ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3 ટકા ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી 45થી 50 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.

ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગે શું આગાહી કરી?

ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં

છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે. જોકે, આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ છે. અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ ઓછું છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે?

ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવનારા અઠવાડીયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની માહિતી પ્રમાણે 14 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતનાં નવસારી અને વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં પણ 14 જુલાઈના રોજ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અને મોરબી જેવાં જિલ્લાઓમાં મધ્યમ અથવા છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 15 અને 16 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યનાં અન્ય જિલ્લાઓ જેવા કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં 15 અને 16 જુલાઈએ સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 17 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત્ છે, પરંતુ છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.

ગુજરાત ઉપર કઈ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે?

મૉન્સૂન ટ્રફ હાલમાં સક્રિય છે અને તેમની સામાન્ય સ્થિતિ નિચલા ઉષ્ણકટિબંધિય વિસ્તારોમાં દક્ષિણે છે.

ચક્રવાતનું પરિભ્રમણ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઉતર પશ્ચિમ બંગાળની ખાડી પર અને આંધ્ર પ્રદેશની ઉત્તરે મધ્યમ ઉષ્ણકટિબંધિય સ્તરોમાં જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર કેરળના દરિયા કાંઠે ઑફ-શોર ટ્રફ સરેરાશ દરિયાઇ સપાટી પર જઇ રહ્યું છે.

ટ્રફ રેખા એ હવાનો હળવા દબાણનો પટ્ટો છે અને તે જે તરફ ખસે તેની નજીકના વિસ્તારોમાં વધારે વરસાદ થતો હોય છે.