ગોવાની નાઇટક્લબમાં આગમાં મૃતકોની સંખ્યા વધીને 25 થઈ, અડધી રાતે શું થયું હતું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

શનિવારે રાતે ગોવાની એક નાઇટ ક્લબમાં ભયંકર આગ લાગવાથી ઓછામાં ઓછા 25 લોકોનાં મૃત્યુ થયાં છે. પોલીસને શંકા છે કે સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હતી.

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "હું અર્પોરામાં લાગેલી આગની ઘટનાથી ઊભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું જેમાં 25 લોકોનાં મોત થયાં છે અને છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બધા છ લોકો સ્થિર છે અને તેમને શ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા મળી રહી છે. મેં ઘટનાના કારણ જાણવા અને જવાબદારી નક્કી કરવા માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે."

ઉત્તર ગોવાના અર્પોરા વિસ્તારમાં એક નાઇટ ક્લબમાં માર્યા ગયેલા લોકોમાં કેટલાક પર્યટકો પણ સામેલ છે. મૃતકોમાં મોટા ભાગના આ ક્લબના કર્મચારી હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે મૃતકોમાંથી મોટા ભાગના નાઇટ ક્લબના કિચનમાં કામ કરતા લોકો હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન મોદીએ ઍક્સ પર લખ્યું કે, "ગોવાના અર્પોરામાં થયેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. મારી સંવેદના એવા લોકો પ્રત્યે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા છે. હું ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજાં થાય તેવી પ્રાર્થના કરું છું. મેં ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ વિશે વાત કરી છે. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપી રહી છે."

વડા પ્રધાન કાર્યાલયે મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે.

પીએમઓએ એક્સ પર લખ્યું કે "ગોવાના અર્પોરામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દરેક વ્યક્તિના સ્વજનને વડા પ્રધાન રાહત ભંડોળમાંથી બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે."

અડધી રાતે શું થયું હતું?

ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું કે, "અર્પોરામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. (શનિવારે મધરાતે) 12 વાગીને ચાર મિનિટે પોલીસ કન્ટ્રોલ રૂમને આગ લાગવાની સૂચના મળી છે. ફાયર બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી. આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને મૃતદેહો કાઢવામાં આવ્યા છે."

"મોટા ભાગના મૃતદેહો રસોડામાંથી મળી આવ્યા છે. હવે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે અને જે પરિણામ આવશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે."

ઘટનાને નજરે જોનારા સુરક્ષા ગાર્ડ સંજય કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, "રાતના 11થી 12 વાગ્યા વચ્ચે ઘટના બની હતી... હું ગેટ પર હતો.. અહીં ડીજે, ડાન્સર આવવાના હતા અને બહુ ભીડ થવાની હતી..."

નાઇટક્લબની નજીક એક રેસ્ટોરાંમાં હાજર સુરક્ષા ગાર્ડે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, "અમે ધડાકાનો જોરદાર અવાજ સાંભળ્યો, જાણે કારનો ટાયર ફાટ્યો હોય. ત્યાર પછી જણાવાયું કે સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે આગ લાગી હતી."

તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા આઠ-નવ વર્ષથી અહીં સુરક્ષાગાર્ડ તરીકે નોકરી કરે છે અને શનિવારે સાંજે આઠ વાગ્યાથી રવિવારના સવારના આઠ વાગ્યા સુધી ડ્યૂટી પર હતા.

મૃતકોમાં કોણ કોણ છે?

ડીજીપી આલોક કુમારે મરનારાઓ વિશે માહિતી આપતા કહ્યું કે, "શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે મૃતકોમાં મોટા ભાગના રેસ્ટોરાંના સ્ટાફના હતા. મૃતકોમાં કેટલાક પર્યટકો પણ હોઈ શકે છે."

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે મીડિયાને આગઉ કહ્યું હતું કે પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું છે કે નાઇટક્લબે ફાયર સેફ્ટીના ધોરણોનું પાલન કર્યું ન હતું. મૃતક 23 લોકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણથી ચાર પર્યટકો સામેલ છે.

તેમણે કહ્યું કે, "ત્રણ વ્યક્તિનાં મૃત્યુ દાઝી જવાથી થયા હતા, જ્યારે બાકીના ગુંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. અમે વિસ્તૃત તપાસ કરીશું અને દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે."

જ્યારે ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોએ કહ્યું કે, "આ ઘટનામાં 23 લોકો માર્યા ગયા જેમાં ત્રણ મહિલાઓ અને 20 પુરુષ છે. કેટલાક પર્યટકો છે. મોટા ભાગના સ્થાનિક લોકો છે જેઓ રેસ્ટોરાંના બેઝમેન્ટમાં કામ કરતા હતા."

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ અધિકારીઓઓ ઘટનાની તપાસ શરૂ કરી છે. પીડિતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે મદદ કરવાના પ્રયાસ ચાલુ છે.

વડા પ્રધાન મોદીએ સહાય જાહેર કરી

ગૃહ મંત્રી અમિત શાહે ઍક્સ પર પોસ્ટમાં લખ્યું કે, "અર્પોરા, ગોવામાં આગની દુર્ઘટના અત્યંત દુખદ છે. સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કાર્યમાં લાગેલું છે તથા અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાયતા અપાઈ રહી છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."

ફાયર સેફ્ટીને લઈને સવાલો ઊઠ્યા

આ ઘટના પછી ગોવાની ક્લબમાં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઊઠ્યા છે.

ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોએ કહ્યું કે બાકીની ક્લબોમાં પણ ફાયર સેફ્ટીની તપાસ થવી જોઈએ.

તેમણે કહ્યું કે, "અમારે ગોવાની બાકીની ક્લબોનું સેફ્ટી ઑડિટ કરવું પડશે, જે બહુ જરૂરી છે. પર્યટકો હંમેશાથી ગોવાને એક સુરક્ષિત જગ્યા માનતા આવ્યા છે."

તેમણે કહ્યું કે, "આગ લાગવાની ઘટના બહુ પરેશાન કરનારી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં થવી ન જોઈએ. પર્યટકો અને આ જગ્યાઓ પર કામ કરનારાઓની સુરક્ષા બહુ જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન