ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર, આ રાઉન્ડમાં કયા જિલ્લામાં પડશે ધોધમાર?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. જે બાદ હવે વરસાદને વિરામ લીધો છે.

તાજેતરમાં જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.

હાલ રાજ્યની આસપાસ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે અને મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી જે ઑફ શૉર ટ્રફ રેખા બની હતી તે પણ હવે નબળી પડી છે અને તેના કારણે પણ છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના વરસાદમાં ઘટાડો થયો છે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ વધશે?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 ઑગસ્ટથી ગુજરાતમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે. જેમાં સૌથી પહેલાં ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

9 અને 10 ઑગસ્ટના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પર વરસાદ વધ્યા બાદ ગુજરાતમાં તેની અસર શરૂ થશે.

ગુજરાતમાં ચારથી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દેખાતી નથી.

મતલબ કે ગુજરાતમાં 15 જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા ઓછી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયા બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું અને તે બાદ સતત 15 દિવસ સુધી વરસાદ પડ્યો હતો. જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. જોકે, કેટલાક જિલ્લાઓમાં તેમ છતાં પણ વરસાદની ઘટ રહી હતી.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદનું જોર વધવાની શક્યતા?

સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને તેની સાથે જ દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

આ સાથે જ છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતમાં કોઈ એકાદ સ્થળે વધારે વરસાદ થઈ શકે છે.

9 અને 10 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

અમરેલી, ભાવનગર તથા ગીર-સોમનાથ જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ તથા પોરબંદર જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.

કચ્છ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં ફરી વરસાદ વરસી શકે છે પરંતુ કચ્છમાં હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

ખાસ કરીને બે દિવસ ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમ અને તેના કરતાં થોડો વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.