ગુજરાત : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગળ વધશે તો ક્યાં ક્યાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી આઠ-દસ દિવસ સુધી કેવું રહેશે હવામાન?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં ઘણા જિલ્લામાં પાછલા અમુક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, આગામી એકાદ મહિના સુધી રાજ્યમાં વર્ષાઋતુની અસર રહેશે.

ભારતના હવામાન વિભાગે આગામી અમુક દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગો પર કેવો વરસાદ રહેશે એ અંગે આગાહી કરી છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે.

હાલમાં ઓડિશાના કિનારા નજીક બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી લો પ્રેશર એરિયા સર્જાયો છે. સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે. આગામી ચોવીસ કલાકમાં તે ઓડિશા તરફ જશે તેવું હવામાન વિભાગ જણાવે છે.

બિકાનેર, દામોહ, પેન્ડ્રા રોડ પરથી એક ચોમાસુ ટ્રફ પસાર થાય છે, જેનાથી બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સર્જાયો છે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે 28 ઑગસ્ટ, ગુરુવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન