બાંગ્લાદેશમાં આઈએસઆઈના પ્રભાવ પર શું બોલ્યા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા – ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશમાં આઈએસઆઈના પ્રભાવ પર શું બોલ્યા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ForeignOfficePk

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ કહ્યું કે શેખ હસીનાનું નિવેદન ભારતમાંથી આવ્યું હતું, આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મામલો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 10 મિનિટ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં પ્રવક્તાને બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના અને તેમના પુત્ર સજીબ વાજેદનાં તાજેતરનાં નિવેદનો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા.

હકીકતમાં, ભારતમાં આયોજિત એક કાર્યક્રમમાં આપેલા ઑનલાઈન સંબોધનમાં શેખ હસીનાના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની બાંગ્લાદેશમાં 'ભૂમિકા' છે.

આ જ કાર્યક્રમમાં શેખ હસીનાએ પણ સંબોધન કર્યું હતું.

આ પ્રશ્નોના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ કહ્યું, "પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સામાન્ય રાજનૈતિક સંપર્ક સતત ચાલુ છે અને આ કોઈ એક ઘટનાથી મર્યાદિત નથી."

પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશમાં થયેલા તાજેતરના ઘટનાક્રમ વિશે જાણકારી ધરાવે છે, પરંતુ તે કોઈપણ દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરતું નથી.

તેમણે કહ્યું કે શેખ હસીનાનું નિવેદન ભારતમાંથી આવ્યું હતું, આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મામલો છે.

પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું, "બાંગ્લાદેશની જનતા પોતાના મુદ્દાઓને સ્વતંત્ર રીતે ઉકેલવામાં સક્ષમ છે અને તેને કોઈ બાહ્ય હસ્તક્ષેપની જરૂર નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન બાંગ્લાદેશની સંપ્રભુતાનું સન્માન કરે છે અને તેના વિકાસ તથા સમૃદ્ધિના પ્રવાસમાં તેનો સહયોગ ચાલુ રાખશે."

આઈએસઆઈની કથિત ભૂમિકા અંગે લગાવવામાં આવેલા આરોપો વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે પાકિસ્તાન આવા તમામ આરોપોને સ્પષ્ટ રીતે નકારી કાઢે છે.

તેમણે આગળ કહ્યું, "ભારત આઈએસઆઈ પર જરૂર કરતાં વધુ શંકા કરે છે. કદાચ એ વિચારધારા તેમના સુધી પણ પહોંચી ગઈ છે, કારણ કે તેઓ પણ ભારતમાં છે. કદાચ એ જ કારણ હોઈ શકે છે. પરંતુ બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન અને વર્તમાન સરકાર વચ્ચેના મુદ્દા પર અમારી કોઈ ટિપ્પણી નથી."

'પ્રદર્શનકારી જેન-ઝી દેશવિરોધી નથી', યુવાનો સાથેના સંવાદમાં શું બોલ્યા મોહન ભાગવત?

મોહન ભાગવતે કહ્યું કે જેન-ઝી અને જેન-આલ્ફાના વિચારો અગાઉની પેઢી કરતાં અલગ છે. (ફાઇલ ફોટોઃ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મોહન ભાગવતે કહ્યું કે જેન-ઝી અને જેન-આલ્ફાના વિચારો અગાઉની પેઢી કરતાં અલગ છે. (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનો અને તેમની સાથેની વાતચીતને લઈને મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે લોકતંત્રમાં વિરોધ પણ સહમતિ બનાવવાની એક રીત છે.

મોહન ભાગવતે કહ્યું, "લોકતંત્રમાં વિરોધ પણ સહમતિ બનાવવાનું માધ્યમ છે. અલગ-અલગ વિચાર સામે આવે છે તો ચર્ચા બાદ સહમતિ બને છે. આ ચર્ચા સંવાદ મારફતે થઈ શકે છે. જો કોઈ કારણસર વાત સાંભળવામાં નથી આવતી, તો આંદોલન કરી શકાય છે. પરંતુ તેનો ઉદ્દેશ સહમતિ બનાવવાનો હોવો જોઈએ. ન કે સમાજમાં વિભાજન પેદા કરવાનો."

તેમણે કહ્યું, "જ્યાં સુધી જેન-ઝીની વાત છે, હાલમાં જે થયું, તેમની ફરિયાદો વ્યાજબી છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણું કરવાની જરૂર છે અને તે નથી થઈ રહ્યું. તેથી આ મુદ્દા ઉઠે છે, નિશ્ચિત સંવાદ થવો જોઈએ."

તેમણે એમ પણ કહ્યું કે, જો જેન-ઝી પ્રદર્શન કરી રહ્યા છે, તો તેઓ દેશ-વિરોધી નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આપણા પોતાના છે, તેઓ આવનારી પેઢી છે અને તેથી તેમની સાથે પોતીકાપણું રાખવાની જરૂર છે.

તેમણે એમ પણ કહ્યું કે જેન-ઝી અને જેન-આલ્ફાના વિચારો અગાઉની પેઢી કરતાં અલગ છે.

તેમણે કહ્યું, "જ્યારે અમે તેમની ઉંમરના હતા ત્યારે વરિષ્ઠોની વાત માની લેવી અમારી આદત હતી. પરંતુ હવે આજે જેન-ઝી અને જેન-આલ્ફા સવાલ કરે છે, તેઓ તર્કસંગત જવાબ માગે છે."

તેમણે એમ પણ કહ્યું કે જેન-ઝી જે સવાલ ઉઠાવે છે તેનું સમાધાન કરવું જરૂરી છે.

કૉક્રોચ જનતા પાર્ટીએ હવે કયા અભિયાનની ઘોષણા કરી, અભિજિત દીપકેએ જણાવ્યું કે હવે તેઓ શું કરશે?

કૉક્રોચ જનતા પાર્ટીએ હવે કયા અભિયાનની ઘોષણા કરી, અભિજિત દીપકેએ જણાવ્યું કે હવે તેઓ શું કરશે? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ જંતર-મંતર પર હાલના વિરોધપ્રદર્શનની સફળતા બાદ વધુ એક રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની ઘોષણા કરી છે.

કૉક્રોચ જનતા પાર્ટીએ જંતર-મંતર આંદોલન કરીને તત્કાલીન કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું હતું. આ પછી આંદોલનને આગળ વધારવા માટે પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેના ઘરે મળેલી કૉક્રોચ જનતા પાર્ટીની બે દિવસીય મીટિંગમાં આગામી સ્ટ્રૅટેજી નક્કી થઈ હતી.

તેમણે જણાવ્યું, "આપણા દેશમાં એક સમયે મતદારો સરકાર ચૂંટતા હતા, પરંતુ આજના સમયમાં શું થઈ રહ્યું છે — સરકાર નક્કી કરી રહી છે કે મતદાર કોણ હશે. સરકાર નક્કી કરી રહી છે કે મત કોણ આપશે અને કોણ નહીં આપે. લોકશાહી આવી રીતે ન ચાલી શકે. આ બાબતે ચૂંટણી પંચની જવાબદારી નક્કી કરવી પડશે. જો ચૂંટણી પંચની જવાબદારી નક્કી કરવામાં નહીં આવે (અથવા તેને સુધારવામાં નહીં આવે), તો દેશમાં ચૂંટણીઓમાં ગેરરીતિઓ થતી રહેશે."

તેમણે વધુમાં જણાવ્યું કે "ન્યાયતંત્ર પર પણ બહુ મોટો પ્રશ્નાર્થ છે. લોકો કહે છે કે જે સામાન્ય માણસ ન્યાયતંત્ર પાસે જાય છે તેની સુનાવણી જલદી થતી નથી, તેના પર ઝડપથી નિર્ણયો આવતા નથી. પરંતુ જે પણ મોટો બિઝનેસમેન કોર્ટમાં જાય છે તેની તરત જ સુનાવણી થઈ જાય છે, ઘણા કિસ્સાઓમાં અડધી રાતે પણ સુનાવણી થઈ છે. જ્યાં સરકાર પાડવાની હોય ત્યાં તરત જ સુનાવણી થઈ જાય છે."

તેમણે કહ્યું કે શિક્ષણમાં સુધારો કરવો અમારી મુખ્ય એજન્ડા રહેશે.

આ વિશે તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું, "આજે આપણે દેશની જે સ્થિતિ છે તેનું મુખ્ય કારણ એ છે કે શિક્ષણ આપણા દેશનો મુખ્ય એજન્ડા નથી. ના સરકારની છે, ના રાજકીય પક્ષોની છે. શિક્ષણને મોંઘું બનાવ્યું છે તે ઓછું થઈ શકે. ખાનગી સ્કૂલમાં ફીને લઈને કૅપ લાગવી જોઈએ. સરકારી શાળાઓને સુધારવા માટે સરકારે કામ કરવું પડશે."

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું છે કે અમે 'ક્યા બોલતી પબ્લિક'નામના કૅમ્પેનની શરૂઆત કરીએ છીએ. આ અભિયાન અંતર્ગત કૉક્રોચ જનતા પાર્ટી દેશભરમાં ફરશે અને લોકોના મુદ્દાઓને સમજશે.

કચ્છ : ડ્રગ્સ કેસના આરોપીની 22.32 લાખની સંપત્તિ જપ્ત, ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી

કચ્છ : ડ્રગ્સના આરોપીની 22.32 લાખની સંપત્તિ જપ્ત, ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, GUJARAT INFORMATION DEPARTMENT

ઇમેજ કૅપ્શન, કચ્છ પોલીસે ડ્રગ્સના આરોપીની 22.32 લાખની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો ગેરકાયદે વેપાર કરવાના મામલે પકડાયેલા આરોપીની સ્થાવર અને જંગમ મિલકતોનો કાયદાકીય હિસાબ મેળવીને તેને સરકાર ચોપડે જપ્ત કરવામાં આવી રહી છે.

કચ્છ ખાતેના બીબીસી સહયોગી આશુતોષ અયાચીના જણાવ્યા પ્રમાણે કચ્છ પોલીસે ડ્રગ્સના આરોપીની 22.32 લાખની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ગુજરાત સરકારના માહિતી વિભાગની યાદી અનુસાર, "ગુનેગારો સામે SAFEMA/NDPSA (Smugglers and Foreign Exchange Manipulators Act, 1976) હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના આર્થિક નૅટવર્કને ધ્વસ્ત કરવાનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે."

આ યાદીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરવાની પ્રથમ કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે મીડિયાને જણાવ્યું હતું કે "ગાંધીધામ ખાતે અગાઉ 3થી 4 વખત માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાઈ ચૂકેલા કુખ્યાત આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરુદ્ધ એસઓજી ટીમે આકરી કાર્યવાહી કરી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે આ આરોપીએ પોતે અને પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી મિલકતો વસાવી હતી. આરોપીએ મકાન અને ત્રણ વાહનો મળીને 22.32 લાખની મિલકત વસાવી હતી, જેને કચ્છ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે."

પોલીસનો દાવો છે કે હવે નશાના કારોબાર સાથે સંકળાયેલા ગુનેગારોને માત્ર જેલની હવા જ નહીં ખાવી પડે પરંતુ તેણે પોતાની મિલકતો પણ ગુમાવવી પડશે.

યુક્રેને રશિયાની બે ઑઇલ રિફાઇનરીઓ પર હુમલો કર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Social Media (Verified by BBC Verify

ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાની પુષ્ટિ કરી છે

યુક્રેને રશિયાના યારોસ્લાવ શહેરમાં આવેલી એક મોટી ઑઇલ રિફાઇનરી સહિત બે રિફાઇનરીઓને ડ્રૉન વડે નિશાન બનાવી છે.

ક્ષેત્રના ગવર્નર મિખાઇલે દાવો કર્યો કે યારોસ્લાવ પર દુશ્મન ડ્રૉનનો અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો થયો છે.

તેમણે જણાવ્યું કે રશિયન સૈન્યે 92 ડ્રૉનને નષ્ટ કરી નાખ્યાં. જોકે, તેનો કાટમાળ નીચે પડતાં ત્રણ ઘરોમાં આગ લાગી ગઈ.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે યારોસ્લાવસ્થિત સ્લાવનેફ્ટ-યાનોસ રિફાઇનરી અને બશ્કોર્તોસ્તાનસ્થિત બાશનેફ્ટ-નોવોઇલ રિફાઇનરીને નિશાન બનાવી છે.

રશિયન સંરક્ષણ અધિકારીઓ પ્રમાણે, દેશના ઘણા વિસ્તારોમાં કૂલ 605 યુક્રેનિયન ડ્રૉનને ઇન્ટરસેપ્ટ કરાયાં.

યુક્રેને હાલનાં અઠવાડિયાંમાં રશિયાનાં ઊર્જા અને સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને ઘણા હુમલા કર્યા છે. તેમાં ઑઇલ રિફાઇનરીઓ અને વેરહાઉસ પણ સામેલ છે.

તેમજ, યુક્રેનિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયા તરફથી કરાયેલા ડ્રૉન હુમલામાં એક રેસિડેન્સિયલ વિસ્તારમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

તરુણ તેજપાલને બૉમ્બે હાઇકોર્ટે બળાત્કાર કેસમાં દોષી ઠરાવ્યા

સેશન કોર્ટે 2021માં તરુણ તેજપાલને બળાત્કાર કેસમાં દોષમુક્ત જાહેર કર્યા હતા

ઇમેજ સ્રોત, Ulf Andersen/Getty Images

ઇમેજ કૅપ્શન, સેશન કોર્ટે 2021માં તરુણ તેજપાલને બળાત્કાર કેસમાં દોષમુક્ત જાહેર કર્યા હતા

બૉમ્બે હાઇકોર્ટની ગોવા બૅન્ચે ગુરુવારે 'તહલકા' મૅગેઝિનના ઍડિટર-ઇન-ચીફ રહી ચૂકેલા તરુણ તેજપાલ સંબંધિત એક બળાત્કાર કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે.

નવેમ્બર 2013માં તરુણ તેજપાલ સામે બળાત્કાર અને યૌન ઉત્પીડનનો કેસ નોંધાયો હતો. સેશન કોર્ટથી વર્ષ 2021માં તેજપાલને દોષમુક્ત કર્યાનો નિર્ણય હવે હાઇકોર્ટે રદ કરી દીધો છે.

લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ ડૉ. નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જામસંદેકરની ડિવિઝન બૅન્ચે ગોવા સરકાર તરફથી દાખલ અપીલને મંજૂર કરીને તેજપાલને દોષિત જાહેર કર્યા છે.

હવે કોર્ટે તેજપાલની સજાની અવધિ પર આજે દિવસ દરમિયાન નિર્ણય સંભળાવશે.

નિર્ણય સંભળાવ્યો એ સમયે તરુણ તેજપાલ કોર્ટમાં હાજર હતા. અગાઉ કેસની સુનાવણી પૂરી થયા બાદ બેન્ચે તેમને નિર્ણય સંભળાવતી વખતે કોર્ટમાં ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

આ અપીલ સીઆઇડી તરફથી દાખલ કરાઈ હતી. આ મામલે રાજ્ય સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને ગોવાના ઍડવોકેટ જનરલ દેવીદાસ પંગમે પક્ષ મૂક્યો હતો.

બાર ઍન્ડ બેન્ચ અનુસાર, કોર્ટે કહ્યું કે "અમે નીચલી કોર્ટનો નિર્ણય અને આદેશ રદ કરી દીધો છે અને તેજપાલને દોષી ઠેરવ્યા છે. અમે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(એફ) અને (કે), 354એ અને 354 બી હેઠળ દોષી ઠેરવ્યા છે."

તેજપાલ તરફથી તેમના વકીલે કહ્યું કે "તેઓ (તેજપાલ) ક્યારેય ફરાર નથી થયા. તેમણે કોર્ટના આદેશોનું પાલન કર્યું છે. તેમનો પાસપૉર્ટ હજુ પણ સરકારી અધિકારીઓ પાસે છે. દોષમુક્ત થયા હોવા છતાં પણ તેમણે પોતાનો પાસપૉર્ટ પાછો લીધો નથી. એટલે એ તથ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ કે ધરપકડ બાદથી અત્યાર સુધી તેઓ વિદેશ પણ ગયા નથી."

