પાકિસ્તાની યુવા અભિનેત્રીનો મૃતદેહ ફ્લૅટમાંથી મળ્યો, મહિના બાદ કેવી રીતે ખબર પડી?

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અભિનેત્રી હુમૈરા અસગર અલી કરાચી

ઇમેજ સ્રોત, Humaira Asghar Instagram

ઇમેજ કૅપ્શન, પોલીસના કહેવા મુજબ કોર્ટના આદેશ પછી તેઓ ફ્લૅટ ખાલી કરાવવા પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો
    • લેેખક, રિયાઝ સોહેલ
    • પદ, બીબીસી ઉર્દૂ ડોટ કોમ, કરાચી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

પાકિસ્તાનના કરાચી શહેરમાં મંગળવારે રાતે પાકિસ્તાની મૉડલ અને અભિનેત્રી હુમૈરા અસગર અલી પોતાના ફ્લૅટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

કરાચી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે ડિફેન્સ હાઉસિંગ ઑથૉરિટી વિસ્તારમાં પોતાના ફ્લૅટમાંથી મૃત અવસ્થામાં મળી આવેલાં હુમૈરા અસગરનો મૃતદેહ સ્વીકારવાનો તેમના પરિવારે ઇનકાર કર્યો છે.

કોર્ટના આદેશના પગલે પોલીસ ફ્લૅટ ખાલી કરાવવા ગઈ ત્યારે તેમાંથી હુમૈરા અસગરનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે અભિનેત્રીનું મોત કેટલાય દિવસ અગાઉ થયું હતું, પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

એસએસપી સાઉથ મેહરોઝ અલીએ બીબીસીને જણાવ્યું કે અભિનેત્રી હુમૈરા અલી લાહોરનાં રહેવાસી હતાં. 2018થી તેઓ ઇત્તેહાદ કૉમર્શિયલ વિસ્તારના એક ફ્લેટમાં રહેતાં હતાં.

તેમણે કહ્યું કે વર્ષ 2024થી તેમણે ભાડું આપવાનું બંધ કર્યું હતું. તેથી તેમના મકાનમાલિક કોર્ટમાં ગયા હતા.

એસએસપી મુજબ કોર્ટના બેલિફને લઈને પોલીસ મંગળવારે ફ્લૅટ પર પહોંચી ત્યારે ફ્લૅટનો દરવાજો અંદરથી બંધ હતો.

"લોખંડનો ગેટ અને લાકડાનો દરવાજો તોડીને પોલીસ અંદર ગઈ તો હુમૈરા અલીનો મૃતદેહ નીચે જમીન પર પડ્યો હતો જેને કેટલાય દિવસ થઈ ગયા હતા."

પોલીસ સર્જન ડૉક્ટર સુમૈયાએ બીબીસીને જણાવ્યું કે "લાશની હાલત ખરાબ હતી, પરંતુ મૃત્યુના કારણ વિશે બાદમાં જણાવવામાં આવશે."

તેમનું કહેવું હતું કે "મૃતદેહ પરથી સૅમ્પલ લેવાયા છે અને મૃત્યુનું અસલ કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવે ત્યાર પછી જાણી શકાશે."

પોલીસે બીબીસીને જણાવ્યું કે તપાસ કરનારાઓએ ફ્લૅટમાંથી ફૉરેન્સિક પુરાવા એકત્ર કર્યા છે.

'ઓછામાં ઓછા એક મહિનાથી મૃતદેહ પડ્યો હશે'

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અભિનેત્રી હુમૈરા અસગર અલી કરાચી

ઇમેજ સ્રોત, Habib Jamali

ઇમેજ કૅપ્શન, હુમૈરા અસગર આ ઈમારતના ચોથા માળે એક ફ્લેટમાં રહેતાં હતાં

કરાચીમાં છીપા વેલફેર ઍસોસિયેશનના સ્વયંસેવક હુમૈરાનો મૃતદેહ લઈને ગયા હતા. ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર ઝુબૈર બલોચે બીબીસીને જણાવ્યું કે તેઓ ફ્લૅટ પર પહોંચ્યા ત્યારે પોલીસ દરવાજો તોડીને અંદર જઈ ચૂકી હતી.

ઝુબૈર બલોચ કહે છે કે તેમણે જોયું કે "સ્ટોરરૂમ જેવા એક ઓરડામાં નીચે કાર્પેટ પર એક મહિલાનો મૃતદેહ પડ્યો હતો, જેના પર લીલા રંગનું પેન્ટ અને પિંક કલરનું ટીશર્ટ હતાં."

તેમના કહેવા પ્રમાણે "આ ફ્લૅટ ચોથા માળે હતો જેમાં બેથી ત્રણ રૂમ હતા. એક બેડરૂમ હતો. ઘરમાં લાઇટ ન હતી."

"એવું જાણવા મળ્યું કે મકાનમાલિકે લાઇટ બંધ કરાવી દીધી હતી."

તેઓ કહે છે, "મારા માનવા પ્રમાણે મૃતદેહ ઓછામાં ઓછા એક મહિનાથી પડ્યો હશે."

ડીઆઈજી સાઉથ અસદ રઝાએ બીબીસીને જણાવ્યું કે "પોલીસે જ્યારે હુમૈરાના પરિવારજનોનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ છેલ્લાં સાત વર્ષથી તેમનાં સંપર્કમાં ન હતાં અને એકલાં રહેતાં હતાં."

પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અભિનેત્રી હુમૈરા અસગર અલી કરાચી

ઇમેજ સ્રોત, Humaira Asghar Instagram

ઇમેજ કૅપ્શન, હુમૈરા અસગરને 'તમાશા ઘર' નામના રિયાલિટી શૉથી લોકપ્રિયતા મળી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડીઆઈજીએ એમ પણ કહ્યું કે હુમૈરાના મૃત્યુ પછી તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પિતાએ પોતાની પુત્રીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

હુમૈરા અસગરનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા પછી પ્રાંતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી સૈયદ ઝુલ્ફીકાર અલી શાહે ડીઆઈજી સાઉથ, અસદ રઝા પાસેથી તેના વિશે રિપોર્ટ મગાવ્યો છે.

નૅશનલ કૉલેજ ઑફ આર્ટ્સમાંથી ગ્રૅજ્યુએશન કરનાર હુમૈરા અસગરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ "કૉલેજના દિવસોથી જ રફી પીર થિયેટરમાં કામ કરતાં હતાં. ત્યાર પછી તેઓ મૉડલિંગની દુનિયામાં પ્રવેશ્યાં અને અનેક બ્રાન્ડ્સ માટે મૉડલિંગ કર્યું."

થોડાં વર્ષો અગાઉ પ્રાઇવેટ ટીવી ચૅનલ એઆરવાયના રિયાલિટી શો 'તમાશા ઘર'થી તેમને પ્રસિદ્ધિ મળી હતી. ત્યાર પછી તેમણે કેટલાક ટીવી ડ્રામા અને ફિલ્મોમાં કામ કર્યું હતું.

હુમૈરા અસગરના મોતના સમાચાર આવ્યા પછી મનોરંજન જગતના ઘણા લોકો સોશિયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોને એ વાતનું આશ્ચર્ય છે કે આટલા દિવસો સુધી કોઈને ઘટનાની ખબર કેમ ન પડી.

કશફે ઍક્સ પ્લૅટફૉર્મ પર લખ્યું છે કે આટલા બધા દિવસો? માતા-પિતા? ભાઈ બહેન? પરિવાર? બાકીના મિત્રો? સાથે કામ કરનારા લોકો? તે તમાશામાં હતી અને કદાચ ત્યાં કેટલાક મિત્રો બનાવ્યા હશે, પરંતુ તેમણે પણ ત્યાં જઈને સ્થિતિ જાણવાની કોશિશ ન કરી?"

નુદરત ફાતિમાએ લખ્યું કે "આજે કરાચીમાં વધુ એક અવાજ બંધ થઈ ગયો." તેમણે લખ્યું કે કોઈનું ધ્યાન ન ગયું, કોઈએ તેમના ઘરનો દરવાજો પણ ખખડાવ્યો નહીં.

"આ એક ટ્રેજેડી નથી, પરંતુ આપણી સામૂહિક એકલતા અને બેખબરીને હચમચાવી દેવા માટે પૂરતું છે."

અભિનેત્રી સાહિબા જબ્બાર ખટકનું કહેવું છે કે શોબિઝ ઇન્ડસ્ટ્રી બહારથી બહુ ગ્લેમરસ દેખાય છે, પરંતુ તેમાં જીવવું બહુ મુશ્કેલ હોય છે.

અભિનેત્રી હિના અલ્તાફે પોતાના નિવેદનમાં કહ્યું કે હુમૈરા એકલા રહેતાં હતાં. એકલતામાં જ તેઓ મૃત્યુ પામ્યાં અને કેટલાય દિવસો સુધી તેના પર ધ્યાન ન આપ્યું.

તેમણે કહ્યું કે, "આ માત્ર એક નુકસાન નથી, પરંતુ બેધ્યાનપણાની એક ચેતવણી છે કે મિત્રો અને એવા લોકોનો ખ્યાલ રાખો જેઓ ક્યારેય તેની માગણી નથી કરતા."

કરાચીમાં આવી બીજી ઘટના

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અભિનેત્રી હુમૈરા અસગર અલી કરાચી

ઇમેજ સ્રોત, PTV

ઇમેજ કૅપ્શન, પીઢ અભિનેત્રી આયશા ખાનનો મૃતદેહ પણ તેમના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો

કરાચીમાં હાલના દિવસોમાં આ બીજી ઘટના છે જેમાં એકલાં રહેતાં અભિનેત્રીનો મૃતદેહ મળ્યો છે. અગાઉ આયશા ખાન નામના વરિષ્ઠ અભિનેત્રીના મૃત્યુ પર પણ સોશિયલ મીડિયાની આકરી પ્રતિક્રિયા આવી હતી.

આ વર્ષે જૂનમાં પાકિસ્તાનના જાણીતા અભિનેત્રી આયશા ખાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે તેમના ઘરમાં સાત દિવસથી પડ્યો હતો. તેઓ 76 વર્ષનાં હતાં.

પોલીસ મુજબ આયશા ખાનનું કુદરતી મૃત્યુ થયું હતું. અભિનેત્રી આયશા ખાન ગુલશન ઇકબાલ બ્લૉક 7 નઝીબ પ્લાઝામાં પોતાના ફ્લૅટમાં એકલાં રહેતાં હતાં. ફ્લેટમાંથી દુર્ગંધ આવવાથી પડોશના લોકોએ પોલીસને બોલાવી હતી. લોકો જ્યારે તેમના ફ્લૅટનો દરવાજો તોડીને અંદર ગયા તો અભિનેત્રી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

આયશા ખાનનો જન્મ 22 ઑગસ્ટ, 1948ના રોજ કરાચીમાં થયો હતો. 1964માં તેમણે ઍક્ટિંગ શરૂ કરી અને પીટીવીના ઘણા લોકપ્રિય ડ્રામામાં તેમણે કામ કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન