મુંબઈ : ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી બોટ દુર્ઘટનાગ્રસ્ત, ઓછામાં ઓછા 13નાં મૃત્યુ

બીબીસી ગુજરાતી, મુંબઈ એલિફન્ટા ફેરી અને નેવી બોટ અકસ્માત, બીબીસ ન્યૂઝ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા તરફ જઈ રહેલી બોટ બુધવારે પલટી મારી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય નૌકાદળની સ્પીડબોટ સાથે અકસ્માત બાદ આ બનાવ બન્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં આ ઘટનામાં 13 લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટિ કરી હતી.

નાગપુર ખાતે વિધાનસભાની કાર્યવાહી પૂરી થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે આ બનાવની વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, "બપોરના 3:55 વાગ્યે નીલકમલ નામની એક પૅસેન્જર બોટ નેવીની એક બોટ સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે અકસ્માત થયું હતું. આ ઘટનામાં 101 લોકોને બહાર કઢાયા હતા. અસરગ્રસ્તો પૈકી 13નાં મૃત્યુ થયાં છે. જેમાં ત્રણ નેવીના કર્મચારીઓ પણ સામેલ છે."

મહારાષ્ટ્ર તથા કેન્દ્ર સરકારે મૃતક તથા ઘાયલોના પરિવારજનો માટે સહાય જાહેર કરી હતી.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

બીબીસી ગુજરાતી, મુંબઈ એલિફન્ટા ફેરી અને નેવી બોટ અકસ્માત, બીબીસ ન્યૂઝ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન કાર્યાલયે સોશિયલ ઍક્સ પોસ્ટમાં મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખ તથા ઘાયલોને વડા પ્રધાન રાહત કોષમાંથી રૂ. 50-50 હજારની સહાયની જાહેરાત કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઍક્સ પર લખ્યું, કે મુંબઈ હાર્બર પાસે એક ફેરી અને નેવીની ક્રાફ્ટ બોટ વચ્ચેની ટક્કર વિશે જાણીને સ્તબ્ધ છું. જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.

આ પહેલાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે મુંબઈ બોટ દુર્ઘટના વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. વડેટ્ટીવારે પોતાના ઍક્સ એકાઉન્ટ પર લખ્યું કે, "મુંબઈથી એલિફન્ટા જઈ રહેલી બોટ નીલકમલના અકસ્માતના સમાચાર દુ:ખદ છે. અત્યાર સુધી એવી માહિતી મળી છે કે છથી સાત મુસાફરો ગુમ છે. એકનું મોત થયું છે. પાંચ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે."

તેમણે કહ્યું કે, "ઈશ્વરને મારી પ્રાર્થના છે કે વહીવટી તંત્ર બોટમાંના તમામ પ્રવાસીઓને બચાવવામાં સફળ થાય. હું એવી પણ માંગણી કરું છું કે સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાયતા પૂરી પાડે."

કેવી રીતે થયો અકસ્માત?

બીબીસી ગુજરાતી, મુંબઈ એલિફન્ટા ફેરી અને નેવી બોટ અકસ્માત, બીબીસ ન્યૂઝ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નીલકમલ નામની બોટ ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા તરફ જતી હતી. ઉરણ નજીક કારંજા પાસે એક સ્પીડબોટ ટકરાતાં નીલકમલ બોટ ડૂબી ગઈ હતી.

આ દરમિયાન ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ અને સ્થાનિક માછીમારોની હોડીઓ દ્વારા બચાવકાર્ય ચાલુ છે.

ઘટના બાદ 56 અસરગ્રસ્ત લોકોને જેએનપીટી હૉસ્પિટલ, નવને નેવી ડોકયાર્ડ હૉસ્પિટલ, નવ લોકોને સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલ અને એક વ્યક્તિને અશ્વિની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુંબઈ બોટ દુર્ઘટના વિશે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે ઍક્સ પર લખ્યું કે "એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેના સમાચાર મળ્યા છે. નેવી, કોસ્ટ ગાર્ડ, પૉર્ટ, પોલીસની ટીમની બોટ તાત્કાલિક સહાયતા માટે મોકલવામાં આવી છે."

"અમે જિલ્લા અને પોલીસ વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છીએ. સદ્નસીબે મોટા ભાગના લોકોને બચાવી લેવાયા છે. જોકે, બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. બચાવકાર્ય માટે તમામ મશીનરીને કામે લગાડવા વહીવટી તંત્રને આદેશ અપાયો છે."

મુંબઈના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પણ આ ઘટના વિશે મુંબઈ શહેર અને રાયગઢ જિલ્લા કલેક્ટર પાસેથી માહિતી મેળવી હતી.

શિંદે નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવકાર્ય ઝડપી બનાવવા અને લોકોને સુરક્ષિત કાઢવા માટે સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

એલિફન્ટા જઈ રહેલી બોટની દુર્ઘટનાની માહિતી મળતા નાયબ મુખ્ય મંત્રી શિંદેએ રાયગઢના કલેક્ટર કિસન જવાલે અને મુંબઈ સિટીના કલેક્ટર સંજય યાદવ સાથે ફોન પર વાત કરીને બચાવકાર્ય વિશે જાણકારી મેળવી હતી. તેમણે ડીસીપી (પોર્ટ) સુધાકર પથારે સાથે ફોન પર વાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.