ગોવા પોલીસે અંદાજે ત્રણ હજાર પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું. જેમાં તેજપાલ પર "ખોટી રીતે નિયંત્રણ, ખોટી રીતે બંધક બનાવવું, યૌન ઉત્પીડન, હુમલો, પદનો દુરુપયોગ કરીને યૌનશોષણ" જેવા આરોપ લગાવ્યા છે.

જોકે તરુણ તેજપાલ બધા આરોપોને ફગાવ્યા હતા અને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

શેખ હસીનાની પ્રેસ કૉન્ફરન્સથી ભારત સામે બાંગ્લાદેશમાં ગુસ્સો

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન, શેખ હસીના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEEAFP via Getty Image

બાંગ્લાદેશે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને ભારતમાં મીડિયા સાથે સીધી વાત કરવાની પરવાનગી આપવા પર વાંધો ઉઠાવ્યો છે.

બાંગ્લાદેશ સરકારે કહ્યું કે, "તે કાર્યક્રમ મારફતે શેખ હસીના અને તેમના સહયોગીઓએ બાંગ્લાદેશી રાજ્ય અને દેશના લોકોની મજાક ઉડાવી છે."

એક વર્ચુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન શાકિબ અલ હસન દેખાયા બાદ તેમના ઘર પર બુધવારે રાત્રે હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશની આવામી લીગે ઍક્સ પર નિવેદનમાં કહ્યું કે, "બાંગ્લાદેશના જાણીતા ક્રિકેટ આઇકન શાકિબ અલ હસનના ઘરે પેટ્રોલ બૉમ્બથી એક ભયાનક હુમલો થયો છે. આ હુમલો તે પ્રેસ કૉન્ફરન્સના કેટલાક કલાકો પછી થયો જેમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટાર ક્રિકેટરે સન્માનિત પાર્ટી પ્રમુખ શેખ હસીનાની સાથે ભાગ લીધો હતો."

આવામી લીગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રેસ કૉન્ફરન્સ પહેલાં બીએનપી, ઇસ્લામી જમાત અને એનસીપીએ સાર્વજનિક રૂપથી રાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોને ચેતવણી આપી હતી કે જો તેઓ પ્રેસ કૉન્ફરન્સ સાથે સંકળાયેલા રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા તો તેમની વિરુદ્ધ ન્યાયપાલિકાનો ઉપયોગ કરીને કેસ નોંધાવશે."

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, "સરકારે પહેલાં જ આ કાર્યક્રમને બાંગ્લાદેશ- ભારત દ્વિપક્ષીય સંબંધોના પુનર્નિમાણ પર પડનાર અસરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઢાકા આ સાર્વજનિક કાર્યક્રમને અનુમતિ આપવા પર સખત વાંધો ઉઠાવે છે."

બુધવાર સાંજે શેખ હસીનાએ દિલ્હીના ફૉરેન કૉરસ્પૉન્ડન્ટ્સ ક્લબ ઑફ સાઉથ એશિયા તરફથી આયોજિત પ્રેસ કૉન્ફરન્સને વર્ચુઅલી સંબોધિત કરી હતી.

તેમણે ફરી એલાન કર્યું કે તેઓ બાંગ્લાદેશ પાછાં ફરશે. તેમણે કહ્યું કે તેઓ ડિસેમ્બર સુધી પાછાં ફરશે પરંતુ કોઈ નક્કી તારીખ ન જણાવી.

આના કેટલાક સમય પછી રાત્રે લગભગ 11 વાગ્યે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના ફેસબુક પર એક નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે, "ભારતની ધરતી પર શેખ હસીનાની પ્રેસ કૉન્ફરન્સ ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશની જનતા જુલાઈ ક્રાંતિની બીજી વર્ષગાંઠ ઉજવી રહી છે. આ બાંગ્લાદેશની સંપ્રભુતા પર હુમલો છે અને જુલાઈ ક્રાન્તિના શહીદોનું અપમાન છે."

નિવેદનમાં શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને પણ હતાશા વ્યક્ત કરી છે.

