ગુજરાત યુનિવર્સિટી : વિદેશી વિદ્યાર્થીઓને નમાજ પઢવાની ના પાડનારા યુવકો કોણ હતા?

ઇમેજ સ્રોત, BBC/UGC
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
શનિવારે ગુજરાત યુનિવર્સિટીના હૉસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર નમાજ પઢવા મામલે થયેલા હુમલા બાદ ગુજરાતમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે ગંભીર સવાલ ઊઠ્યા હતા.
આ મામલે ગુજરાત પોલીસે 20-25 લોકોના ટોળા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.
વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ કેટલાકને ઈજા થતાં સારવાર માટે દાખલ પણ કરવા પડ્યા હતા.
આ સમગ્ર મામલો સામે આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં છવાઈ ગયો હતો.
આરોપ પ્રમાણે યુનિવર્સિટી હૉસ્ટેલના એ બ્લૉકમાં વિદેશી વિદ્યાર્થીઓ રાત્રે રમજાન મહિનાની નમાજ પઢી રહ્યા હતા એ દરમિયાન કેટલાક બહારના લોકોએ વિદ્યાર્થીઓને ‘જાહેરમાં નમાજ કરવા મામલે સવાલ કર્યા હતા અને કહ્યું હતું કે આના માટે મસ્જિદ છે.’
કથિતપણે આ ઘટનાને લગતા વાઇરલ વીડિયોમાં હુમલાખોરો ધાર્મિક નારા લગાવતા, પથ્થરમારો કરતા અને વાહનોમાં તોડફોડ કરતાં દેખાઈ રહ્યા છે.
આ ઘટના સામે આવ્યા બાદથી વિદ્યાર્થીઓને નમાજ મામલે સવાલ પૂછનારા અને હુમલો કરનારા આ યુવકો કોણ હતા તેવો સવાલ ઊઠ્યો હતો.
વિશ્વ હિંદુ પરિષદે કહ્યું – ‘અમારા કાર્યકર્તાઓ બહાર નમાજ કેમ પઢો છો એ પૂછવા ગયા હતા’

ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) મહામંત્રી નલિન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંગઠનના કાર્યકર્તા હિંદુ વિદ્યાર્થીઓએ ફોન કર્યા બાદ નમાજ બહાર પઢવાનાં કારણો અંગે પૂછવા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે, "અમારા ત્રણ-ચાર કાર્યકર્તા જાહેરમાં નમાજ પઢતા વિદ્યાર્થીઓને બહાર નમાજ પઢવાનાં કારણો અંગે પૂછવા ગયા હતા. ત્યારે વિદ્યાર્થી દ્વારા શાંતિથી વાત કરવાને બદલે લાફો મારી દીધો હતો.”
તેમણે વિદેશી વિદ્યાર્થીઓ પર લાફો મારી ઘર્ષણ શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો.
નલિન પટેલે કહ્યું હતું કે, “આ લાફો મારવાની ઘટના અંગે પણ તપાસ થવી જોઈએ. લાફો માર્યા બાદ ત્યાં તોડફોડ થઈ હતી, જેની જવાબદારી અમે લેતા નથી. વીએચપીના કાર્યકર્તા તોડફોડમાં સામેલ નહોતા. આ ઉપરાંત ત્યાં ઉર્દૂમાં લખાણ લખવામાં આવ્યું હતું. જે અંગે પણ તપાસ થવી જોઈએ. અમે માંગ કરીએ છીએ કે બંને પક્ષની તપાસ કરાય."
આ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને પકડાયેલા આરોપી તેમજ હુમલો કરવામાં તેમના સંગઠનના કોઈ માણસ સામેલ હતા કે કે કેમ એ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે તેઓ આ અંગે કોઈ વાત નહીં કરે.
શનિવારે રાતે બનેલી ઘટનાના પ્રત્યક્ષદર્શી અને ગુજરાત યુનવર્સિટીના એમબીએ અભ્યાસક્રમમાં ભણતા વિદેશી વિદ્યાર્થી માઇકલે સમગ્ર ઘટના અંગે કહ્યું હતું કે, " હું ખ્રિસ્તી છું. ઘટના બની એ સમયે હું મારા રૂમમાં હતો. અમારી હૉસ્ટેલના કેટલાક મુસ્લિમ મિત્રો નમાજ પઢી રહ્યા હતા. તે સમયે કેટલાક લોકો આવીને વિવાદ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ત્યાં લોકોનું ભારે ટોળું ભેગું થયું હતું અને તેમણે અમારાં વાહનો તેમજ રૂમમાં તોડફોડ શરૂ કરી હતી. મારું લૅપટૉપ પણ તોફાની ટોળાએ તોડી નાખ્યું, તેમજ મારા છ હજાર રૂપિયાની પણ ચોરી થઈ છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ઘટના બાદ મારી ઍમ્બૅસીની ઑફિસ દ્વારા મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ઍમ્બૅસી દ્વારા મારા પિતાને પણ જાણ કરવામાં આવી હતી. મારા પિતા ગભરાઈ ગયા હતા. તેમને મને ફોન કરીને અહીંયાની સ્થિતિ અંગે પૂછ્યું હતું. મે તેમને આ અંગે મારી માતાને ન જણાવવા અંગે કહ્યું હતું. કારણ કે, એ ખૂબ જ લાગણીશીલ છે. હું છેલ્લા છ મહિનાથી અમદાવાદમાં રહું છું. મારો ભારતીય લોકો સાથેનો અનુભવ ખૂબ જ સરસ છે. આજે પણ હું મારી કૉલેજમાં ગયો હતો. મને જોઈને મારા ક્લાસના મિત્રો મને ભેટી પડ્યા હતા. તેમજ આ અનિચ્છનીય ઘટના અંગે સૉરી કહ્યું હતું."
