You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડા: ઠાસરામાં શ્રાવણી અમાસે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો કેવી રીતે થયો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ખેડા જિલ્લાના ઠાસરામાં શુક્રવારે બપોરે શિવજીની શોભાયાત્રા નીકળી હતી. સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ પ્રમાણે આ શોભાયાત્રા જ્યારે તીન-બત્તી વિસ્તારમાં પહોંચી હતી ત્યારે બે સમુદાયો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી જે ત્યારબાદ બોલાચાલી અને પથ્થરમારામાં પરિણમી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રામાં 700થી 800 લોકો સામેલ હતા.
પથ્થરમારાને કારણે ત્રણ પોલીસકર્મીઓ સહિત ઘણા લોકોને ઈજાઓ થઈ છે. પોલીસને ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
જોકે, પરિસ્થિતિ વણસે એ પહેલાં પોલીસે નિયંત્રણ મેળવી લીધું હતું અને અલગ-અલગ વિસ્તારોમાં કૉમ્બિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું.
પોલીસે બંને સમુદાયોના લોકોને મળીને તરત જ શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
પથ્થરમારાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
ઘટના શું બની હતી?
ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવની શ્રાવણના છેલ્લા દિવસ એટલે કે અમાસના રોજ શોભાયાત્રા નીકળી હતી.
આ શોભાયાત્રા બપોરે નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને શહેરના બજાર વિસ્તારમાં આવી પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઢળતા બપોરે શોભાયાત્રા મોટા સૈયદવાડા- તીનબત્તી પહોંચી હતી જ્યાં બંને સમુદાયોના યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તેણે આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતાજોતામાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
પીટીઆઈના અહેવાલ અનુસાર, ખેડા જિલ્લાનાં એસપી રાજેશ ગઢિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “જ્યારે શોભાયાત્રા તીનબત્તી વિસ્તારમાં પહોંચી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરો અને ઇંટો ફેંકવાના ચાલુ કર્યા હતા. પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પથ્થરમારામાં એક સબ ઇન્સ્પેક્ટર, બે કૉન્સ્ટેબલ અને કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. પથ્થરમારો પૂર્વાયોજિત હતો કે ન હતો તેનું હજુ સુધી તારણ મળ્યું નથી.”
હિન્દુ પક્ષના ફરિયાદીએ શું કહ્યું?
આ ઘટના પછી કુલ ત્રણ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં બંને સમુદાયો સિવાયની એક એફઆઈઆરમાં પોલીસ પણ ફરિયાદી બની છે.
હિન્દુ પક્ષ તરફથી વિજયકુમાર પરમારે નોંધાવેલી એફઆઈઆરમાં કુલ 17 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
એફઆઈઆરમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના આશયથી શોભાયાત્રામાં વિક્ષેપ ઊભો કરવા માટે સંગઠિત થઈને અનેક લોકોએ પથ્થરમારો કર્યો છે.
ફરિયાદ અનુસાર આ યાત્રા જ્યારે તીનબત્તી પાસે પહોંચી ત્યારે પચાસેક જેટલા મુસ્લિમ આગેવાનોએ શોભાયાત્રામાં ડીજે બંધ કરી દેવા માટે કહ્યું હતું. ત્યારબાદ મામલો વણસતા ધાબા પરથી પથ્થરમારો થયો હતો.
કલમ 143, 147, 148, 149, 153-એ, 295-એ, 323,324, 504, 505 અને 506(2) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુસ્લિમ પક્ષના ફરિયાદીએ શું કહ્યું?
મુસ્લિમ પક્ષ તરફથી ઝાહીદઅલી મહમદઅલી સૈયદે નોંધાવેલી ફરિયાદમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી અને હિન્દુ પક્ષના હજારથી પંદરસો માણસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
તેમનો આરોપ છે કે મોટા સૈયદવાડા પાસે શોભાયાત્રામાંથી એક હિન્દુ વ્યક્તિએ ખુલ્લી તલવાર બતાવીને ઉશ્કેરણી કરી હતી અને ગાળાગાળી કરી પથ્થરમારો કર્યો હતો.
આ સિવાય શોભાયાત્રાના આ ટોળાએ મદરેસામાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
જોકે ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બંને બાજુથી પથ્થરમારો થયો હતો અને પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી.
કલમ 143, 147, 148, 149, 153-એ, 295-એ, 323,324, 504 અને 427 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ પણ ફરિયાદી બની
આ મામલામાં ઠાસરા પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નારાયણભાઈએ મહંમદઅબરાર, લકેત અલી, આદીલ, સૈયદ મહમદ અમીન મન્સુરઅલી અને અન્ય સિત્તેર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમને આ પથ્થરમારામાં ઈજા થઈ હતી.
ફરિયાદ પ્રમાણે આરોપીઓ આ શોભાયાત્રામાં રૂકાવટ ઊભી થાય તેવું ઇચ્છતા હતા અને તેમણે પથ્થરમારો કર્યો હતો. પોલીસે જ્યારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પોલીસની ફરજમાં પણ રૂકાવટ ઊભી કરીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો અને તેમને ઈજા પહોંચાડી હતી.
મદરેસાના ધાબેથી અને નીચે ચોકમાં એકઠા થયેલા આશરે સિત્તેર લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો તેવો પણ ફરિયાદમાં આરોપ છે.
કલમ 143, 147, 148, 149, 332, 323 અને 324 હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલામાં અત્યાર સુધીમાં 11 લોકોની પોલીસે અટકાયત કરી છે. એસપી રાજેશ ગઢિયાના જણાવ્યા અનુસાર હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ઠાસરામાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો ચાલુ છે.