આમાં કહેવામાં આવ્યું છે કે, "અફસોસની વાત છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 2013માં થયેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ દોષિત અપરાધી (શેખ) હસીનાને પાછાં મોકલવા માટે બાંગ્લાદેશ તરફથી અનેક વખત અનુરોધ પર ભારત સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી."

આનાથી ઊલ્ટું, કોઈ પણ બહાનાથી તેમને સાર્વજનિક રૂપથી મીડિયા સાથે વાતચીતનો મોકો આપવો આ દેશના લોકોની ભાવનાઓને આહત કરે છે અને બાંગ્લાદેશ તથા ભારત વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોના નિર્માણ માટે ઘણું નુકસાન પહોંચાડી શકે છે."

આની પહેલાં ગયા મંગળવારે પત્રકારોએ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલ પાસે આ પ્રેસ કૉન્ફરન્સ પર પ્રતિક્રિયા માગી હતી.

તેમણે કહ્યું કે, "તે કાર્યક્રમનું આયોજન એક ખાનગી સંસ્થા કરી રહી છે. ભારત સરકારનો તેની સાથે કોઈ સંબંધ નથી. અહીં વ્યક્ત કરવામાં આવલો કોઈ પણ વિચાર અથવા નિવેદનનું સમર્થન ભારત સરકાર નથી કરતી અને અમારો તેમની સાથે કોઈ સંબંધ નથી."

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકરસિંહનું નિધન

બલિયા જિલ્લાના રસડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉમાશંકરસિંહની ઉંમર 55 વર્ષ હતી

ઇમેજ સ્રોત, Facebook/@umashankarsinghballia

ઇમેજ કૅપ્શન, બલિયા જિલ્લાના રસડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉમાશંકરસિંહની ઉંમર 55 વર્ષ હતી (ફાઇલ ફોટો)

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકરસિંહનું બુધવારે રાત્રે નિધન થયું છે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, બલિયા જિલ્લાના રસડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉમાશંકરસિંહની ઉંમર 55 વર્ષ હતી. તેઓ લાંબા સમયથી બ્રેન ટ્યુમરથી પીડિત હતા. તેમની સારવાર દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

તેમના નિધન પર મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, બીએસપી પ્રમુખ માયાવતી તેમજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

ઉમાશંકરસિંહે પોતાના જાહેર જીવનની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. વર્ષ 1990-91 દરમિયાન તેઓ બલિયાની સતીશચંદ્ર કૉલેજના વિદ્યાર્થી સંઘના મહાસચિવ તરીકે ચૂંટાયા હતા.

તેઓ પ્રથમ વખત 2012માં રસડા વિધાનસભા બેઠક પરથી જીત મેળવીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ત્યાર બાદ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ તેમણે સતત જીત મેળવી હતી.

કૉમનવેલ્થ ધ્વજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયો

કૅબિનેટ બેઠકમાં કૉમનવેલ્થ ધ્વજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયો હતો

ઇમેજ સ્રોત, gujarat information department

ઇમેજ કૅપ્શન, કૅબિનેટ બેઠકમાં કૉમનવેલ્થ ધ્વજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયો હતો

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026ના ડેલિગેશન તેમજ ગુજરાતના ઍથ્લીટ્સ અને પૅરા-ઍથલીટ્સ દ્વારા કૅબિનેટ બેઠકમાં કૉમનવેલ્થ ધ્વજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયો હતો.

હવે આગામી કૉમનવેલ્થ ગેમ્સ સુધી આ ધ્વજ ગુજરાતમાં જ રહેશે.

આ સમયે ગ્લાસગો ખાતે આયોજિત કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રતિનિધિત્વ કરનારા પૅરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૅરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ હાજર રહ્યાં હતાં.

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વર્ષ 2030ની કૉમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે 'ટીમ ગુજરાત' સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગ્લાસગો કૉમનવેલ્થનું સમાપન થતાં કૉમનવેલ્થ ગેમ્સ ધ્વજ આગામી 2030માં યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો.

આ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રૉન્ઝ સાથે કુલ 39 મેડલ્સ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન