સુરત: 'ગણપતિના પાટિયે ચઢીને ડૂબતા બચ્યો', દરિયામાં 36 કલાક ફસાયેલો કિશોર કેવી રીતે કાંઠે આવ્યો?

લખન વિકાસ દેવીપૂજક
ઇમેજ કૅપ્શન, દરિયામાંથી મોતને માત આપી પરત ફરનાર કિશોર લખન વિકાસ દેવીપૂજક
    • લેેખક, રૂપેશ સોનવણે
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

તાજેતરમાં ગુજરાતના સુરતના ડુમસ દરિયાકાંઠે સમુદ્રમાં વહી ગયેલો કિશોર 36 કલાક બાદ જીવતો મળી આવતાં રાજ્યમાં આ બનાવને ‘ચમત્કારિક બચાવ’ ગણાવાઈ રહ્યો છે.

ગત શુક્રવારના રોજ ગણેશ વિસર્જનના દિવસે ડુમસ ખાતે સપરિવાર ફરવા ગયેલ સુરતના ગોડાદરા વિસ્તારના 13 વર્ષીય લખન વિકાસ દેવીપૂજક નામનો કિશોર સમુદ્રનાં ધસમસતાં મોજાંમાં તણાઈ ગયો હતો.

આ ઘટના બાદ પરિવારજનો અને રાહતબચાવ દળોએ સ્વપ્નમાંય નહીં વિચાર્યું હોય કે સુરતના ‘બિહામણા ગણાતા કાળા સમુદ્રમાં’થી લખન પૂરા 36 કલાક બાદ જીવિત મળી આવશે.

પરંતુ બન્યું કંઈક એવું જ. બધાની અપેક્ષાઓથી વિપરીત લખન દરિયામાં કલાકો સુધી વહેણ સાથે આગળ વધતો રહ્યો અને વિસર્જિત કરાયેલ ગણેશજીની મૂર્તિના પ્લૅટફૉર્મનું મોટું લાકડું વહી આવતાં તેના પર સવાર થઈ અંતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

બચાવ બાદ જ્યારે લખનનો પરિવાર સાથે પુનર્મિલન થયું ત્યારે ભાવુક દૃશ્યો જોવા મળ્યાં હતાં.

બચાવ થાય ત્યાં સુધી લખને આ લાકડા પર દરિયામાં જ અંધકારમય રાત પણ વિતાવવી પડી.

આખરે આવી ભયજનક પરિસ્થિતિનો કિશોર કઈ રીતે સામનો કરી શક્યો? અને બધી શક્યતાઓથી ઊલટ એ કઈ રીતે કલાકો સુધી દરિયામાંથી જીવિત પરત ફરવામાં સફળ રહ્યો?

‘હું જીવિત પાછો ફરીશ એવી કોઈ આશા નહોતી’

બીબીસી ગુજરાતી

લખન સમુદ્રમાં વહી જવાના કારણ વિશે વાત કરતાં કહે છે કે, “હું મારા પરિવાર સાથે ડુમસ દરિયાકાંઠે ફરવા ગયો હતો. દરમિયાન હું અને મારો ભાઈ દરિયામાં નહાઈ રહ્યા હતા. અચાનક મારા ભાઈનો પગ લપસ્યો. મેં તેને ડૂબતા બચાવવાનો પ્રયાસ કર્યો તો હું પોતે દરિયામાં તણાવા લાગ્યો.”

તે એ ક્ષણ યાદ કરતાં કહે છે કે તેમને આસપાસના લોકો પોતાની તસવીરો લેતા દેખાતા હતા. જ્યારે તેને લાગ્યું કે વધારે તરફડિયાં મારવાથી મામલો વધુ બગડશે તો તેણે પોતાનું શરીર ઢીલું મૂકી વહેણ સાથે આગળ વહેવામાં જ ભલું લાગ્યું.

લખન કહે છે કે, “દરિયાના વહેણ સાથે આગળ વધતાં વધતાં રાત પડવા લાગી હતી. એ સમયે તો મને ખૂબ બીક લાગવા માંડી. લાગ્યું કે કદાચ હવે તો નહીં જ બચું. એ દરમિયાન નજીકથી એક પાટિયું વહી જતું દેખાયું, પરંતુ એને પકડું ત્યાં સુધી એ દૂર જતું રહ્યું.”

‘ગણપતિનું પાટિયું તરતું આવ્યું અને જીવ બચાવવા ઉપર ચઢી ગયો’

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લખન આ સંકટના સમયમાં પોતાને મળેલ જીવતદાન અંગે વાત કરતાં કહે છે કે રાત પડ્યા બાદ તેમને ગણપતિનું મોટું પાટિયું દરિયામાં વહી આવતું દેખાયું. જેના પર એ ચઢી ગયો. આ બાબતથી તેની જીવિત રહેવાની આશા થોડી પ્રબળ બની.

લખન એ અંધકારમય રાત્રિના બિહામણા અનુભવો અંગે વાત કરતાં કહે છે કે, “મેં રાત્રે એ પાટિયા પર સૂવાની કોશિશેય કરી. પણ પાટિયાના હલવાને કારણે અને સતત પાણી મોઢા પર આવતાં સૂઈ નહોતો શક્યો. પાટિયા પર હું આખી રાત જાગતો બેઠો રહ્યો. એ સમય સુધી મને ચક્કર અને ઊલટી થવાનું શરૂ થઈ ગયું હતું.”

સમુદ્રના વહેણની સાથે ખેંચાતાં પોતે બચવાના પ્રયત્નોય ચાલુ રાખ્યા હોવાનું જણાવતાં તે કહે છે કે દરિયામાં તેની આસપાસથી એ સમય દરમિયાન મોટી સ્ટીમરો નીકળી. બચવા માટેના ઇશારા અને બૂમો પાડ્યા છતાં બે વખત એવું થયું કે તેમનો અવાજ કોઈએ ન સાંભળ્યો.

લખન પોતાના બચાવની કહાણી જણાવતાં આગળ કહે છે કે, “મને તો બચવાની કોઈ શક્યતા અને આશા દેખાઈ નહોતી રહી. દરિયાના પાણીને કારણે મારા હાથ સુકાઈ ગયા હતા. ખૂબ ડર લાગી રહ્યો હતો. બધાને યાદ કરીને ખૂબ દુ:ખનો અનુભવ થતો હતો. પરંતુ બીજા દિવસે સવારે નજીકથી વધુ એક જહાજ પસાર થતું દેખાયું. મેં બૂમો પાડીને અને પાટિયાનું લાકડું હવામાં ફેરવીને જહાજમાંના લોકોનું ધ્યાન ખેંચવાનું કોશિશ કરી. અંતે મને તેમણે જહાજમાંથી રસી ફેંકીને ઉપર ખેંચ્યો અને બચાવી લીધો.”

લખન કહે છે કે જ્યારે જહાજમાંના માછીમારોએ તેને બચાવીને વહાણની ઉપર લાવ્યા ત્યારે તેને ચક્કર આવી રહ્યા હતા. તે કહે છે કે દુખાવાની સાથોસાથ રાજીપાનો અહેસાસેય હતો.

બચાવ સમયે લખન દરિયામાં 18 નોટિકલ માઇલનો અંતર કાપી ચૂક્યો હતો.

લખનના આ બચાવને ‘ચમત્કારિક’ ગણાવાઈ રહ્યો છે. બચાવાયા બાદ પરિવારજનો, સ્થાનિક આગેવાનોએ તેનું સ્વાગત કર્યું હતું.

આ સમાચાર સામે આવતાં સ્થાનિક મીડિયામાં પણ લખનની કહાણી જોવા મળી હતી.

સ્થાનિક અહેવાલો અનુસાર જે માછીમારીવાલી બોટે તેમનો જીવ બચાવ્યો એ નવસારીની હતી.

રેડ લાઇન
રેડ લાઇન