સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ અને ચેટજીપીટી શા માટે ડાઉન થયા? – ન્યૂઝ અપડેટ

ચેટજીપીટી, એક્સ, ટ્વિટર, ક્લાઉડફ્લેયર ડાઉન, સર્વરમાં સમસ્યા, ઇન્ટરનેટ લેટેસ્ટ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) તથા એઆઈ મૉડલ ચેટજીપીટી ભારતીય સમય મુજબ, મંગળવારે સાંજે પાંચેક વાગ્યાથી ડાઉન થઈ ગયા હતા.

બીબીસીના ટૅક્નૉલૉજી રિપોર્ટર લિવ મૅકમોહાન જણાવે છે કે, અગ્રણી ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, ક્લાઉડફ્લેયરમાં આવેલી સમસ્યાને કારણે અનેક વેબસાઇટો ઠપ થઈ ગઈ હતી.

ક્લાઉડફ્લેયરે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેને "ક્લાઉડફ્લેયરની એક સેવા ઉપર અસામાન્ય ટ્રાફિકવૃદ્ધિ જોવા મળી હતી, જેના કારણે તેની સાથે સંકળાયેલા ટ્રાફિકમાં સમસ્યાઓ ઊભી થઈ."

કેટલાક યૂઝર્સને પોતાના ઍક્સ પેજ ઉપર સંદેશ જોવા મળ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ક્લાઉડફ્લેયરને કારણે ઊભી થયેલી ગરબડને કારણે તેના આંતરિક સર્વરમાં સમસ્યા ઊભી થઈ છે.

ચેટજીપીટીના અમુક વપરાશકર્તાઓને પણ આવા સંદેશ જોવા મળ્યા હતા. જેમાં અનેક ગ્રાહકોને અસર થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

એ પછીના અપડેટમાં ક્લાઉડફ્લેયરે જણાવ્યું, "સેવાઓ બહાલ થઈ રહી છે, છતાં કેટલાક યૂઝર્સને સામાન્ય કરતાં વધુ ઍરર જોવા મળી શકે છે."

ક્લાઉડફ્લેયરનું કહેવું છે કે વિશ્વની 20 ટકા વેબસાઇટ એક યા બીજાસ્વરૂપે તેની સેવાઓ લે છે. ત્યારે તાજેતરની તકનીકી ખામીને કારણે કેટલી વેબસાઇટોને અસર થઈ, તે સ્પષ્ટ નથી.

SIR વિરુદ્ધ કૉંગ્રેસે કરી મોટી જાહેરાત

એસઆઈઆર, સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિશેષ મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દેશના મુખ્ય વિપક્ષ કૉંગ્રેસનું કહેવું છે કે તે એસઆઈઆર મુદ્દે દિલ્હીમાં રેલીનું આયોજન કરશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મંગળવારે આ પ્રદેશોના કૉંગ્રેસી નેતાઓ સાથેની બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો હતો.

નવી દિલ્હીસ્થિત ઇંદિરા ભવનમાં આયોજિત આ બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા.

કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન બહાર પાડીને લખ્યું, "આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં દિલ્હીના રામલીલા મેદાન ખાતે એસઆઈઆર વિરુદ્ધ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં ચૂંટણીપંચના રાજનીતિકરણનો પર્દાફાશ કરવામાં આવશે."

નિવેદનમાં જણાવ્યાનુસાર, બધાનો અનુભવ એવો છે કે એસઆઈઆરમાં લોકોને ટાર્ગેટ કરીને તેમનાં નામ હઠાવવામાં આવી રહ્યાં છે.

ચૂંટણીપંચે જેવું બિહારમાં કર્યું, એજ નીતિ અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવશે. એસઆઈઆર મુદ્દે અમે બિહારની ચૂંટણી પૂર્વેથી જ સવાલ ઉઠાવી રહ્યા છીએ."

કૉંગ્રેસનું કહેવું છે કે તેણે એસઆઈઆર મુદ્દે દેશવ્યાપી સહી અભિયાન હાથ ધર્યું હતું, જેમાં અત્યારસુધીમાં પાંચ કરોડ સહીઓ એકઠી થઈ છે.

એઆઈ અંગે ગૂગલના બૉસ સુંદર પિચાઈએ શું ચેતવણી આપી?

સુંદર પિચાઈ, બીબીસી ઇન્ટરવ્યૂ, એઆઈ બબલ પરપોટો, એઆઈની ગૂગલ ઉપર અસર, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ગૂગલની પૅરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) સુંદર પિચાઈએ બીબીસી બિઝનેસ ઍડિટર ફૈસલ ઇસ્લામ તથા બિઝનેસ રિપોર્ટર રાચેલ ક્લનને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

આ ઇન્ટરવ્યૂમાં સુંદર પિચાઈએ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર 'આંખો મીંચી'ને વિશ્વાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે એઆઈ મૉડલ પણ 'ભૂલો કરવાનું વલણ' ધરાવે છે, એટલે લોકોએ અન્ય માધ્યમો સાથે તાલમેલ રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ.

સુંદર પિચાઈ કહે છે કે, 'માહિતીની ઇકૉસિસ્ટમ વૈવિધ્યસભર અને સમૃદ્ધ બને એ જરૂરી છે, જેથી કરીને લોકો માત્ર એઆઈની તકનીકની ઉપર નિર્ભર ન રહે.'

સુંદર પિચાઈએ એઆઈ ક્ષેત્રે રોકાણમાં આવેલી તેજી સામે પણ ચેતવણી ઉચ્ચારી હતી. સિલિકૉન વૅલીમાં તથા અન્ય સ્થળોએ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તેજી 'પરપોટો' તો નથી ને?

તાજેતરના મહિનાઓ દરમિયાન એઆઈ ટૅક કંપનીઓની માર્કેટ કૅપિટલ અસામાન્ય રીતે વધી છે, તથા અનેક કંપનીઓ આ નવી ઇન્ડસ્ટ્રીમાં જંગી રોકાણ કરી રહી છે.

જ્યારે સુંદર પિચાઈને પૂછવામાં આવ્યું કે જો એઆઈનો પરપોટો ફૂટે, તો ગૂગલ ઉપર તેની અસર નહીં થાય? ત્યારે પિચાઈએ કહ્યું કે કંપનીએ આવી સંભવિત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

આ સાથે જ સુંદર પિચાઈએ ચેતવણી પણ આપી અને કહ્યું, "મને નથી લાગતું કે કોઈપણ કંપની તેનાથી પૂરેપૂરી બચી શકે, અમે પણ નહીં."

આંધ્ર પ્રદેશના માઓવાદી નેતા હિડમાનું ઍન્કાઉન્ટરમાં મોત

હિડમા, છત્તીસગઢ, નક્સલવાદી, આંધ્ર પ્રદેશ મોત,બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bastar Police

ઇમેજ કૅપ્શન, માડવી હિડમાની ફાઇલ તસવીર

આંધ્ર પ્રદેશ પોલીસના ગુપ્તચર વિભાગના એડીજીપી (ઍડિશનલ ડાયરેક્ટર જનરલ પોલીસ) મહેશ ચંદ્રા લડ્ડાએ મંગળવારે મીડિયા સાથે વાત કરતી વેળાએ માઓવાદી નેતા માડવી હિડમાના મોતની પુષ્ટિ કરી છે.

બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારી જણાવે છે કે 51 વર્ષીય હિડમાનું નામ મૉસ્ટ વૉન્ટેડ નક્સલવાદીઓમાં સામેલ હતું. હિડમાનું સીપીઆઈમાં (માઓવાદી) મહત્ત્વપૂર્ણ સ્થાન હતું.

મહેશ ચંદ્રા લડ્ડાએ કહ્યું કે હિડમાની સાથે તેનાં પત્નીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. લડ્ડાએ કહ્યું કે મંગળવારે સવારે આંધ્ર પ્રદેશના મારેદુમિલી જંગલક્ષેત્રમાં પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં હિડમાનું મોત થયું.

પોલીસનું કહેવું છે કે આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામરાજૂ જિલ્લાના મારેદુમિલીની પાસે મંગળવારે સવારે છથી સાત વાગ્યાની વચ્ચે સુરક્ષાબળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

હિડમા ઉપર કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ કુલ એક કરોડ રૂપિયા કરતાં વધુનું ઇનામ જાહેર કર્યું હતું. એનઆઈએની મૉસ્ટ વૉન્ટેડની યાદીમાં પણ હિડમાનું નામ સામેલ હતું.

સરકારી રેકૉર્ડ મુજબ, હિડમા માઓવાદીઓની સૌથી શક્તિશાળી સૈન્ય બટાલિયનનું કમાન્ડરપદ સંભાળ્યું હતું. વર્ષ 2010માં દંતેવાડા ખાતે અર્ધલશ્કરી દળોના 76 જવાનનો ભોગ લેનાર હુમલા, વર્ષ 2013માં છત્તીસગઢ કૉંગ્રેસના ટોચના નેતાઓ ઉપર થયેલા હુમલામાં તથા વર્ષ 2017થી 2012ની વચ્ચે સુરક્ષાબળો ઉપર થયેલા કેટલાક હુમલામાં હિડમાની સંડોવણી હતી.

છત્તીસગઢના સુકમા જિલ્લાના પુવર્તી ગામના રહીશ હિડમા વર્ષ 1996-'97 દરમિયાન 17 વર્ષની ઉંમરે માઓવાદી સંગઠનમાં સામેલ થયા. હિડમાના હિદમાલ્લુ તથા સંતોષ જેવા ઉપનામ પણ હતા.

પ્રશાંત કિશોરે રાજનીતિ છોડવાના પોતાના નિવેદન પર શું કહ્યું?

પ્રશાંત કિશોરે રાજનીતિ છોડવાના પોતાના નિવેદન પર શું કહ્યું? ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર

બિહાર ચૂંટણી પહેલાં જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જો જનતા દળ (યુનાઇટેડ)એ ચૂંટણીમાં 25થી વધુ બેઠકો જીતી તો તેઓ રાજનીતિ છોડી દેશે.

જેડીયુએ બિહારમાં 85 બેઠકો જીતી છે. ત્યાર બાદ આ સવાલ ઉઠી રહ્યો હતો કે શું પ્રશાંત કિશોર રાજનીતિ છોડી દેશે?

મંગળવારે પટનામાં થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં પ્રશાંત કિશોરે પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા આપી છે.

તેમણે કહ્યું, "હું એ વાત પર કાયમ છું, જો નીતીશકુમારની સરકારે આ વોટ નહીં ખરીદ્યા હોય તો હું રાજનીતિથી સંન્યાસ લઈ લઈશ."

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે તેમને વળતો સવાલ પૂછ્યો કે 'જ્યારે તમે આ નિવેદન કર્યું હતું ત્યારે આ પ્રકારની શરતો નહોતી.'

તેના પર પ્રશાંત કિશોરે કહ્યું, "હું કયા પદ પર છું કે રાજીનામું આપું. એવું તો નહોતું કહ્યું કે બિહાર છોડીને જતો રહીશ. મેં રાજનીતિ છોડી છે. રાજનીતિ કરતો જ નથી. પરંતુ મેં ક્યારેય નથી કહ્યું કે બિહારના લોકોની વાત ઉઠાવવાનું બંધ કરીશ."

જન સુરાજ પાર્ટીનો દાવો છે કે નીતીશકુમારની સરકારે ચૂંટણી પહેલાં ઘણી યોજના અમલમાં મૂકી અને બિહારની જનતાનાં ખાતાંમાં પૈસા મોકલ્યા તેથી એનડીએ ફરી સત્તામાં આવી છે અને જન સુરાજ પાર્ટીને હાર ખમવી પડી છે.

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કરતી હાઇકોર્ટ

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કરતી હાઇકોર્ટ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, GUJARATHIGHCOURT.NIC.IN

ગુજરાતના ચર્ચિત પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યાના આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદા સામે સરકારની અપીલને નામંજૂર કરી દીધી છે.

રાજકોટ ખાતેના બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાના જણાવ્યા પ્રમાણે, ઘટના બની અને સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં નામંજૂર થઈ તે વચ્ચે લગભગ 36 વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે 21મી નવેમ્બર, 1989ના રોજ પડધરી પાસે આવેલા હડમતિયા ગામે કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના તત્કાલીન આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની એક સભાનું આયોજન થયું હતું.

આ સભા બાદ તેમના પર હુમલો થયો હતો અને તેમનું મોત થયું હતું. આ કેસમાં અનિરુદ્ધ ચંદુભા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ રાજકોટની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને આ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા.

ગુજરાત સરકારે આ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ અપીલની સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવીને સરકારની અપીલ નામંજૂર કરી હતી.

મોડાસા પાસે ઍમ્બ્યુલન્સમાં આગ લાગવાથી એક દિવસના નવજાત સહિત ચાર લોકોનાં મોત, શું થયું હતું?

મોડાસા પાસે ઍમ્બ્યુલન્સમાં આગ લાગવાથી એક દિવસના નવજાત સહિત ચાર લોકોનાં મોત, શું થયું હતું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN

મોડાસામાં એક ઍમ્બ્યુલન્સમાં આગ લાગવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. અરવલ્લી જિલ્લાના બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના મોડાસાના રાણા સૈયદ ચોકડી નજીક બની હતી.

તેઓ વધુમાં જણાવે છે, "એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક ઍમ્બ્યુલન્સમાં આગ લાગી. આ આગમાં એક બાળક, બે પુરુષ અને એક મહિલાનું મોત થયું છે."

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે મરણ જનાર જિગ્નેશ મોચી લુણાવાડાથી તેમના એક દિવસના બાળકની વધુ સારવાર માટે અમદાવાદ ઍમ્બ્યુલન્સમાં જઈ રહ્યા હતા ત્યારે ઍમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. ડ્રાઇવરે ઍમ્બ્યુલન્સ ઊભી રાખી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર અંકિત ઠાકોર અને ગીતાબહેન મોચી દાઝી ગયા હતા. જ્યારે ઍમ્બ્યુલન્સમાં પાછળ બેઠેલાં ઑરેન્જ હૉસ્પિટલનાં નર્સ ભુરીબહેન મનાત, જિગ્નેશભાઈ મોચી અને જિગ્નેશભાઈનું એક દિવસનું બાળક તથા ક્ટર રાજકરણ રેટીયા ભયંકર રીતે દાઝી ગયાં હતાં અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું."

અરવલ્લીના ડેપ્યુટી એસપી આર. ડી. ડાભીના જણાવ્યા પ્રમાણે આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

પુતિનની ભારતયાત્રા અગાઉ જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી

બીબીસી ગુજરાતી ભારત રશિયા વ્લાદિમીર પુતિન જયશંકર

ઇમેજ સ્રોત, Sefa Karacan/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને રશિયા વચ્ચે 23મી વાર્ષિક શિખર મંત્રણા થવાની છે

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાની રાજધાની મૉસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી પર વાતચીત થઈ હતી.

આ ઉપરાંત બેઠકમાં ભારત-રશિયાની 23મી વાર્ષિક શિખર બેઠકની તૈયારીઓ વિશે પણ ચર્ચા થઈ હતી.

ભારત અને રશિયા વચ્ચે 23મી વાર્ષિક શિખર મંત્રણા થવાની છે. તેના માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવશે.

રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત વિશે જયશંકરે કહ્યું કે "વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મૉસ્કોમાં મુલાકાત કરીને આનંદ થયો. આ દરમિયાન વ્યાપાર અને રોકાણ, ઊર્જા, મોબિલિટી, કૃષિ, ટૅક્નૉલૉજી અને દ્વિપક્ષીય ભાગીદારી વિશે ચર્ચા થઈ હતી."

તેમણે જણાવ્યું કે "અમે પ્રાદેશિક, વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દા પર પોતાના વિચારો શૅર કર્યા હતા. સાથે સાથે 23મા ભારત-રશિયા શિખર સંમેલનની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી."

શેખ હસીનાને મૃત્યુદંડની સજા પર મોહમ્મદ યુનુસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી શેખ હસીના મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેખ હસીનાને મૃત્યુદંડની સજા સુનાવવામાં આવી તેના વિશે મોહમ્મદ યુનુસે નિવેદન આપ્યું છે

બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને મોતની સજા પર કાર્યકારી સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે સોમવારે એક પોસ્ટ કરી હતી.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું કે "આજે બાંગ્લાદેશની અદાલતે જે સ્પષ્ટતા સાથે ચુકાદો આપ્યો છે, તેના પડઘા આખા દેશમાં અને દેશની બહાર પણ સંભળાઈ રહ્યા છે."

"ગુનો સાબિત થવો અને સજા મળવી, એક મૂળભૂત સિદ્ધાંતની પુષ્ટિ કરે છે કે, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, કાયદાથી ઉપર ન હોઈ શકે."

તેમણે આગળ લખ્યું છે કે "આ ચુકાદો જુલાઈ અને ઑગસ્ટ 2024ના વિદ્રોહથી અસર પામેલા હજારો લોકો અને તેમના પરિવારો માટે, જેઓ આજે પણ નુકસાન ભોગવી રહ્યા છે, તેમના માટે મર્યાદિત છતાં મહત્ત્વપૂર્ણ ન્યાય કરે છે."

"અમે વર્ષોના અત્યાચારથી નષ્ટ થઈ ચુકેલી લોકતાંત્રિક સંસ્થાઓના પુનઃનિર્માણમાં લાગેલા છીએ."

તેમણે લખ્યું કે "100 લોકો માર્યા ગયા હતા. આ માત્ર આંકડા ન હતા, પરંતુ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને અધિકાર ધરાવતા નાગરિકો હતા."

મદીના બસ દુર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય

બીબીસી ગુજરાતી સાઉદી અરેબિયા ભારતીયો બસ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મદીનામાં બસમાં આગ લાગી જવાથી મોટી સંખ્યામાં ભારતીયોનાં મોત થયાં છે. (ફાઈલ ફોટો)

સાઉદી અરેબિયાના મદીનામાં એક બસ દુર્ઘટનામાં 45 ભારતીય યાત્રાળુઓનાં મૃત્યુ થયાં છે. તેમાંથી એક મૃતક યાત્રાળુના પરિવારના સભ્યએ જણાવ્યું કે તેમને કોઈએ સાઉદી અરેબિયાથી ફોન કરીને જણાવ્યું કે શું બન્યું છે.

તેમણે કહ્યું કે તેમનાં ભાઈ, માતા, ભાભી અને ભત્રીજી ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયાં હતાં.

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈ મારફત અધિકારીઓ પાસે માંગણી કરી છે કે પરિવારજનો સાઉદી અરેબિયા જઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

આ દરમિયાન તેલંગાણા સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

કૅબિનેટે રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રી મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાનીમાં એક સરકારી ટીમને સાઉદી અરેબિયા મોકલવાનો નિર્ણય લીધો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન