
મુફતી સલમાન અઝહરીએ શું કહ્યું હતું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણની એક 21 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
આ કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય.
તેઓ કહે છે, "દુનિયા આજે આપણને સંભળાવે છે કે તમે જો એટલા જ સાચા છો તો કેમ મરી રહ્યા છો. પેલેસ્ટાઈનમાં કેમ તમારા આટલાં બધાં મૃત્યુ થયાં? ઇરાક, યમન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશો અને મ્યાનમાર...દરેક જગ્યાએ કેમ તમે મરી રહ્યા છો?"
"યુવાનો, તમે એ જુલમ કરનારાઓને જવાબ આપજો કે મુફતી આઝમે અમને શીખવ્યું છે... અમે રસુલુલ્લાહના સેવકો છીએ. જે જન્મે છે તે મરવા માટે જ જન્મે છે. જીવવા માટે નથી આવતા."
"જો આપણને ક્યાંય મારવામાં આવે છે, તો એક વાત યાદ રાખો કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નથી થતો. જો ઇસ્લામ ખતમ થવાનો હોત તો કરબલામાં જ થઈ જાત. ઇસ્લામનું સત્ય એ છે કે ઇસ્લામ જીવંત રહે છે... દરેક કરબલા પછી પણ જીવંત રહે છે."
તેઓ કહે છે, "ના ધબરાઓ એ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. જો લોગ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મેદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ. ફિર શોર આયેગા. આજ *** કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા."
એવું કહેવાય છે કે તેમના આ નિવેદનને કારણે વિવાદ થયો છે.
કસ્ટડીમાં લેવાતા પહેલાં મુફતી સલમાન અઝહરીએ પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે - "સંજોગો ગમે તેવા હોય કોઈએ આવેશમાં હોશ ગુમાવવો જોઈએ નહીં, હું તમારી સામે છું અને હું ગુનેગાર નથી અને હું આરોપી નથી. મને અહીં કોઈ ગુના માટે લાવવામાં આવ્યો નથી."
"મારા ભાષણ અંગે જે પણ તપાસ કરવાની હશે તે તેઓ કરી રહ્યા છે અને અમે સહકાર આપી રહ્યા છીએ. તમારે પણ સહકાર આપવો જોઈએ. જે થશે તે સારું થશે, જો ધરપકડ મારા નસીબમાં લખેલી હશે છે તો હું તેના માટે પણ તૈયાર છું."
તેમની અપીલ પછી ઘાટકોપરમાં એકઠી થયેલી ભીડ વિખેરાઈ ગઈ હતી અને ત્યારપછી તેમને ગુજરાત લાવવામાં આવ્યા હતા.
મૌલાના મુફતી સલમાન અઝહરીના વકીલ આરિફ સિદ્દીકીએ કહ્યું, "પોલીસે તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરી હતી, અમે તેનો વિરોધ કર્યો હતો અને અમે એમ પણ કહ્યું કે તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા છે. કાયદા મુજબ પહેલાં અમને નોટિસ આપવી જોઈતી હતી જે અમને આપવામાં આવી ન હતી. તેમને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. અમને કહેવામાં આવ્યું છે કે તેમને જૂનાગઢ લઈ જવામાં આવશે."
એફઆઈઆરમાં શું કહેવામાં આવ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત પોલીસે મુફતી સલમાન અઝહરી અને બંને આયોજકો મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ હબીબ ઓડેદરા સામે કલમ 153-બી (વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે દ્વેષ ફેલાવવો), 505(2) હેઠળ ગુનો નોંધ્યો છે.
એફઆઈઆર પ્રમાણે આયોજકોએ જૂનાગઢની નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે મુસ્લિમ સમુદાયના આગેવાનોને તેમજ મૌલાનાઓને આમંત્રણ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરીએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે રીતે ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોવાનો આરોપ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યો છે.
એફઆઈઆર પ્રમાણે તેમણે આ કાર્યક્રમની મંજૂરી નશામુક્તિ અંગેની જાગૃતિ ફેલાવવા માટે લીધી હતી. તેમના પર આરોપ છે કે તેમણે સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઇરાદે ભડકાવનારું ભાષણ કર્યું છે.
મુફતી સલમાન અઝહરી કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
તેમની અધિકૃત યુટ્યૂબ ચેનલ પર આપેલી માહિતી અનુસાર મુફતી સલમાન અલ-અઝહરી મુંબઈ સ્થિત સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે. તેઓ ધાર્મિક ઉપદેશક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ ધરાવે છે.
તેમણે ‘ઇસ્લામિક દાવા’ઓ પર જામિયા અલ-અઝહર, ઇજિપ્તથી ગ્રેજ્યુએશન કર્યું છે.
મુફતી સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનના સ્થાપક છે.
તેઓ મુખ્યત્વે સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મુસ્લિમ સમુદાયમાં તેમણે તેમનાં ભાષણો અને માર્ગદર્શનથી ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.
તેમની યુટ્યૂબ ચેનલ પર તેમના 4.6 લાખથી વધુ ફૉલોઅર્સ છે.
કેટલાક મુદ્દાઓ જેના પર તેઓ બોલતા જોવા મળ્યા છે તે આ પ્રમાણે છે...
- શું આપણે મૂર્તિની પૂજા કરી શકીએ?
- ગરીબ નવાઝ ભારત કેવી રીતે આવ્યા?
- શું ઇસ્લામ કરતાં સારો કોઈ ધર્મ છે?
- દિલને શાંતિ કેવી રીતે મળશે?
- ઇસ્લામનો અસલી હીરો કોણ છે?
- અલ્લાહની મદદ પેલેસ્ટાઈનમાં આવશે






















