બોટાદ જિલ્લાની એક સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની કથિત છેડતીની પોલીસ ફરિયાદ, શિક્ષકની ધરપકડ-ન્યૂઝ અપડેટ

બોટાદ જિલ્લાની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીની કથિત છેડતીની ફરિયાદ બાદ શિક્ષકની પોલીસે કરી ધરપકડ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, બોટાદ જિલ્લાની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીની કથિત છેડતીની ફરિયાદ બાદ શિક્ષકની પોલીસે કરી ધરપકડ
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામમાં એક શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષક સામે ફરિયાદ છે કે તેણે કથિત રીતે એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.

ઢસા પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અહીંની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકનો વિદ્યાર્થિની સાથે કથિત રીતે શારીરિક અડપલાં કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર આ વીડિયો વાયરલ થયા બાદ ગુસ્સે ભરાયેલા ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા.

સચીન પીઠવાએ જણાવ્યું, “ગામની મહિલાઓએ ભાવનગર-રાજકોટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. પીડિત વિદ્યાર્થિનીના વાલીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી શિક્ષકને પકડવાની કવાયત હાથ ધરી હતી. આખરે પોલીસે આરોપી શિક્ષકને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો.”

વિદ્યાર્થિનીની કથિત છેડતીનો વીડિયો વાયરલ થતાની સાથે જ ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા અને ચક્કાજામ કર્યો

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, વિદ્યાર્થિનીની કથિત છેડતીનો વીડિયો વાયરલ થતાની સાથે જ ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા અને ચક્કાજામ કર્યો

પોલીસનું શું કહેવું છે?

બોટાદના પોલીસ વડા કિશોર બલોલિયાએ બીબીસી સહયોગી સચીન પીઠવાને આ ઘટના વિશે જણાવતા કહ્યું, “આરોપી સામે પૉક્સોની કલમ ઉપરાંત બીએનએસ કલમ 75/2 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ ફરિયાદ અંગે પુરાવાઓ મેળવવાનું કામ કરી રહી છે. આ ઉપરાંત આ વીડિયો કોણે ઉતાર્યો અને તેને કોણે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આતિશી દિલ્હીનાં નવાં મુખ્ય મંત્રી બન્યાં, કૅબિનેટમાં કોણ કોણ સામેલ?

 આતિશી દિલ્હીનાં મુખ્ય મંત્રી બન્યાં, કૅબિનેટમાં કોણ કોણ સામેલ?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આતિશી દિલ્હીનાં મુખ્ય મંત્રી બન્યાં

આમ આદમી પાર્ટી નેતા આતિશી દિલ્હીનાં મુખ્ય મંત્રી બની ગયાં છે. તેમને શનિવારે ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ શપથ લેવડાવી.

અરવિંદ કેજરીવાલના તિહાડ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેમણે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું.

આતિશીની કૅબિનેટમાં કૈલાશ ગેહલોત, ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, ઇમરાન હૂસૈન અને મુકેશ અહલાવતે મંત્રીપદના શપથ લીધા છે.

કૅબિનેટમાં મુકેશ અહલાવત નવો ચહેરો છે. અન્ય તમામ મંત્રીઓ કેજરીવાલ કૅબિનેટમાં રહી ચૂક્યા છે.

શપથગ્રહણ સમારોહમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા.

તિરુપતિ મંદિર: પ્રસાદના લાડુમાં ‘પશુની ચરબી’ મામલે અમૂલે કેમ આપવું પડ્યું નિવેદન?

તિરુપતિ મંદિર અને લાડુ વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંધ્ર પ્રદેશમાં આવેલું તિરુપતિ મંદિર

તિરુપતિ મંદિરના પ્રસાદમાં વહેંચવામાં આવતા લાડુમાં પશુની ચરબી મળ્યાના દાવાના ઊઠેલા વિવાદ બાદ હવે દૂધ અને ધી બનાવનારી કંપની અમૂલે નિવેદન આપ્યું છે.

અમૂલે શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે મંદિરના કામકાજ જોનારી સંસ્થા ટીટીડીને અમૂલે ઘીની આપૂર્તિ નથી કરી.

કંપનીનું કહેવું છે, “કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે ટીટીડીને અમૂલે ઘીની આપૂર્તિ કરી હતી. પરંતુ અમે જણાવવા માગીએ છીએ કે અમે ક્યારેય ટીટીડીને ઘી આપૂર્તિ કરી નથી.”

અમૂલે સ્પષ્ટ કર્યું કે અમૂલનું ઘી, દૂધમાંથી બને છે. અમૂલ ઘી 50 વર્ષોથી ભારતની સૌથી ભરોસાપાત્ર ઘીની બ્રાન્ડ છે અને ભારતીય ઘરોનું અભિન્ન અંગ છે.

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના પ્રસાદમાં વહેંચનારા લાડુમાં જાનવરોની ચરબી મળી આવી હતી. ત્યારબાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે મંદિરનો પ્રસાદ અમૂલ ઘીમાંથી બનાવવામાં આવ્યો હતો. જેની સામે અમૂલે સ્પષ્ટતા કરી છે.

પીએમ મોદીના પાકિસ્તાન વિશેના નિવેદન પર ફારૂક અબ્દુલ્લા શું બોલ્યા?

તિરુપતિ મંદિર, લાડુ વિવાદ, અમૂલ

ઇમેજ સ્રોત, @Amul_Coop

ઇમેજ કૅપ્શન, અમૂલ કંપનીનું નિવેદન
જમ્મુ-કાશ્મીર ચૂંટણી, નરેન્દ્ર મોદી, ફારુખ અબ્દુલ્લા, કૉંગ્રેસ, પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ફારુક અબ્દુલ્લા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાન વિશેના નિવેદન પર જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ પલટવાર કર્યો છે.

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે, “જ્યારે તેમને કોઈ ચીજ આવડી જાય છે તેમાં તેઓ પાકિસ્તાનને આગળ કરી દે છે. ભૂલ પોતે કરે છે અને અમને કહે છે કે અમે પાકિસ્તાની છીએ. તેઓ કહે છે કે રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા વચ્ચે જે ગઠબંધન થયું તે પાકિસ્તાન તરફથી થયું છે.”

તેમણે કહ્યું, “અમારે પાકિસ્તાન સાથે શું લાગે, અમે તો હિન્દુસ્તાની હતા. આવું તેઓ કેવી રીતે બોલી શકે? મને લાગે છે કે તેઓ જ પાકિસ્તાની છે અને અમને ખતરો ગણે છે.”

શું કહ્યું હતું પીએમ મોદીએ?

પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરની એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું, “કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ વચ્ચેના ગઠબંધનને કારણે જમ્મુ-કાશ્મીરમાં ભલે ઉત્સાહ ન હોય પરંતુ પાકિસ્તાનમાં જરૂર છે.”

“અહીં તેમને કોઈ પૂછતું નથી પરંતુ પાકિસ્તાનમાં તેમના ચૂંટણી ઢંઢેરાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સના ગઠબંધનનું સમર્થન કર્યું છે.”

શ્રીલંકામાં ઊથલપાથલ બાદ પહેલી ચૂંટણી, આર્થિક સંકટ સામે ઝઝૂમતા લોકો કોને મત આપશે

શ્રીલંકામાં ઊથલપાથલ બાદ પહેલી ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સાલ 2022માં દેશમાં આર્થિક સંકટ આવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે.

આર્થિક સંકટના કારણે શ્રીલંકામાં તે વખતે મોટા પાયે વિરોધપ્રદર્શનો થયાં હતાં. લોકોના પ્રચંડ વિરોધ બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. તો વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપવું પડ્યું હતું.

આ પછી રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

શનિવારે યોજાનારી ચૂંટણીને દેશમાં આર્થિક સુધારા તરીકે જોવાઈ રહી છે. દેશમાં હજુ પણ ઘણા લોકો ટૅક્સમાં વધારો, સબસિડીમાં કાપ અને કલ્યાણકારી યોજનાઓને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

નિષ્ણાતો અનુસાર, આ ચૂંટણીમાં મતદારોમાં આર્થિક સુધારાને લઈને ચિંતા છે, જેના કારણે ચૂંટણીમાં જોરદાર જોવા મળી શકે છે.

લેબનોનમાં ઇઝરાયલી ઍરસ્ટ્રાઇકમાં હિઝબુલ્લાહના કમાન્ડરનું મૃત્યુ

શુક્રવારે લેબનોનના પાટનગર બૈરૂતમાં ઇઝરાયલે અનેક ઠેકાણે ઍરસ્ટ્રાઇક કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે લેબનોનના પાટનગર બૈરૂતમાં ઇઝરાયલે અનેક ઠેકાણે ઍરસ્ટ્રાઇક કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શુક્રવારે લેબનોનના પાટનગર બૈરુતમાં ઇઝરાયલે અનેક ઠેકાણે ઍરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના મિલિટરી કમાન્ડર ઇબ્રાહીમ અકીલનું મૃત્યુ થયું છે. હિઝબુલ્લાહે અકીલના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ઇઝરાયલે ગુરુવારે સાંજે દક્ષિણ લેબનોનના દાહિયા વિસ્તારમાં અનેક ઠેકાણે જબરદસ્ત ઍરસ્ટ્રાઇક કરી હતી. ગીચ વસતી ધરાવતો દાહિયા એ હિઝબુલ્લાહનો ગઢ છે અને ઈરાન સર્મથિત આ જૂથ સમગ્ર વિસ્તારમાં સારી પકડ ધરાવે છે.

સ્થાનિક અધિકારીઓ અનુસાર, આ હુમલામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક રહેણાક ઇમારત આ હુમલામાં જમીનદોસ્ત થઈ ગઈ હતી અને અન્ય કેટલીક ઇમારતોને બહુ નુકસાન થયું હતું.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, ઇબ્રાહીમ અકીલ હિઝબુલ્લાહની રદવાન ફોર્સના સિનિયર કમાન્ડર હતા. તેમની સાથે ફોર્સના અન્ય મહત્ત્વનાં લોકોનું પણ આ હુમલામાં મૃત્યુ થયું છે. રદવાન ફોર્સ એ હિઝબુલ્લાહની એક ખાસ ફોર્સ છે.

હગારીએ જણાવ્યું કે, અકીલ અને તેમના સાથીદારો દાહિયાની એક રહેણાક ઇમારતના બેઝમેન્ટમાં છુપાયા હતા.

અત્રે નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં અમેરિકાએ જણાવ્યું હતું કે, તેઓ અકીલ જે તહસીન તરીકે પણ ઓળખાય છે, તેમની શોધખોળ કરી રહ્યું છે. અકીલ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપનારને અમેરિકાએ ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમેરિકા જવા રવાના થયા હતા

ઇમેજ સ્રોત, X/Randhir Jaiswal

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમેરિકા જવા રવાના થયા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે આજે અમેરિકા જવા રવાના થયા હતા. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.

આ સિવાય તેઓ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 'સમિટ ઑફ ધ ફ્યુચર' બેઠકમાં ભાગ લેવાના છે.

અમેરિકા જતાં પહેલાં વડા પ્રધાને કહ્યું કે, "હું ક્વાડ સમિટમાં રાષ્ટ્રપતિ જો બાઇડન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બનીઝ અને જાપાનના વડા પ્રધાન કિશિદાને મળવા ઉત્સુક છું."

તેમણે કહ્યું, "આ મંચ હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારાવાળા દેશોના અગ્રણી જૂથ તરીકે ઊભરી આવ્યો છે."

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વાટાઘાટ અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું, "રાષ્ટ્રપતિ બાઇડન સાથેની મુલાકાત દરમિયાન આપણા લોકોનાં લાભ અને વૈશ્વિક સુખાકારી માટે ભારત-અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને સુધારવા પર ભાર આપવામાં આવશે."

પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી ભારતીય પ્રવાસીઓ અને અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.

આતિશી આજે દિલ્હીનાં મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે

આતિશી વર્ષ 2013માં આમ આદમી પાર્ટી સાથે જોડાયાં હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આતિશી વર્ષ 2013માં આમ આદમી પાર્ટી સાથે જોડાયાં હતા

દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અને વર્તમાન સરકારમાં શિક્ષણ અને પીડબ્લ્યુડી વિભાગનાં મંત્રી આતિશી આજે દિલ્હીનાં નવાં મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.

તેઓ સાંજે 4:30 વાગ્યે રાજભવન ખાતે મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય પાંચ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે.

આતિશીનો જન્મ દિલ્હીમાં પ્રોફેસર માતા-પિતાના ઘરે થયો. તેમણે પ્રાથમિક શિક્ષાથી કૉલેજ સુધીનો અભ્યાસ દિલ્હીમાં જ કર્યો. ત્યારબાદ તેમણે ઉચ્ચ શિક્ષા માટે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો.

આતિશી વર્ષ 2013માં આમ આદમી પાર્ટી સાથે જોડાયાં. તેમણે વર્ષ 2015થી 2018 સુધી દિલ્હીના તત્કાલીન શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું.

2012માં પાર્ટીના ગઠનમાં નેતૃત્વ સંભાળ્યા બાદ આતિશીને સક્રિય રાજકારણમાં સૌથી પહેલો મોકો વર્ષ 2019માં મળ્યો. પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડાવી. જોકે, આતિશીનો આ ચૂંટણીમાં ચાર લાખથી વધારે મતોથી પરાજય થયો હતો અને તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતાં.

પછી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ આતિશીને કાલકાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવ્યાં અને તેમણે જીત મેળવી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ પછી મનીષ સિસોદિયાના રાજીનામા પછી આતિશી દિલ્હી સરકારમાં મંત્રી બન્યાં.

આતિશી પાર્ટીના રાજકીય મામલાને લગતી સમિતિનાં પણ સભ્ય છે.

આતિશી પાસે હાલમાં શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ટેકનિકલ ટ્રેનિંગ ઍન્ડ ઍજ્યુકેશન, પીડબ્લ્યુડી, ઊર્જા, રાજસ્વ, યોજના, નાણાં, વિજિલેન્સ, જળ, પબ્લિક રિલેશન્સ અને કાયદા અને ન્યાય જેવા વિભાગોની જવાબદારી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.