ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી, કોનાં પત્તા કપાયાં?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
આ સાથે જ ટિકિટ અંગેના સસપેન્સનો ગુજરાતના સત્તાધારી પક્ષે મોટા ભાગે અંત લાવ્યો હતો.
ભાજપે ગુજરાતમાં 160 નામોની યાદી જાહેર કરી તેમાં કેટલાંક મોટાં માથાંનાં નામ સમાવિષ્ટ કરાયાં નથી.
જોકે, ઘણાં નામોને તેમની ‘નો રિપીટ’ થિયરી યાદીમાંથી હઠાવી શકી નથી.
રાજકીય નિષ્ણાતોના મતે આ બાબત ભાજપની ‘રાજકીય વિવશતા’નું પ્રતીક છે.
સૌરાષ્ટ્રનાં કેટલાંક મોટાં નામોને ભાજપનું નેતૃત્વ આ વખત પણ ટિકિટ આપવાથી બચી શક્યું નથી.
નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ધારાસભ્યોમાંથી અને પરાજિત થયેલા કુલ 160 ઉમેદવારોમાંથી ભાજપે આ વખતે 79 ઉમેદવારોને આ વખતે ટિકિટ આપી નથી.

કોના પર ઢોળાયો પસંદગીનો કળશ?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે 2017ની સરખામણીમાં આ વખત 38 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત કૉંગ્રેસના હર્ષદ રિબડિયા જે 15 દિવસ અગાઉ જ ભાજપમાં જાેડાયા હતા તેમને વિસાવદર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે.
મોરબી પુલ દુર્ઘટના દરમિયાન પીડિતોને બચાવવાની જેમની કામગીરીના વીડિયો વાઇરલ થયા હતા, તે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ભાજપે મોરબીથી તેના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી બ્રિજેશ મેરજાને સ્થાને ફરી એકવાર ટિકિટ આપી છે.
ટિકિટની સંપૂર્ણ યાદી અહીં વાંચો.
નોંધપાત્ર છે કે, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ બુધવારે સાંજે એકસાથે આ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ વરિષ્ઠ નેતાઓના ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાઓને સંગઠનમાં મહત્ત્વપૂર્ણ પદે કે અન્યત્રે ગોઠવવાની વાત ચર્ચાવા લાગી છે.

14 મહિલાઓને આપી ટિકિટ
ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલી 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 12 મહિલા ઉમેદવારોને જ ટિકિટ આપી હતી. આ યાદીમા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારમાં બે મંત્રી રહી ચૂકેલાં બે મહિલા નેતા - મનીષાબહેન વકીલ અને નિમિષાબહેન સુથારને ફરીથી ટિકિટ અપાઈ છે.
આ મહિલા ઉમેદવારોમાં ત્રણ અનુસૂચિત જાતિ (એસસી) અને એક ઉમેદવાર અનુસૂચિત જનજાતિ (એસટી)નાં છે.
1. ગાંધીધામ (એસસી) - માલતી મહેશ્વરી
2. વઢવાણ - જિજ્ઞા પંડ્યા
3. રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા શાહ
4. રાજકોટ ગ્રામ્ય (એસસી) - ભાનુ બાબરિયા
5. ગોંડલ - ગીતાબા જાડેજા
6. જામનગર ઉત્તર - રીવાબા જાડેજા
7. નાંદોદ - દર્શના દેશમુખ વસાવા
8. લિંબાયત - સંગીતા પાટીલ
9. બાયડ - ભીખીબહેન પરમાર
10. નરોડા - ડૉ. પાયલ કુકરાણી
11. ઠક્કરબાપા નગર - કંચનબહેન રાદડિયા
12. અસારવા (એસસી) - દર્શના વાઘેલા
13. મોરવા હડફ (એસટી) - નિમિષા સુથાર
14. વડોદરા શહેર - મનીષાબહેન વકીલ

કૉંગ્રેસનું ‘ધોવાણ’ યથાવત્

ઇમેજ સ્રોત, ANI
આ ઉપરાંત ગુરુવારે ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત કૉંગ્રેસને બે દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. વધુ એક ધારાસભ્યે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઝાલોદના કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
તેમના ભાજપમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી હતી.
આ પહેલાં કૉંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગવાન બારડ પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા છે.
ગુજરાતમાં વર્તમાનમાં કૂલ 4.90 કરોડ મતદાતા છે, જેમાં 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. 3.24 લાખ નવા મતદાતા છે. મતદાન માટે કૂલ 51, 782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, 182 મૉડલ પૉલિંગબૂથ હશે.
50 ટકા મતદાન કેન્દ્રોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
33 પૉલિંગબૂથ પર યુવા પૉલિંગ ટીમ હશે.
ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં કુલ 182 બેઠક છે અને બહુમતીનો આંકડો 92 છે.
182માંથી 13 વિધાનસભા ક્ષેત્ર અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે તથા 27 વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે.
























