સુરતમાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે શું વિવાદ થયો? ભાજપ પર શું આક્ષેપ કર્યા?- ઇલેક્શન અપડેટ

પ્રકાશિત

સુરતમાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારી ફૉર્મને લઈને વિવાદ થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કૉંગ્રેસના ટેકેદાર 'યોગ્ય નહીં હોવાનો' વાંધો ઉઠાવ્યો હતો.

કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કલેક્ટર કચેરી દ્વારા અમને કશું કહેવામાં આવ્યું નહોતું, મીડિયા દ્વારા અમને ખબર પડી કે અમારા ફૉર્મમાં 'ખામી' છે.

તેમણે કહ્યું કે "અમારા ફૉર્મમાં કોઈ ખામી નથી, ટેકેદારોમાં પણ કોઈ ખામી નથી."

તો આપના નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે "નીલેશભાઈના ટેકેદારોનું 'અપહરણ' કરીને તેમને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. એમના ફોન ચાલુ નથી. કોઈ વ્યક્તિએ ટેકેદારોને ધાકધમકી આપીને, દબાણ ઊભું કરીને એમની પાસેથી એફિડેવિટ લઈને અહીં કલેક્ટર કચેરીએ આપી દીધી છે."

"એફિવેડિટ એવી છે કે ટેકેદારો એવું કહે છે ફૉર્મમાં એમની પોતાની સહી નથી. આથી કલેક્ટરે નીલેશભાઈ પાસેથી ખુલાસો માગ્યો છે કે આ મામલે તેમનું શું કહેવું છે. પહેલાં ચાર વાગ્યાનો સમય આપ્યો હતો અને હવે રવિવારે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે."

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે "ટેકેદારોનું અપહરણ થયું છે એની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં આપી છે અને કલેક્ટરને પણ આપી છે."

તો 'ટેકેદારોના અપહરણ' મામલે ભાજપના નેતા અને સુરત શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલે કહ્યું કે "ચૂંટણી હોય કે ન હોય કૉંગ્રેસના નેતાઓનું કામ ભાજપ પર આક્ષેપો કરવાનું હોય છે."

"બધાની હાજરીમાં ફૉર્મ ભરવામાં આવ્યાં છે. અચાનક એવું બન્યું કે કૉંગ્રેસના ઉમેદવારોના ટેકેદારો (જે ઉમેદવારના સંબંધીઓ છે એવું જાણવા મળ્યું છે)એ એફિડેવિટ કરી છે. એ એમના જ માણસો હતા, એમનાં જ ફૉર્મ હતાં. આ બધી વાતમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય હતી નહીં."

"જે અધિકારીએ સ્ક્રૂટિની કરવા માટે અમને આમંત્રિત કર્યા એ પૂરતા તેઓ ત્યાં હાજર હતા. આ સિવાય એમનો કોઈ રોલ નહોતો. પણ પોતાની ખામીઓ જીરવી ન શકતી કૉંગ્રેસ પોતે જ્યારે પછડાટ ખાય ત્યારે અન્ય પર આક્ષેપ કરે છે."

તો નીલેશ કુંભાણીના વકીલ ઝમીર શેખે કહ્યું કે "રિટર્નિંગ અધિકારીએ અમને એક નોટિસ આપી છે કે જે ત્રણ ટેકેદારોના ફૉર્મમાં સહી છે એ ટેકેદારોએ એફિવેડિટ આપીને કહ્યું કે ફૉર્મમાં તેમની સહી નથી. આથી અમે સામાન્ય મુદત અરજી આપીને સમય માગ્યો છે અને અમને આવતી કાલનો સમય આપવામાં આવ્યો છે."

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીએ 18 તારીખે ફૉર્મ ભર્યું હતું.

અમિત શાહ અને સી.આર. પાટીલની કુલ સંપત્તિ કેટલી છે?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાનો સમય પૂરો થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફૉર્મની સાથે પોતાની કુલ સંપત્તિનો પણ ખુલાસો કર્યો છે.

ઍફિડેવિટ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહની કુલ સંપત્તિ 36.65 કરોડ છે અને તેમના હાથમાં રોકડ રકમ 24,164 રૂપિયા છે.

વર્ષ 2022-23માં અમિત શાહે પોતાને થયેલી આવક 75.09 લાખ ગણાવી છે અને પત્નીની સંપત્તિ 29.01 કરોડ દર્શાવી છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત મંત્રી તરીકેનો પગાર, ખેતી, ભાડું અને શૅરમાં રોકાણ દર્શાવ્યું છે.

જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વર્ષ 2022-23માં તેમને થયેલી આવક 53,03,150 રૂપિયા દર્શાવી છે જ્યારે હાથ પરની રોકડ રકમ 3.61 લાખ છે.

પાટિલે તેમની જંગમ મિલકત 16.26 કરોડ જ્યારે સ્થાવર મિલકત 3.99 કરોડ રૂપિયા જાહેર કરી છે. તેમનાં પત્નીના નામે 11.72 કરોડની જંગમ મિલકત છે. તેમની શૈક્ષણિક લાયકાતમાં તેમણે છેલ્લો અભ્યાસ કે ડિગ્રી તરીકે ટર્નરનો કોર્સ કર્યો હોવાનું દર્શાવ્યું છે.

નોંધનીય છે કે અમિત શાહે ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્રક ભર્યું હતું, જ્યારે સી. આર. પાટીલે નવસારીની લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્રક ભર્યું હતું.

રાહુલને અમેઠીથી ભાગવું પડ્યું, વાયનાડથી પણ ભાગી જવાના છે : નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે રાજકીય પક્ષોએ હવે અન્ય બેઠકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મહારાષ્ટ્રના નાંદેડમાં સભા સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેમને વાયનાડની બેઠક પણ સંકટમાં લાગે છે.

તેમણે રાહુલ ગાંધીને ફરી એકવાર શાહજાદા તરીકે સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે “કૉંગ્રેસ કે શહઝાદે, ઉન્હેં ભી વાયનાડ સંકટ મેં દિખ રહા હૈ... જૈસે અમેઠી સે ભાગના પડા વૈસે વાયનાડ ભી છોડેંગે.”

પીએમ મોદીએ કહ્યું હતું કે "હવે તો કેરળના મુખ્ય મંત્રીએ પણ રાહુલ ગાંધી માટે એવી ભાષા વાપરી છે જે હું પણ ન વાપરી શકું. મને વિશ્વાસ છે કે વાયનાડમાં મતદાન પૂર્ણ થાય ત્યારપછી કૉંગ્રેસ તેમના માટે નવી બેઠક શોધશે."

અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને પત્રકારપરિષદોમાં વારંવાર પૂછવામાં આવ્યું છે કે તેઓ આ વખતે અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં. પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું જેના કારણે હજુ એવી અટકળો છે કે તેઓ અમેઠીથી ચૂંટણી લડશે.

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર પાંચમા તબક્કામાં 20મી મેના રોજ મતદાન થવાનું છે અને હજુ ઉમેદવારી કરવા માટે ઘણો સમય બાકી છે.