ગુજરાતમાં હવામાન ફરી પલટાશે, આ તારીખથી શરૂ થશે નવો રાઉન્ડ, કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પૂરું થતાં પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે અને તેની અસર ગુજરાત પર થશે અને રાજ્યમાં ફરીથી જતાં-જતાં ચોમાસું સક્રિય થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ છે, માત્ર દક્ષિણના કેટલાક વિસ્તારોમાં જ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદ બંધ હોવાને કારણે અનેક વિસ્તારોમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
એક તરફ વરસાદ અને બીજી તરફ ચોમાસું વિદાય લઈ શકે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે.
ગુજરાતમાં ફરી કેમ પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવાની છે. સૌપ્રથમ સાયક્લૉનિક સર્ક્યુલેશન અને તે બાદ તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા બનવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 23 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની જશે અને તે ભારતના ભૂભાગો તરફ આગળ વધશે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ઓડિશા, આંધ્ર પ્રદેશ પરથી થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. લૉ-પ્રેશર એરિયા મહારાષ્ટ્ર પર પહોંચ્યા બાદ ગુજરાતમાં પણ તેની અસર દેખાવાની શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ક્યારે અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 સપ્ટેમ્બરની આસપાસથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને ત્યારબાદ ચારથી પાંચ દિવસો સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે ગુજરાત રીજનમાં 25, 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ વિસ્તારોનો ગુજરાત રીજનમાં સમાવેશ થાય છે.
સૌપ્રથમ ગુજરાતમાં દક્ષિણના જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
જે બાદ છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે પરંતુ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે થશે?

ઇમેજ સ્રોત, IMD
એક તરફ હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો ચોમાસાની વિદાયની શરૂઆત થવાનો પણ સમય આવી ગયો છે.
ભારતમાં ચોમાસાની વિદાયની સત્તાવાર તારીખ 17 સપ્ટેમ્બર છે એટલે કે આ દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે.
હવામાન વિભાગના કહ્યા પ્રમાણે 23 સપ્ટેમ્બરથી રાજસ્થાન કચ્છના વિસ્તારોમાં ચોમાસાની વિદાયની અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ જશે.
જે બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં કચ્છથી અને ભારતમાં રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે.
ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસાની વિદાય થયા બાદ પણ દક્ષિણ ગુજરાત અને બીજા કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે એક વખત ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય તે બાદ ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસું તમામ વિસ્તારોમાંથી પરત ફરી જતું હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