આ ઘટનાના બીજા પ્રત્યક્ષદર્શી અને ગુજરાત યુનિવર્સિટીમાં જ એમબીએનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થી એવા જીબુતિના હમઝાએ હુમલા અંગેનો ઘટનાક્રમ જણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું, " અમે નમાજ અદા કરી રહ્યા હતા. તે સમયે કેટલાક લોકોએ આવીને ત્યાં નમાજ ન પઢવા માટે કહ્યું. અમે અહીં પહેલાં પણ નમાજ પઢી ચૂક્યા છીએ, અમારી પહેલાં પણ અહીં વિદ્યાર્થીઓ નમાજ પઢતા હતા. હુમલો કરનાર લોકો હિન્દુ નહીં, પરંતુ તોફાની તત્ત્વો હતાં.”
તેઓ ગુજરાતમાં પોતાના અનુભવ વિશે વાત કરતાં કહે છે કે, “અમે ભણવા આવ્યા ત્યારથી અમારી સાથે ખૂબ જ સારું વર્તન કરવામાં આવ્યું છે. અમારી સાથે દરેક ધર્મના લોકો રહે તેમજ ભણે છે. "
તેમણે ઘટના બાદ પોતાના પરિવારને થયેલી અસર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "મારા પરિવારના લોકોને આ ઘટના અંગે જાણ થતાં તેઓ ખૂબ જ ડરી ગયા હતા. તેઓ સતત મારા અને ઍમ્બૅસીના સંપર્કમાં છે. જોકે, હવે સ્થિતિ નૉર્મલ છે. મેં મારા પરિવારને કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી.”
‘એનઆરઆઈ હૉસ્ટેલમાં નમાજ પઢવા નહીં દઈએ’

ઇમેજ સ્રોત, Laxmi Patel
આ સમગ્ર બનાવ બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિદેશી વિદ્યાર્થીઓને એન.આર.આઈ. હૉસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે, એવું જણાવતાં ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા કહે છે, "એન.આર.આઈ. હૉસ્ટેલ બની ગઈ હતી, પરંતુ તેને ફાયર એન.ઓ.સી. મળ્યું ન હતું. જેને કારણે અમે વિદ્યાર્થીઓને શિફ્ટ કર્યા નહોતા. હવે એન.ઓ.સી. મળી ગયું છે. વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં હૉસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે. હાલ યુનિવર્સિટીમાં 280 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે."
યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને જે એન.આર.આઈ. હૉસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે ત્યાંના નિયમો અંગે સવાલો ઊઠ્યા હતા.
કારણ કે નિયમોમાં ‘જાહેર સ્થળે કોઈ પણ ખાનગી કે ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી દૂર રહેવાની ભલામણ કરાઈ છે.’
આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નીરજા ગુપ્તાએ કહ્યું હતું કે, “એન.આર.આઈ. હૉસ્ટેલમાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કે કાર્યક્રમ ન કરવા અંગેની ગાઇડલાઇન છે, જે દરેક ધર્મના લોકોને લાગુ પડે છે. અમે વિદ્યાર્થીઓને નમાજ પઢવા દઈશું નહીં. માત્ર નમાજ નહીં, પણ અન્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ અમે એન.આર.આઈ હૉસ્ટેલમાં યોજવા દઈશું નહીં.”
તેમના આ નિવેદન સામે બીબીસી ગુજરાતીએ તેમને એન.આર.આઈ. હૉસ્ટેલ સિવાય અન્ય હૉસ્ટેલોમાં લાગુ નિયમો અંગે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “બધી હૉસ્ટેલો માટે આ જ નિયમો છે, જો કોઈ કાર્યક્રમ યોજવો હોય તો હૉસ્ટેલ અને યુનિવર્સિટીના સત્તાધીશોની પરવાનગી લેવાની હોય છે.”
હુમલો કરનારામાં કોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે કે નહીં? તે અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "જે લોકોએ ધમાલ કરી છે, તેમાં કોઈ પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી નહોતા. જે વિદ્યાર્થી દ્વારા થપ્પડ મારવામાં આવી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે, તેમજ તેની ઍમ્બૅસી સાથે વાત કરી રિપોર્ટ આપવામાં આવશે."
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું, "જો હૉસ્ટેલમાં રહેતો કોઈ વિદ્યાર્થી આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે મૌખિક ચેતવણી, ઍમ્બૅસી કે વિદેશ મંત્રાલયને જાણ સુધીની કાર્યવાહી કરી શકાય છે."
અત્યાર સુધી કૉર્ટમાં શું શું થયું?

ઇમેજ સ્રોત, Laxmi Patel
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કામના આરોપીઓ ભરત પટેલ, હિતેશ મેવાડા, સાહિલ દૂધકિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા.
પોલીસે આ ત્રણેય આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના તા.20 માર્ચ બુધવાર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રિમાન્ડ માટે પોલીસે નીચે મુજબનાં કારણ રજૂ કર્યાં હતાં.
1. આરોપીએ ઉપયોગમાં લીધેલી છરી તથા લાકડી તથા ડંડા જેવાં હથિયાર કબજે કરવાનાં બાકી હોઈ આરોપીઓની પોલીસ કસ્ટડીની જરૂરિયાત છે.
2. આરોપીઓ સાથે અન્ય વીસેક જેટલા સહઆરોપીઓ સંડોવાયેલા હોઈ, તેમનાં પૂરાં નામ-સરનામાં આરોપીઓ પાસેથી જાણવા પોલીસ કસ્ટડીની જરૂર છે.
3. આરોપીઓને વિશ્વાસમાં લઈ એકધારી તપાસ કરવામાં આવે તો ગુનાના મૂળ સુધી પહોંચી શકાય છે.
4. આ કામના આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનામાં સડોવાયેલા છે કે કેમ? એ દિશામાં તપાસ કરવાની જરૂર છે.
5. આ ગુનામાં સોશિયલ મીડીયામાં ઘણા બધા વીડિયો વાઇરલ થયેલ છે, જે વીડિયોના ફૂટેજ પકડાયેલા આરોપીને બતાવી અન્ય સહઆરોપીની ઓળખ બાબતે પૂછપરછ કરવાની જરૂર છે.
6. આ સમગ્ર ઘટના સુનિયોજિત કાવતરું હતું કે કેમ? અને આરોપીઓ પાછળ કોઈનો દોરીસંચાર હતો કે કેમ? એ સબંધે તપાસ કરવા માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ ઘટનામાં અગાઉ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ સોમવારે ત્રણની ધરપકડ કરાઈ છે.”
આ કેસમાં બચાવ પક્ષના વકીલ નિશિથ ઠક્કરે જણાવ્યું હતું કે, "સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો રિમાન્ડ ન આપવા જોઈએ. પોલીસ દ્વારા રિમાન્ડ અરજીમાં ચપ્પાની વાત કરવામાં આવી છે, જે ફરિયાદમાં નથી.”
તેઓ આરોપીઓના બચાવમાં કહે છે કે, “યુનિવર્સિટી એ ધાર્મિક સંસ્થા નથી, ત્યાં જાહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા નમાજ પઢવામાં આવી રહી હતી. જે અંગે પૂછપરછ કરવા એક વ્યક્તિ જાય છે અને ત્યાર બાદ વિડિયો વાઇરલ થાય છે. એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નમાજ પઢતો એક યુવક ઊભો થઈને આવીને અન્ય એક વ્યક્તિને થપ્પડ મારી દે છે. જેના પ્રતિક્રિયાના ભાગરૂપે આ ઘટના બની હતી.”
વકીલ નિશિથ ઠક્કર આ ઘટનાને જાણીજોઈને મોટું સ્વરૂપ અપાઈ રહ્યું હોવાનો આરોપ કરતા કહે છે, “ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં પડેલા ડંડા લઈને તોડફોડ કરવામાં આવી હતી. જે દર્શાવે છે કે તેમનું કોઈ પૂર્વાયોજન ન હતું, પરંતુ આ ઍક્શનના રિઍકશનમાં બનેલી ઘટના છે. આ ઘટનાને મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.”
“પોલીસ દ્વારા બાદમાં આઈપીસીની કલમ 452 ઉમેરવામાં આવી છે. જેમાં પણ સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ ઘટના હૉસ્ટેલમાં બની છે. હૉસ્ટેલમાં કોઈ પણ આવી જઈ શકે છે. હૉસ્ટેલ એ પ્રતિબંધિત જગ્યા નથી. કોઈ ગુનાહિત ઇરાદાથી પ્રવેશ કરવામાં આવેલ નથી. આરોપીઓની ફરિયાદ લેવામાં આવેલ નથી. કોર્ટમાં પણ અમે ઉપર મુજબ દલીલ કરી હતી."























