કૂતરાની જેમ શું સાપને પાળી શકાય કે ઘરમાં રાખીએ તો જેલ થાય, શું કહે છે ભારતનો કાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
દક્ષિણ ભારતના એક લોકપ્રિય વીડિયો ટ્યૂબર ડીટીએફ વાસને અજગર સાથેનો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યા પછી વનવિભાગે ચેન્નાઈમાં તપાસ હાથ ધરી છે.
ડીટીએફ વાસન દાવો કરે છે તેમ ભારતમાં અજગર ઘરમાં રાખી શકાય? તામિલનાડુનો વનવિભાગ શું કહે છે? આવા યૂટ્યૂબ વીડિયોનાં જોખમ શું હોય છે?
શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ડીટીએફ વાસને યૂટ્યૂબ પર તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. એ વીડિયોમાં તેમણે એક સાપને હાથમાં પકડ્યો હતો.
વીડિયોમાં વાસને એમ પણ જણાવ્યું હતું કે તેમણે બે વર્ષની વયનો સાપ કાયદેસર રીતે ખરીદ્યો હતો અને તેનું નામ પપ્પી રાખ્યું હતું. સાપ માટે પાંજરું ખરીદવા વાસન તિરુવોત્રિયુરની એક દુકાનમાં પણ ગયા હતા.
સાપનો વીડિયો પ્રસારિત થયા બાદ સોશિયલ મીડિયા બાબતે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ડીટીએફ વાસને તિરુવોત્રીયુરની જે દુકાનનો ઉલ્લેખ કર્યો હતો તેમાં વનવિભાગે સોમવારે દરોડો પાડ્યો હતો. એ દરોડાની વિગત જાહેર કરવામાં આવી નથી.
ભારતમાં ઘરમાં સાપ રાખવાની છૂટ છે?

ઇમેજ સ્રોત, YOUTUBE
ડીટીએફ વાસને વીડિયોમાં જણાવ્યું હતું કે તેમના હાથમાં જે સાપ છે તે બોલ પાયથોન પ્રજાતિનો છે.
સવાલ એ છે કે કોઈ વ્યક્તિ ઘરમાં સાપને ઉછેરી શકે?
કોઇમ્બતૂરમાં વાઇલ્ડલાઇફ ઍન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના સંયોજક સિરાજુદ્દીન કહે છે, "ભારતીય વનસંરક્ષણ કાયદા 1972 મુજબ, ભારતમાં જોવા મળતા કોઈ પણ પ્રજાતિના સાપને પકડવા, રાખવા, તેનું પ્રજનન કરાવવું, વેચવા, અન્ય વ્યક્તિને આપવા અથવા કે મારી નાખવા એ ગુનો છે. તેથી કોઈ પણ વ્યક્તિ સાપની એક પણ પ્રજાતિનું સંવર્ધન કરી શકે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જોકે, બોલ પાયથોન જેવી વિદેશી પ્રજાતિના સાપને ઉછેરી શકાય, પણ એ માટે પરવાનગી લેવી જરૂરી છે. કોઈ અન્ય પ્રજાતિના સાપને ઘરમાં રાખવામાં આવ્યા હોય તો વનવિભાગ તત્કાળ પગલાં લઈ શકે છે."
વન અધિકારીની સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, CHENNAI CUSTOMS
આ વાતની પુષ્ટિ કરતાં તામિલનાડુના વનવિભાગના ચીફ વૉર્ડન રાકેશ ડોગરા કહે છે, "ભારતમાં કોઈ સામાન્ય સાપને સુદ્ધાં ઘરમાં રાખવાની છૂટ નથી. ભારતમાં જોવા મળતા તમામ સાપ શેડ્યુલ-વન હેઠળ આવરી લેવાયા છે. જોકે, વિદેશથી લાવવામાં આવેલી પ્રજાતિઓને ઘરમાં રાખવાની છૂટ છે. આ માટે પરિવેશ નામની વેબસાઇટ કામ કરી રહી છે. જેમણે આ સંદર્ભે પરવાનગી મેળવી નથી તેમણે ઑગસ્ટ સુધીમાં જરૂરી પરમિશન મેળવી લેવાની છે."
યૂટ્યૂબ વીડિયોનાં જોખમો
સિરાજુદ્દીનના જણાવ્યા મુજબ, આ પ્રકારના યૂટ્યૂબ વીડિયોનાં જોખમો પણ છે.
તેઓ કહે છે, "કેટલાક યૂટ્યૂબર વિદેશ જાય છે અને પોતે હરણ તથા સાપનું માંસ ખાતા હોય તેવા વીડિયો બનાવે છે. ભારતમાં હરણ કે સાપને મારવા પર પ્રતિબંધ છે. આવી વીડિયો પ્રસારિત થાય તો અન્ય લોકોને એવું કરવાનું પ્રોત્સાહન મળી શકે છે. તેથી આવા વીડિયો બનાવવાનું ટાળવું જોઈએ."
બોલ પાયથોન એક બિન-ઝેરી સાપ છે, જે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં ઘાસિયાં મેદાનોમાં રહે છે. સાપની પર્વતીય પ્રજાતિઓમાં બોલ પાયથોન સૌથી નાનો સાપ છે.
પ્રાણીઓ પાળતા લોકોને વેચવા માટે ક્યારેક આવા સાપ વિદેશથી દાણચોરી દ્વારા દેશમાં લાવવામાં આવે છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં બૅંગકૉકથી આવેલી એક વ્યક્તિ પાસેથી નવ બોલ પાયથોન સાપ જપ્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રેવેન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે ચેન્નાઈ ઍરપૉર્ટ પરથી 12 બોલ પાયથોન સાપ જપ્ત કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















