ઈડીએ અનિલ અંબાણી ગ્રૂપ સાથે જોડાયેલી 1,452 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપની 1,452.51 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે.
ઍક્સ પર જાણકારી આપતા ઈડીએ કહ્યું છે, "રિલાયન્સ અનિલ અંબાણી ગ્રૂપના બૅન્ક છેતરપિંડી મામલા સાથે જોડાયેલા પ્રકરણમાં નવી મુંબઈસ્થિત ધીરૂભાઈ અંબાણી નૉલેજ સિટી તથા મિલેનિયમ બિઝનેસ પાર્કની ઇમારતોને ટાંચમાં લીધી છે."
"સાથે જ પુણે, ચેન્નાઈ અને ભુવનેશ્વરસ્થિત જમીન તથા ઇમારતોને પીએમએલએ, 2002 અંતર્ગત અસ્થાયીરૂપે ટાંચમાં લીધી છે."
આ તમામ સંપત્તિનું મુલ્ય 1,452.51 કરોડ રૂપિયા છે.
આ મામલામાં અત્યારસુધી લગભગ 8,997 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લઈ લેવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટ : એનઆઈએએ યુપી અને કાશ્મીરમાંથી ચાર અભિયુક્તોની ધરપકડ કરી

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટના સંબંધમાં ચાર અન્ય મુખ્ય સંદિગ્ધોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.
એજન્સીએ ઍક્સ પર જાણકારી આપતાં જણાવ્યું, "આ સાથે જ દિલ્હી વિસ્ફોટ મામલે ધરપકડ કરાયેલાની સંખ્યા 6 થઈ ગઈ છે."
એનઆઈએએ કહ્યું, "ધરપકડ કરાયેલા લોકોમાં પુલવામાના ડૉ મુજમ્મિલ શકીલ ગનાઈ, અનંતનાગના ડૉ. અદીલ અહમદ રાથર, લખનઉના ડૉ. શાહિન સઇદ અને શોપિયાંના મુફ્તી ઇરફાન અહેમદ સામેલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ આતંકવાદી હુમલામાં આ લોકોની મહત્ત્વની ભૂમિકા હતી."
એજન્સીએ એમ પણ કહ્યું કે આ ચારેય અભિયુક્તોને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં વિશેષ એનઆઈએ અદાલતમાં પેશ કરવામાં આવ્યા જ્યાં તેમને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા.
આ પહેલાં બે અન્ય લોકોને એનઆઈએએ પકડ્યા હતા. જેમાં એક છે રાશિદ અલી, જેમના નામ પર આ કારનું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાં વિસ્ફોટ થયો હતો. બીજા છે જસીર બિલાલ વાની કે જેમના પર આ મામલે ટૅક્નિકલ મદદ આપવાનો આરોપ છે.
દિલ્હી વિસ્ફોટમાં 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 32 લોકો ઘાયલ થયા હતા.
વિધાનસભાઓમાં પાસ થયેલાં વિધેયકો પર નિર્ણય લેવા રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે કોઈ સમયસીમા નથી: સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યોના મામલામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની ભૂમિકાને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાના જ એક ચુકાદાને પલટી દીધો.
કાયદા મામલાની વેબસાઇટ બાર એન્ડ બૅન્ચ અનુસાર, સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાના ચુકાદામાં કહ્યું કે "આઠ એપ્રિલના તેમના આદેશમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિધેયકો પર સહમતિ આપવાની નક્કી સમયસીમા અયોગ્ય હતી. તથા આ સંવિધાન અને શક્તિઓના વિભાજનના વિરોધમાં હતી."
મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતા ધરાવતી સંવિધાન પીઠે કહ્યું કે પહેલાંના ચુકાદામાં સમયસીમા તથા તે સમયસીમાનું પાલન ન થવા પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની તરફથી 'માનેલી સહમતિ'નો સિદ્ધાંત લાગુ કરવાથી અદાલતની તરફથી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શક્તિઓમાં હસ્તક્ષેપ હશે, જે સ્વીકાર્ય નથી.
ચુકાદો શું છે?
- રાજ્ય વિધાનસભાની પાસે વિધેયકો પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે કોઈ નક્કી સમયસીમા ન બનાવી શકાય.
- નક્કી સમયમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તરફથી કામ ન કરવા પર તેમની સહમતિ છે તેેવું માની લેવાનું લાગુ ન કરી શકાય.
- કોઈ વિધેયક પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની કાર્યવાહીને કોર્ટમાં પડકારી ન શકાય.
- જો રાજ્યપાલ અનુચ્છેદ 200 અંતર્ગત નક્કી સમયમાં કાર્યવાહી ન કરે તો સમીક્ષા થઈ શકે છે. કોર્ટ રાજ્યપાલને માત્ર નિર્દેશ આપી શકે છે કે તે અનુચ્છેદ 200 અંતર્ગત યોગ્ય સમયમાં નિર્ણય લે. પરંતુ તેમના વિવેકના ગુણ-દોષ પર ટિપ્પણી ન કરી શકે.
શું છે મામલો?
આ ચુકાદો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી સંવિધાનના અનુચ્છેદ 143(1)ના અંતર્ગત મોકલવામાં આવેલા સંદર્ભમાં આપવામાં આવ્યો.
આ અનુચ્છેદ રાષ્ટ્રપતિને કોઈ મહત્તવપૂર્ણ કાયદાકીય કે સાર્વજનિક મામલે સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર આપે છે.
આ સંદર્ભમાં તામિલનાડુ વિરુદ્ધ તામિલનાડુના રાજ્યપાલ મામલે આપવામાં આવેલા ચુકાદા પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલોને નક્કી કરેલા સમયમાં નિર્ણય લેવો જોઈએ તથા સંવૈધાનિક મૌનનો ઉપયોગ લોકતાંત્રિક પ્રક્રિયાને રોકવા માટે ન કરી શકાય.
નીતીશકુમારના મુખ્ય મંત્રી બનવા પર તેજસ્વી યાદવે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
નીતીશકુમારે બિહારમાં 10મી વખત મુખ્ય મંત્રીપદના શપથ લીધા ત્યાર બાદ તેમને અભિનંદન આપનારાઓની સંખ્યા વધી રહી છે.
રાજ્યમાં મુખ્ય પ્રતિદ્વંદ્ધી પાર્ટી રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)ના નેતા અને પૂર્વ ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવે નીતીશકુમારને અભિનંદન પાઠવ્યા છે.
ઍક્સ પર લખેલી પોસ્ટમાં તેમણે લખ્યું, "આદરણીય શ્રી નીતીશકુમાર જીને બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લેવા પર હાર્દિક અભિનંદન. મંત્રિપરિષદના સભ્ય તરીકે શપથ લેનારા તમામ મંત્રીઓને હાર્દિક શુભકામનાઓ."
"આશા છે કે નવી સરકાર જવાબદારીપૂર્વક લોકોની આશા અને અપેક્ષાને પૂરી કરીને પોતાનાં વાયદાઓ અને ઘોષણાઓને પૂર્ણ કરશે અને બિહારવાસીઓના જીવનમાં સકારાત્મક તથા ગુણાત્મક પરિવર્તન લાવશે."
નીતીશકુમારના શપથગ્રહણના દિવસે પ્રશાંત કિશોરના ઉપવાસ

ઇમેજ સ્રોત, X/@jansuraajonline
નીતીશકુમારે આજે ગુરુવારે બિહારના મુખ્ય મંત્રી તરીકે 10મી વખત શપથ લીધા હતા, ત્યારે બીજી તરફ જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર મૌન ઉપવાસ પર બેઠા છે.
પ્રશાંત કિશોરે આજે મૌન વ્રત રાખ્યું છે. જનસુરાજ પાર્ટીએ પોતાના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પર પ્રશાંત કિશોરની તસવીર શૅર કરતા લખ્યું કે, "ગાંધી આશ્રમ, ભિતિહરવા (પશ્ચિમ ચંપારણ)માં એક દિવસના મૌન ઉપવાસની સાથે બિહારમાં બદલાવની નવી શરૂઆત થઈ છે..."
ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી પ્રશાંત કિશોરે મૌન વ્રતની જાહેરાત કરી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીને એક પણ બેઠક નથી મળી.
18 નવેમ્બરે પ્રશાંત કિશોરે મીડિયા સમક્ષ પોતાની પાર્ટીની હાર સ્વીકારી હતી.
આજે બિહારમાં એનડીએએ નવી સરકાર બનાવી છે. નીતિશકુમારની સાથે 26 મંત્રીઓએ શપથ લીધા હતા.
નીતીશકુમારે 10મી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા

ઇમેજ સ્રોત, X/@Jduonline
જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના નેતા નીતીશકુમારે 10મી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
બુધવારે એનડીએની ધારાસભ્ય દળની બેઠકમાં નીતીશકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમણે સાંજે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની મુલાકાત કરી હતી.
એનડીએ અને બીજા નેતાઓ સાથે નીતીશકુમારે બિહારમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
બિહારમાં નવી એનડીએ સરકારનો શપથગ્રહણ સમારોહ પટણાના ગાંધી મેદાનમાં યોજાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ બુધવારે સાંજે જ પટણા પહોંચી ગયા છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ 272 નિવૃત્ત અધિકારી, ન્યાયાધીશોએ પત્ર લખ્યો

ઇમેજ સ્રોત, ANI
દેશના જાણીતા 272 લોકોએ એક ખુલ્લો પત્ર લખીને કૉંગ્રેસ તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી છે.
તેમાં 16 જજ, 14 રાજદૂતો સહિત 123 નિવૃત્ત બ્યૂરોક્રેટ્સ, તથા સેનાના 133 નિવૃત્ત અધિકારીઓ સામેલ છે.
તેમાં લખવામાં આવ્યું છે કે "લોકસભામાં વિપક્ષના નેતા વારંવાર ચૂંટણીપંચ પર હુમલો કરીને કહે છે કે ચૂંટણીપંચ વોટ ચોરીમાં સામેલ છે તેવા પુરાવા છે."
પત્રમાં જણાવાયું છે કે "અમે સિવિલ સોસાયટીના વરિષ્ઠ નાગરિકો એ બાબતે ચિંતા વ્યક્ત કરીએ છીએ કે ભારતમાં લોકતંત્ર પર બળપ્રયોગથી નહીં, પણ આધારભૂત સંસ્થાઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપીને હુમલો કરાઈ રહ્યો છે."
"કેટલાક રાજનેતાઓ નીતિવિષયક વિકલ્પો રજૂ કરવાના બદલે પોતાની નાટકીય રાજકીય રણનીતિ હેઠળ ઉશ્કેરણીજનક પરંતુ નિરાધાર આરોપોનો સહારો લે છે."
જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસ. પી. વૈધે કહ્યું કે "બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાની કૉંગ્રેસની આદત બની ગઈ છે, ખાસ કરીને રાહુલ ગાંધીની આદત છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















