You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ આફ્રિકાની એક હૉસ્ટેલમાં ગોળીબાર, ઓછામાં ઓછા 11નાં મૃ્ત્યુ - ન્યૂઝ અપડેટ
દક્ષિણ આફ્રિકાની એક હૉસ્ટેલમાં માસ શૂટિંગમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ થયાં છે.
શનિવારે પાટનગર પ્રિટોરિયાની પશ્ચિમે સૉલ્સવિલે ટાઉનશિપમાં બંદૂકધારીઓએ એક સ્થળે હુમલો કરી દીધો.
આ હુમલામાં 14 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમજ 11 મૃતકોમાં એક ત્રણ વર્ષનું પણ સામેલ છે.
પોલીસના પ્રવક્તા બ્રિગેડિયર એથલેન્ડા માથે કહ્યું, "ઓછામાં ઓછા ત્રણ બંદૂકધારી આ હૉસ્ટેલમાં પ્રવેશ્યા, જ્યાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા અને તેમણે અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું."
માથે પ્રમાણે, કુલ 25 લોકોને ગોળી મારવામાં આવી છે. આ હુમલાના હેતુ અંગે હજુ સુધી કંઈ જાણી શકાયા નથી અને આ મામલામાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271નો લક્ષ્યાંક આપ્યો
ત્રણ મૅચેની વનડે સિરીજની અંતિમ મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 271 રનનું લક્ષ્ય આપ્યું છે.
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.
પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ક્વિંટન ડીકૉકે સૌથી વધુ 106 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ ભારત તરફથી પ્રસિદ્ધકૃષ્ણા અને કુલદીપ યાદવે ચાર-ચાર વિકેટ ઝડપી હતી.
રાયપુરમાં રમાયેલી સિરીઝની બીજી મૅચમાં દક્ષિણ આફ્રિકા ચાર વિકેટથી જીત્યું હતું. તેમજ સિરીઝની પ્રથમ મૅચ ભારત જીત્યું હતું.
આમ, આજની મૅચ નિર્ણાયક છે, આ મૅચ જીતનાર ટીમ સિરીઝ પર કબજો કરી લેશે.
મુર્શીદાબાદમાં 'બાબરી મસ્જિદ'ના 'શિલાન્યાસ'ની તૈયારી, સેંકડો લોકો ભેગા થયા
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં સેંકડો લોકો એકઠા થયા છે. આ લોકો એ જગ્યાએ ભેગા થયા છે જ્યાં 'બાબરી મસ્જિદ'ના 'શિલાન્યાસ'ની તૈયારી ચાલી રહી છે.
તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે કેટલાક દિવસ પહેલાં કહ્યું હતું કે તેઓ 6 ડિસેમ્બરના દિવસે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદના પાયો નાખવાના છે અને તેનું કામ ત્રણ વર્ષનો સમય લાગશે.
જોકે તેમના આ નિવેદન બાદ પાર્ટીએ તેમની પર કાર્યવાહી કરી અને તેમને તૃણમૂલ કૉંગ્રેસમાંથી બરતરફ કર્યા છે.
હુમાયુ કબીરના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે.
આની પહેલાં પાર્ટીમાંથી નિલંબિત થયા બાદ તેમણે કહ્યું હતું કે, "આ બાબરી મસ્જિદનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટીને મારી સામે જે પગલાં લેવા હોય એ લેવા દો."
રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારોહમાં પુતિને ભારત વિશે શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે શુક્રવારે રાતે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ દરમિયાન પુતિને કહ્યું કે, "એ જણાવવું પણ જરૂરી છે કે ભારત અને રશિયા એક વધુ ન્યાયપૂર્ણ અને સંતુલિત વિશ્વ વ્યવસ્થા માટે સાથે કામ કરી રહ્યા છે."
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "અમે ભારતની સાથે 2026માં બ્રિક્સની અધ્યક્ષતા દરમિયાન અને બીજા બહુપક્ષીય મંચ પર પણ પોતાના પ્રયાસોનો સમન્વય કરીએ છીએ. કુલ મળીને અમે યુરોપિયન-એશિયન ક્ષેત્રમાં એક એવી દિશામાં કામ કરી રહ્યા છીએ, જેમાં આખી દુનિયાના દેશો માટે સુરક્ષા, ભરોસો અને શાંતિનો માહોલ બનાવી શકાય."
પુતિને કહ્યું કે, "મને ખબર છે કે, ભારતમાં તમે કહો છો, 'સાથે ચાલો, સાથે આગળ વધો.' આ શબ્દ ખરા અર્થમાં ભારત અને રશિયાના સંબંધોનો સ્વભાવ અને ચરિત્ર દર્શાવે છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલું ભરીશું કે અમારી રણનીતિક ભાગીદારી મજબૂત બને અને આપણા બધા લોકોના હિતમાં આગળ વધે."
ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની 10 હજાર કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સાથે સંકળાયેલી કુલ 10 હજાર કરોડ રૂપિયા કરતા વધુ મૂલ્યની સંપત્તિને ટાંચમાં લીધી છે. તેમાં મુંબઈમાં ગેસ્ટ હાઉસ રિલાયન્સ સેન્ટર અને કેટલીક રહેણાક મિલકતો સામેલ છે. આ ઉપરાંત ચેન્નઈમાં 231 પ્લૉટ પણ ટાંચમાં લેવાયા છે.
તાજેતરમાં ટાંચમાં લેવાયેલી સંપત્તિનું મૂલ્ય 1120 કરોડ જેટલું થાય છે. અનિલ અંબાણી સામે ચાલતી મની લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈડીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) અને રિલાયન્સ કૉમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (આરસીએફએલ)ની સંપત્તિને યસ બૅન્ક સાથે કથિત છેતરપિંડીની તપાસમાં એટૅચ કરવામાં આવી છે.
ઈડીએ અગાઉ પણ આ ઔદ્યોગિક જૂથની 8997 કરોડ રૂપિયાની સંપત્તિ સ્થગિત કરી હતી. આ સાથે કુલ મળીને રૂપિયા 10,117 કરોડની સંપત્તિ એટૅચ કરવામાં આવી છે.
ઇન્ડિગોની 1000થી વધુ ફ્લાઇટ કેન્સલ રહી, હજુ સમસ્યા યથાવત
દેશની સૌથી મોટી ઍરલાઇન ઇન્ડિગોમાં સ્ટાફને લઈને સમસ્યા હજુ યથાવત છે. જેના કારણે શુક્રવારે પણ 1000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવતા હજારો પ્રવાસીઓ હેરાન થયા હતા.
ઇન્ડિગોએ જણાવ્યું છે કે આગામી 10 દિવસમાં તેની કામગીરી સામાન્ય થવાની શક્યતા છે. ઉડ્ડયન સેક્ટરની નિયમનકાર ડીજીસીએ દ્વારા ફ્લાઇટ ડ્યૂટીના નિયમોમાં સંપૂર્ણ રાહત મેળવી છે. સળંગ ચાર દિવસથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ઇન્ડિગોની સર્વિસ ખોરવાઈ તેના વિશે ડીજીસીએ દ્વારા તપાસ કરવામાં આવશે.
શનિવારે ઇન્ડિગોની 1000થી ઓછી ફ્લાઇટ રદ થાય તેવી ધારણા છે.
દેશના મોટા ઍરપોર્ટ્સ પર શુક્રવારે મોટી સંખ્યામાં ફ્લાઇટ કેન્સલ થઈ હતી અથવા ડિલે થઈ હતી. પ્રવાસીઓ ફ્લાઇટ વિશે અપડેટ મેળવવા અને પોતાના બેગેજ શોધવા માટે દોડાદોડી કરતા હતા. ઘણા પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ભારતમાં ડોમેસ્ટિક ઍર ટ્રાફિકમાં ઇન્ડિગો બે તૃતિયાંશ હિસ્સો ધરાવે છે અને રોજની લગભગ 2300 ફ્લાઈટનું સંચાલન કરે છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન