You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાવાગઢ મંદિરના વિશ્રામસ્થળનો ઘુમ્મટ તૂટ્યો, એકનું મૃત્યુ, આઠને ઈજા
ગુરુવારે બપોરે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોના વિશ્રામસ્થળની ઇમારતનો ઘુમ્મટ તૂટી પડતાં કાટમાળ નીચે યાત્રિકો દબાયા હોવાના સમાચાર આવ્યા હતા.
આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કાટમાળ નીચે પાંચ કરતાં વધુ લોકો દબાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારે આપેલ માહિતી અનુસાર સમગ્ર ઘટનામાં આઠ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારજનોનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. સ્થાનિક અહેવાલો અનુસાર ઘટના બની એ સમયે વરસાદ પડી રહ્યો હતો અને વિશ્રામસ્થળે કેટલાક લોકોએ સ્ટ્રક્ચર તળે આશરો લીધો હતો. જે દરમિયાન આ ઘટના બની હતી.
નોંધનીય છે કે પાવાગઢ એ ગુજરાતમાં આવેલી શક્તિપીઠો પૈકી એક અને કાળકાદેવીનું થાનક છે. સમગ્ર ગુજરાતમાંથી લાખો લોકો દર વર્ષે પાવાગઢ દર્શનાર્થે જાય છે.
આશિષકુમારે ઘટના અંગે આગળ વાત કરતાં કહ્યું હતું કે, “તમામ ઈજાગ્રસ્તોને હાલોલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી. જેમને વધુ સારવારની આવશ્યકતા જણાઈ તેમને વડોદરાની એસ. એસ. જી. હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમે એસ. એસ. જી. હૉસ્પિટલ અને ત્યાંના તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. હાલ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જરૂરિયાત પ્રમાણેની સારવાર મળે અને પરિવારજનોને પણ કોઈ તકલીફ ન પડે એ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”
ઘટના અંગે વધુ વાત કરતાં આશિષકુમારે માહિતી આપી હતી કે, “ઘટનાસ્થળે ઘુમ્મટ જેવું સ્ટ્રક્ચર પડી ગયું હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. યાત્રિકોની સુવિધા માટે આ ઇમારતો બનાવાઈ છે. આ ઇમારતો બનાવનાર એજન્સીની ટીમ અને ઇજનેરો સ્થળ પર હાજર છે, ઘટના કેવી રીતે બની તેની પણ ટેકનિકલ તપાસ કરાઈ રહી છે, જેથી જાણી શકાય કે કઈ રીતે અને કયા સંજોગોમાં સ્ટ્રક્ચર પડ્યું અને દુર્ઘટના સર્જાઈ. આ અંગે ટેકનિકલ અભિપ્રાય અને અહેવાલ આવે તે બાદ વધુ માહિતી આપી શકાશે.”
પત્રકારો દ્વારા જ્યારે કલેક્ટરને પુછાયું કે ઘટના કોઈની બેદરકારીથી ઘટી છે કે કુદરતી કારણોસર, તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “આ સ્ટ્રક્ચર એક-દોઢ વર્ષ પહેલાં તૈયાર કરાયાં હતાં. કયા સંજોગોમાં આ સ્લેબ પડ્યું છે, તેની તપાસ કરાઈ રહી છે, જ્યારે આ અંગેનો અહેવાલ આવે ત્યારે વધુ વિગતો આપી શકાશે.”
ઘટનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ અંગે ચેતવતાં તેમણે કહ્યું હતું કે, “હાલ વૅકેશનનો સમય હોઈ ઘણા યાત્રિકો-શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે દર્શાનાર્થે આવતા હોય છે. આ ઘટના બાદ અમે અન્ય સ્ટ્રક્ચરોની પણ તપાસ કરાવી રહ્યા છીએ. ફરી આવી ઘટના ન બને તે માટે અમારી ટીમો પણ ત્યાં હાજર છે. તેથી કોઈ અફવા પર ધ્યાન ન આપવું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર